ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાનું પ્રદર્શન તમામ ક્રિકેટ ટીમો માટે પ્રેરણારૂપ

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચમાં પોતાનો અલગ જ ઈતિહાસ ધરાવે છે. ટેસ્ટ મેચ સાથે ઓસ્ટ્રેલીયાની અનેકવિધ ખાસીયતો જોડાયેલી છે. ઓસ્ટ્રેલીયાએ તેનો પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ વિરુધ્ધ મેલબોર્નની પીચ પર વર્ષ ૧૮૭૭માં રમ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલીયાનો વિજય થયો હતો. આગામી ટૂંક સમયમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ મેચ સીરીઝ રમાનાર છે ત્યારે ઓસ્ટ્રેલીયાનો ટેસ્ટ મેચ સાથે જોડાયેલો ઈતિહાસ જોવા અતિ જરૂરી છે. ઓસ્ટ્રેલીયન ટીમની કુલ ૭ બાબતો એવી છે કે જે કોઈ ટીમે આજ સુધી કરી બતાવી નથી જે ઈન્ડિયા-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝમાં ગેમચેન્જર સાબીત થઈ શકે છે.

ટેસ્ટ મેચમાં ‘એઈટ બોલ ઓવર’ રમનાર પ્રથમ ટીમ ઓસ્ટ્રેલીયા

ઓસ્ટ્રેલીયાએ સૌપ્રથમવાર વર્ષ ૧૯૨૪-૨૫માં ટેસ્ટ મેચ દરમિયાન પ્રતિ ઓવર આઠ બોલ સાથેનો મેચ રમ્યો હતો. વર્ષ ૧૯૩૬-૩૭ અને ૧૯૭૮-૭૯માં પણ ઓસ્ટ્રેલીયાએ એક ઓવરમાં આઠ બોલ સાથે ટેસ્ટ મેચ રમી હતી. ઓસ્ટ્રેલીયાના નિર્ણયને ધ્યાને રાખી સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે પણ અલગ અલગ સમયમાં પ્રતિ ઓવર આઠ બોલની મેચ રમી હતી. જો કે, હાલ સુધીમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ, ઝીમ્બાવે અને બાંગ્લાદેશે ક્યારેય પણ ટેસ્ટ મેચમાં આઠ બોલ પ્રતિ ઓવરનો મેચ રમ્યા નથી.

ડેનીશ લીલી એલ્યુમીનીયમ બેટ સાથે મેચ રમનાર પ્રથમ ખેલાડી

વર્ષ ૧૯૭૯માં જ્યારે પર્થની પીચ ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડ વિરુધ્ધ ટેસ્ટ મેચ ચાલી રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલીયાની ૨૩૨ રનમાં ૮ વિકેટ પડી ગઈ હતી. નવમાં ક્રમાંકે ડેનીશ લીલી બેટીંગ માટે આવ્યો હતો. મેચના પ્રથમ દિવસે લીલી અણનમ ૧૧ રને પીચ પર રહ્યો હતો. જ્યારે બીજા દિવસે લીલી એલ્યુમીનીયમના બેટ સાથે બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. જો કે, આ બેટ અંગે વિવાદ પણ થયો હતો. પરંતુ તે સમયે બેટ ક્યાં પ્રકારના મટીરીયલમાંથી બનેલ હોવું જોઈએ તે અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નહીં હોવાના અભાવે લીલીને એલ્યુમીનીયમના બેટ સાથે રમવા દેવાયો હતો. ઉલ્લેખનીય બાબત છે કે આ મેચ ઓસ્ટ્રેલીયાએ જીત્યો હતો.

ક્રિકેટના બેતાઝ બાદશાહે તેની કારકિર્દીમાં ફક્ત ૬ છગ્ગા જ ફટકાર્યા!

ઓસ્ટ્રેલીયન ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેનને ક્રિકેટના બેતાઝ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિકેટના તમામ ખેલાડીઓ પૈકી ડોનાલ્ડ બ્રેડમેનનું આગવું સ્થાન છે. બ્રેડમેને ૧૯૪૮માં નિવૃતિ સુધીમાં કુલ ૫૨ ટેસ્ટ મેચ રમ્યા હતા. જે દરમિયાન બ્રેડમેને ૨૯ સત્તક અને ૧૩ અર્ધ સત્તક ફટકાર્યા હતા. પરંતુ ૫૨ મેચમાં બ્રેડમેન ફક્ત છ જ છગ્ગા લગાવ્યા હતા તે બાબત ખુબ આશ્ર્ચર્યજનક છે.

લોર્ડ્સની પીચ પર ૭૫ વર્ષ સુધી કાંગારૂનું શાસન

વર્ષ ૧૯૩૪ થી ૨૦૦૯ સુધી કુલ ૭૫ વર્ષ સુધી ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમને ટેસ્ટ મેચ દરમિયાન લોર્ડ્સની પીચ પર કોઈ ટીમ હરાવી શકી નથી. ઉલ્લેખનીય બાબત છે કે, લોર્ડ્સની પીચને ક્રિકેટનું મક્કા ગણવામાં આવે છે. ક્રિકેટના મક્કા પર ૭૫ વર્ષ સુધી કાંગારૂનું શાસન યથાવત રહ્યું હતું. વર્ષ ૨૦૦૯માં ઈંગ્લેન્ડની ટીમે કાંગારૂને લોર્ડ્સની પીચ પર ટેસ્ટ મેચ દરમિયાન ૧૧૫ રને હરાવ્યા હતા.

ફાસ્ટ બોલર રોની હોગે નિવૃતિ બાદ દૂધ વેંચી જીવન વિતાવ્યું

મહત્વપૂર્ણ બાબત છે કે, જ્યારે કોઈપણ ક્રિકેટરને આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે ત્યારબાદ તેનો એટીટ્યુટ કંઈક અલગ હોય છે. ત્યાં સુધી કે અમુક ખેલાડીઓ તેમના ચાહકોનું પણ સન્માન જાળવતા નથી અને સરેઆમ ચાહકનું અપમાન પણ કરતા હોય છે. પરંતુ ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર રોની હોગ કે જેણે ટેસ્ટ મેચમાં ૧૨૩ વિકેટ ચટકાવી હતી. તેણે નિવૃતિ બાદ એક સામાન્ય દૂધવાળો બની પોતાનું જીવન વિતાવ્યું હતું.

૭ મેચની ટેસ્ટ સીરીઝ રમનાર ઓસ્ટ્રેલીયા પ્રથમ દેશ

વર્ષ ૧૯૭૦-૭૧ના સમયમાં ઓસ્ટ્રેલીયા ટેસ્ટ મેચમાં ૭ મેચની સીરીઝ રમનાર પ્રથમ દેશ હતો. જો કે, આ અખતરો ઓસ્ટ્રેલીયાને ફળ્યો નહીં પરંતુ આ પ્રકારની સીરીઝ રમનાર ઓસ્ટ્રેલીયા પ્રથમ ક્રિકેટ ટીમ બની હતી.

વોગ બંધુઓએ ૯૯ રનની પારી રમી ઓસ્ટ્રેલીયાને જીત અપાવી

૧૯૯૦ના દાયકામાં જ્યારે સ્ટીવ વોગ તેના ખરાબ પ્રદર્શન દરમિયાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ફેબ્રુઆરી ૧૯૯૫માં ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેડ વચ્ચે પર્થ ખાતે ટેસ્ટ મેચ રમાઈ રહ્યો હતો. તે દરમિયાન સ્ટીવ વોગ ૯૯ રનની પારીએ આઉટ થયો હતો. જ્યારે માર્ક વોગ અંતિમ વિકેટ માટે રમવા આવ્યો હતો. બન્ને બંધુઓએ ૯૦ના દાયકામાં અનેક મેચમાં મોટી પારી રમી ઓસ્ટ્રેલીયાને જીત અપાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.