મકાઇના લોટમાંથી પેટીસ બનાવી વહેંચવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ: કોર્પોરેશને નોટિસ ફટકારી 55 કિલો મકાઇના સ્ટાર્ચવાળી ફરાળી પેટીસનો કર્યો નાશ
શહેરમાં શ્રાવણ માસમાં શિવભક્તોના ઉપવાસ અભડાવતી કહેવાતી ફરાળી પેટીસનું છડેચોક વેંચાણ થઇ રહ્યું છે. સેવાકીય સંસ્થાઓ દ્વારા રાહત ભાવના ઓથા તળે પણે આવી પેટીસનું વેંચાણ કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ આજે કોર્પોરેશનના દરોડા દરમિયાન પ્રકાશવામાં આવ્યું છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મકાઇના લોટથી બનાવેલી પેટીસનું વેંચાણ કરવામાં આવતું હોવાનું પકડાયું છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે શહેરના ગાયત્રી નગર મેઇન રોડ પર ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં મંડપ રાખી શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત ભાવે ફરાળી પેટીસનું વેંચાણ કરવામાં આવે છે.
જ્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારી અને ઉત્પાદન સ્થળ એવા ગીતાનગર-6માં ખોડીયાર કૃપા નામના મકાનમાં ચેકીંગ હાથ ધરાતા અહી એવર સ્ટાર મેઇઝ સ્ટાર્ચ પાઉડર ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી એવું લેબલ છાપેલા મકાઇ સ્ટાર્ચનો ઉપયોગ કરી પેટીસ બનાવવામાં આવતી હોવાનું માલૂમ પડ્યુ હતું. સ્થળ પર પક્ષીઓ પણ ખાદ્ય સામગ્રી ચીજવસ્તુઓની આંટા મારતા હોવાનું ખૂલ્યુ હતું. તળવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની ટીપીસી વેલ્યૂ 26 જોવા મળી હતી. જે નિયમ મુજબ 25થી વધુ ન હોવી જોઇએ.
દરોડાની કામગીરી દરમિયાન હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ લાઇસન્સ મેળવી લેવા પણ નોટિસ આપી હતી. જ્યારે ફરસાણ તળવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો તેનો નમૂનો લેવામાં આવ્યો છે.
ફરાળી પેટીસ બનાવવા માટેના લોટનો પણ નમૂનો લેવાયો છે અને પરિક્ષણમાં પણ મોકલાયો છે. જ્યારે મકાઇના સ્ટાર્ચવાળી 55 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો છે.