મુખ્યમંત્રીના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના લાભાર્થીઓને રામપરા બેટી ખાતે આવાસ, સનદ તથા નિ:શુલ્ક ગેસ સીલીન્ડરના વિતરણ સાથે સ્થાયી વસાહતનું લોકાર્પણ
વડાપ્રધાને શરૂ કરેલા ગ્રોથ એન્જિનને વધુ ગતિથી દોડાવવા સૌનો સહકાર આવશ્યક, રાજ્ય સરકારના સંવેદનશીલ કાર્યક્રમોમાં મળતા યોજનાકીય લાભો મેળવી વિકાસપથ પર અગ્રેસર થવા નાગરિકોને અનુરોધ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલઅબતક, રાજકોટ
રાજકોટ તાલુકાના રામપરા બેટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોને વગડામાંથી વ્હાલપની વસાહત કાર્યક્રમ અન્વયે વિવિધ લાભો એનાયત કરતા સમુદાયના નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા દાખવતાં જણાવ્યું હતું કે, આ સમુદાયના નાગરિકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા રાજ્ય સરકાર સદૈવ તત્પર છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજે યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થવામાં ખૂબ આનંદની લાગણીનો અનુભવ થાય છે કેમકે તેના થકી નાના-છેવાડાના-ગરીબ-વંચિત નાગરિકો માટે કંઈક કરી છૂટવાની લાગણી પેદા થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 2005થી વિચરતા અને વિમુક્ત સમુદાયોને સ્થાયી કરવા માટે શરૂ કરેલી આવાસ યોજનાને સફળતાપૂર્વક આગળ ધપાવવા રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે આ પ્રસંગે દોહરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરીકોના સહકારની આકાંક્ષા ઉચ્ચારતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાને શરૂ કરેલા ગ્રોથ એન્જિનને વધુ ગતિથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાનની સંવેદનાના કિસ્સાઓ મુખ્યમંત્રીએ આ પ્રસંગે ટાંકયા હતા અને કહ્યું હતું કે તેમની સંવેદનાસભર દીર્ઘદ્રષ્ટિથી રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકો તેમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શક્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિચરતી જાતિના લોકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારના સંવેદનશીલ કાર્યક્રમોમાં મળતા યોજનાકીય લાભો મેળવી વિકાસ પથ પર અગ્રેસર થવું જોઈએ. વિચરતી જાતિના લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ બનાવાયેલી વીજળી-પાણી-આવાસ-રસ્તાઓ વગેરેની સવલતો બદલ મુખ્યમંત્રીએ જિલ્લ વહીવટીતંત્રની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ વિચરતી જાતિના લોકોના નાગરિકોને હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે તેમના સંતાનને અવશ્યપણે ભણાવવા જ જોઈએ. પ્રગતિનો પાયો જ શિક્ષણ છે, ત્યારે વિચરતી જાતિના નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્યની જાળવણી માટે રાજ્ય સરકાર મક્કમ છે એમ પણ મુખ્યમંત્રીએ આ તકે ઉમેર્યું હતું.આમંત્રિતોના હસ્તે દિપપ્રગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ રાજકોટના મંત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજકોટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિવિધ ગામોના સરપંચોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. વિચરતા સમુદાયના અગ્રણી અજયભાઈ સોરાણીએ મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિમાં રૂ. 51000નો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃત્તિઓ દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે પ્રસારિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર વિભાગના રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વે કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રેન્જ આઇ.જી. સંદીપકુમાર, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકના પ્રાથમિક નિયામક ધીમંતકુમાર વ્યાસ અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કર, એડિશનલ કલેક્ટર એન.એફ. ચૌધરી અને એન. આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, અગ્રણીઓ મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા સહીત મોટી સંખ્યામાં વિચારતી જાતિના લોકો જોડાયા હતાં.
વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃત્તિઓ સરાહનીય આર.સી.મકવાણા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી આર. સી. મકવાણાએ વિચરતી જાતિના લોકો માટે રાજ્ય સરકારે આદરેલા વિકાસ યોજનાની વિગતો રજુ કરી હતી અને મુખ્યમંત્રીએ રાજ્યના ગરીબો અને વંચિતો માટે કરેલા વિકાસકામોની ટૂંકી વિગતો આપી હતી. મંત્રી મકવાણાએ વિચરતા સમુદાય સમર્થન મંચની પ્રવૃત્તિ ઓને સરાહના કરી હતી.
મુખ્યમંત્રી વિચરતી જાતિના નાગરિકોના આશિર્વાદના અધિકારી બન્યા : જીતુભાઈ વાઘાણી
રાજ્યના શિક્ષણ મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ કાર્યક્રમને સમાજોપયોગી અને સંવેદનાસભર ગણાવતા કહ્યું હતું કે, વ્યવસાયની કુશળતા ધરાવતા નાગરિકોને સરનામું તથા જીવન જરૂરી સગવડો આપીને મુખ્યમંત્રી વિચરતી જાતિના નાગરિકોના આશીર્વાદના અધિકારી બન્યા છે અને આશા વ્યક્ત કરી હતી કે આ સુવિધાનો લાભ લઈને વિચરતી જાતિના લોકો મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકશે.
વિચરતી જાતિના લોકોને હવે સરનામું મળ્યું: મિત્તલ પટેલ
વી.એસ.એસ.એમ. સંસ્થાના અગ્રણી મિત્તલ પટેલે મુખ્યમંત્રી આ પ્રસંગે પધાર્યા તે બદલ આ અત્યંત ખુશી સાથે તેમનો આભાર માની વિચરતી જાતિના લોકો અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી પરંપરાગત રીતે જીવનશૈલી જીવતા હતાં. આજે તેઓને વસાહત સાથે પાણી, વીજળી, રસોડું અને છત મળવા બદલ તેઓના જીવનમાં ખુબ મોટો બદલાવ આવી રહ્યો છે. વિચારતી જાતિના લોકોને હવે સરનામું મળ્યું છે ,તેઓને રાજ્ય સરકારની વિવિધ સહાય માટે તેઓ પાત્રતા ધરાવતા થતાં તેઓએ સમગ્ર વહીવટી તંત્રનો મિત્તલબેને આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે રામપરા બેટી ખાતેથી કરાયેલા વિકાસ કામોના લોકાર્પણ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિચરતી જાતિના લોકોને 65 મકાનોની સોંપણી કરવામાં આવી હતી, આ તમામ મકાનો 40 ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવ્યા છે. અને આ તમામ મકાનોને પી.જી.વી.સી.એલ.ના સહયોગથી વિવિધ યોજના અન્વયે વિના મૂલ્યે વીજ કનેકશન્સ તાત્કાલિક ધોરણે આપવામાં આવ્યા છે.
- મુખ્યમંત્રી દ્વારા 19 પ્લોટધારકોને સનદ ફાળવણી કરવામાં આવી હતી. 300થી વધુ લાભાર્થીઓને 40 ચોરસ મીટરના પ્લોટની જમીનના ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉજ્જવલ 2.0 યોજના અંતર્ગત 29 લાભાર્થીઓને ગેસ સીલીન્ડરની ફાળવણી કરી હતી.
- મુખ્યમંત્રીએ આ તકે રામપરા ગામે 200 રૂમના હોસ્ટેલ નિર્માણની જાહેરાત કરી હતી.
- આટકોટ ખાતે પોલીસ માટે રૂ. 648.70 લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે રૂ. 1443.60 લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું
- જિલ્લા પંચાયત દ્વારા રૂ. 50 લાખના ખર્ચે 200 શાળાઓમાં સેનેટરી પેડ અને વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- જિલ્લા પંચાયત હેઠળની 650 આંગણવાડીમાં 15માં નાણાં પાંચ અંતર્ગત રૂ.89.40 લાખના ખર્ચે આરઓ સિસ્ટમ મુકવામાં આવી છે. તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.