ધ્યાન, યોગ સહિત આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઓનલાઈન ચાલી રહી છે
વિશ્વવ્યાપી કોરોના મહામારીની વચ્ચે સરકાર દ્વારા ધાર્મિક સંસ્થાઓને નિશ્ચિત શરતો સાથે ખોલવાની છૂટછાટ અપાયેલ છે. આજે આ વિષય સાથે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે સિનિયર મેનેજમેન્ટ કમિટીની વિગતવાર ચર્ચા બાદ, ભારતના તમામ રાજ્યોમાં પથરાયેલા બ્રહ્માકુમારીઝ સંસ્થાના હજારો સેવા કેન્દ્રો તારીખ ૩૦ જૂન,૨૦૨૦ સુધી નહિ ખોલવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
સર્વ જનહિતાય જૂન મહિનાના અંત સુધી બ્રહ્માકુમારીઝ રાજયોગ સેવાકેન્દ્રો નહિ ખોલવાનો સખત નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે-સાથે બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે જોડાયેલ તમામ પરિવારો, તથા ભાઈ-બહેનો ગત અઢી મહિનાથી તેઓના ઘરેથી જ આધ્યાત્મિક જ્ઞાન, રાજયોગ, ધ્યાનની પ્રવૃત્તિઓને આગળ ચાલું રાખવાની માહિતી અને સૂચના આપવામાં આવી છે.
કોવિડ-૧૯ના સમયગાળામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા તારીખ ૨૦ માર્ચથી ટેકનોલોજીના માધ્યમથી જુદા-જુદા પ્લેટફોર્મો દ્વારા નિયમિત સવાર-સાંજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે. સંસ્થા દ્વારા યુવાનો, મહિલા, બાળકો, સીનીયર સીટીઝન, ખેડૂતો, દરેક ઉમર અને વર્ગના લોકો માટે વિવિધ વિષયો પર વેબિનાર, વાર્તાલાપ, કોયડા, જ્ઞાનવર્ધક રમતો, કસરત, યોગા, આધ્યાત્મિક કાઉન્સેલિંગ, પ્રવચનો, યોગ શિબિરો, કલાસ, કિચન ગાર્ડન તાલીમ જેવા કાર્યક્રમોનું ઈ-માધ્યમો દ્વારા ઓનલાઈન લાઈવ અત્યારે પણ ચાલી રહેલ છે. સંસ્થાની ટીવી ચેનલો પીસ ઓફ માઈન્ડ, અવેક્નીગ, ઓમશાંતિ દ્વારા સતત ૨૪ કલાકના વેરાયટી આધ્યાત્મિક કાર્યક્રમોનું પ્રસારણ કરી, સમગ્ર વિશ્વના લોકોને ડર-ભયના માહોલની વચ્ચે હિમત અને ધીરજના ગુણ સાથે, સકારાત્મક અને ઉર્જાવાન બનવા માર્ગદર્શનની સાથે-સાથે સચોટ અનુભવોની આપ-લે કરવાની ઈશ્વરીય સેવાઓનો નિ:શુલ્ક લાભ આપી રહી છે.