પોતાની સાથે અધિકારીઓનો કાફલો ખડેપગે રાખી કોઈપણ આફતને પહોંચી વળવા સરકારે કરી લીધી હતી તૈયારી

ઓખી વાવાઝોડાની સંભાવનાને પગલે મુખ્યમંત્રીએ સુરતમાં ડેરાતંબુ તાણી ચૂંટણી નહીં પણ લોક સુખાકારીને આપ્યું પ્રાધાન્ય

ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતને ટચ કરે એ પહેલા જ સમુદ્રમાં વિખેરાઈ ગયું છે એટલે ગુજરાત પરથી મોટી ઘાત ટળી ગઈ. હવામાન ખાતાની આગાહીને પગલે ગઈકાલે જ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાનો પ્રચાર કરવાને બદલે બધું છોડીને સુરત પહોંચી ગયા હતા અને જો વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતને થાય તો તાત્કાલિક અસરગ્રસ્તોને કેમ સહાય પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવા લાગ્યા હતા. પોતાની સાથે ટોચના અધિકારીઓને પણ ખડેપગે રાખ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તા.૯ અને ૧૪ ડિસેમ્બરે યોજાવાની છે તેનો પ્રચાર ચરમસીમાએ થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯ ડિસેમ્બરે મતદાન થવાનું છે એટલે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આવા વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની સંવેદનશીલતા પ્રગટ કરી. વિજયભાઈ રાજકોટ-૬૯ બેઠકના ઉમેદવાર છે. તેમને રાજકોટમાં રહીને પ્રચારકાર્ય કરવું આવશ્યક હોય એ સ્વાભાવિક છે છતાં પણ મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ અદા કરવામાં તેઓ અવ્વલ રહ્યા !

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઓખી વાવાઝોડાનું સંકટ ભારતના દરિયાકિનારા પર મંડરાઈ રહ્યું હતું. બે દિવસ પહેલા હવામાન વિભાગે એવી આગાહી કરી કે, ઓખી વાવાઝોડું પોતાની દિશા બદલીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારા અને અન્ય વિસ્તારોને અસર કરી શકે છે. સૌથી પહેલા તે ઉમરગામ, વલસાડ, સુરત, નવસારી જેવા દક્ષિણ ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોળશે અને એ પછી સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો વેરાવળ, માંગરોળ, પોરબંદર, દ્વારકા, ઓખા, જાફરાબાદ, મહુવા, ભાવનગર ઉપરાંત અમરેલી, રાજકોટને પણ અસર કરશે.

આવી આગાહીને પગલે રાજય સરકારે તરત જ એકશનમાં આવી જવુ પડતું હોય છે. સામાન્ય દિવસો હોય તો સરકારી તંત્ર ગતિમાન બની જાય પરંતુ લોકો માટે એક કોયડો એ હતો કે અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે સરકાર ખરેખર મદદે આવી શકશે ? નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે લોકોને કેટલી મદદ મળશે ? પરંતુ લોકોના મનના આ સવાલોનો સીધો અને ધારદાર જવાબ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ આપી દીધો છે. ખરેખર સંવેદનશીલ મુખ્યમંત્રી કોને કહેવાય તે વિજયભાઈએ સાબિત કરી દીધું છે.

રાજકોટ-૬૯ એટલે કે પોતાની બેઠક અને આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારની જવાબદારીને થોડા કલાકો માટે એકબાજુ મુકીને તેઓ સીધા જ સુરત દોડી ગયા હતા. તેમને માટે પ્રચારકાર્ય ગૌણ બની ગયું અને ગુજરાતની પ્રજાની સુખાકારી મુખ્ય બની ગઈ! વિજયભાઈ રૂપાણીએ વિચાર કર્યો કે દક્ષિણ ગુજરાત પર જો વાવાઝોડુ ત્રાટકે તો મોટી નુકસાની થઈ શકે છે એટલે તેમને ગઈકાલ સવારમાં જ સુરતમાં પોતાના ડેરાતંબુ તાણ્યા. સુરતમાં વાવાઝોડાની અસર થનાર હતી. સુરતમાં હેડકવાર્ટર બનાવીને બેઠેલા વિજયભાઈ ત્યાંથી જ દક્ષિણ ગુજરાતના લોકોને મદદરૂપ કેમ બની શકાય તે માટે તૈયારી કરી ચૂકયા હતા.

વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી અધિકારીઓનો કાફલો ઉપાડયો હતો. તાત્કાલિક જે નિર્ણય કરવા પડે તે કરીને પણ દક્ષિણ ગુજરાત પર આવનારી સંભવિત આફત સામે લોકોને કેમ બચાવવા, જાનહાની ન થાય તેની કઈ રીતે કાળજી લેવી અને કુદરતી આફતીને કારણે જો લોકોને નુકસાન થાય તો તેનું વળતર સત્વરે કેમ આપી શકાય એ માટે તેમણે અધિકારીઓ સાથે મળી પ્લાન બનાવી લીધો હતો.

સદનશીબે ગઈ મધરાતથી જ ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયાથી ૧૦૦ કિલોમીટર દુર હતું ત્યાં જ વેરવિખેર થઈ ગયું અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રને કોઈ જ નુકસાની ન થઈ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારે સંભવિત આફત સામે અગાઉથી કમર કસી લીધી હતી. ગુજરાતીઓના ભાગ્ય સારા જેને કારણે આફત આવી જ નહીં જો આપતિ આવી હોત તો પણ સરકાર તેની સામે લડવા અગાઉથી જ સક્ષમ બની ગઈ હતી.

સૌથી મોટી વાત એ છે કે વિજયભાઈ રૂપાણી રાજકોટનું પોતાનું પ્રચારકાર્ય છોડીને સુરત પહોંચી ગયા ! આખા ગુજરાતની નજર રાજકોટના તેમની બેઠકના જંગ પર છે છતાં પ્રજા સુખાકારીની અને લોક કલ્યાણની વાત આવી ત્યારે તેઓ ચૂંટણી ભુલીને લોકસેવા કરવા તત્પર બની ગયા અને સુરત પહોંચી ગયા. તેમણે ધાર્યું હોત તો મંત્રીમંડળના સદસ્યો તેમજ અધિકારીગણને મોકલીને પણ કામ ચલાવી શકયા હોત પરંતુ તેમણે એમ કરવાને બદલે પોતાની સંવેદનશીલતા વ્યકત કરી અને દક્ષિણ ગુજરાતની જનતા માટે પોતાએ ત્યાં જવુ અનિવાર્ય સમજયું અને દોડી ગયા.

વિજયભાઈ રૂપાણીની લોકસેવાની આ ભાવનાની નોંધ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના લોકોએ લીધી છે. લોકોને એ પણ સમજાઈ ગયું છે કે આગામી ચૂંટણીમાં હવે કોને મત આપવો. ગુજરાતની જનતા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી અને વિજયભાઈ જેવા મુખ્યમંત્રી ખરાઅર્થમાં લોકોની પડખે ઉભા રહે છે. આપતિના સમયે સત્વરે તેઓ તમામ પ્રકારની સહાય સાથે ઉપસ્થિત થઈ જાય છે. દુર સુધી જોવાની જરૂર નથી ગત જુલાઈ મહિનામાં બનાસકાંઠામાં થયેલા પુર પ્રકોપ વખતે પણ વિજયભાઈ અને તેની સરકાર અસરગ્રસ્તોની તમામ સહાય માટે ખડેપગે હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.