પંચાંગ મુજબ આજે બોળચોથ, શુક્રવારે નાગપાંચમ: કાલે કોઇ પર્વ નહિ
નંદ ઘેર આનંદ ભયો…. જય કનૈયા લાલ કી…. નંદલાલાના વધામણા કરવા સાતમ-આઠમના શુભ તહેવારોનો આજથી મંગલ પ્રારંભ થયો છે. રંગેચંગે ધામધુમથી તહેવારો ઉજવવા લોકો તૈયારીમાં લાગી ગયા છે. પંચાંગ પ્રમાણે આજે બોળચોથ, શુક્રવારે નાગ પાંચમ ઉજવાશે. આવતીકાલ ગુરુવારના દિવસે કોઇ પર્વ નહિ ઉજવાય એટલે કે સામાન્ય દિવસ ગણાશે.
જન્માષ્ટમીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. મીઠાઇ- ફરસાણની દુકાનો ધમધમવા લાગી છે. આજે બોળચોથના દિવસે સૌભાગ્યવતી બહેનોએ ગાય, વાછરડા પુજન કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું છે. તો કાલનો દિવસ સામાન્ય રહેશે. ત્યારબાદ નાગપંચમીએ લોકો નાગદેવતાનું પુજન કરી આખુ વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરશે.
તા.ર8ને શનિવારે રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ મીષ્ઠાન ફરસાણ સહીતની વાનગી બનાવી ચૂલો ઠારવાની પરંપરા નિભાવશે. શીતળા માતાની કૃપા મેળવવા સાતમના દિવસે ચુલો પ્રગટાવવાનો ન હોય જેથી આગલા દિવસે રાંધેલુ ખાઇ લોકો શીતળા સાતમ મનાવશે. ત્યારબાદ જન્માષ્ટમીના દિવસે લોકો આખો દિવસ ઉપવાસ કરી નંદ જન્મોત્સવ ઉજવશે.
તહેવારોમાં ફરવાના શોખીનોએ અગાઉથી જ આયોજન ઘડી વિવિધ સ્થળોના બુકીંગ એડવાન્સ કરી લીધા છે. તો વડિલ, વૃઘ્ધો ધાર્મિક સ્થાનો, મંદિરોમાં ભજન કિર્તન કરી આનંદની અનુભૂતિ કરશે. કોરોનાને કારણે મેળાઓ બંધ હોય જેથી લોકો વિવિધ પર્યટન સ્થળોએ ઉમટી પડી રજાઓ માણશે.
રાજકોટ માકેટીંગ યાર્ડ તહેવારો નિમિત્તે 28 ઓગષ્ટથી ર સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
રાજકોટ માકેટીંગ યાર્ડની જન્માષ્ટમીના તહેવારોની રજા જાહેર થઇ ચૂકી છે. આગામી ર8 ઓગષ્ટ શનિવારથી લઇ ર સપ્ટેમ્બર ગુરુવાર એમ 6 દિવસ સુધી મુખ્ય બેડી યાર્ડ બંધ રહેશે. ત્યારબાદ 3 સપ્ટેમ્બર શુક્રવારથી યાર્ડ રાબેતા મુજબ શરુ થશે. તહેવારો દરમ્યાન હરરાજીનું કામકાજ સદંતર બંધ રહેશે. બેડી યાર્ડ તા. 28/8 થી 2/9 શાકભાજી વિભાગ તા. 29/8 થી 1/9, બટાટા વિભાગ તા. 29/8 થી 31/8, ડુંગળી વિભાગ તા. 30/8 થી 2/9, ઘાસચારા વિભાગ તા. 30 અને 31 ના રોજ બંધ રહેશે.