નિફટીમાં પણ 198 પોઈન્ટનું તોતિંગ ગાબડુ: સેન્સેક્સે 60,000ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ: અમેરિકી ડોલર સામે રૂપિયો પણ 15 પૈસા તૂટ્યો
ભારતીય શેરબજારમાં આજે મંદીનું વાવાઝોડુ ફૂંકાયું હતું. સેન્સેક્સ અને નિફટી ઉંધામાથે પટકાતા રોકાણકારોનું અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. સેન્સેક્સે 60,000ની સપાટી તોડતા બજારમાં જાણે નવેસરથી મંદીનો દૌર શરૂ થયો હોય તેવી ભીતિ સતાવા લાગી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો.
આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ તોતીંગ ઘટાડા સાથે ખુલ્યા હતા. એક તબક્કે માર્કેટમાં થોડી રિકવરી જોવા મળી હતી. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 60,293 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે તૂટીને 59656 પોઈન્ટ પર આવી ગયો હતો. નિફટી પણ આજે ફરી એક વખત 18 હજારની સપાટીને હાસલ કરવા મથામણ કરતી જોવા મળી હતી.
પરંતુ ઈન્ટ્રા-ડેમાં 17971 પોઈન્ટની સપાટી હાસલ કરી શકી હતી. જ્યારે ઈન્ટ્રા-ડેમાં નિફટી ઘટીને 17798 પોઈન્ટ સુધી આવી ગઈ હતી. આજની મંદીમાં ટાઈટન, હિન્દાલકો, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે આઈઓસી, ટેક મહિન્દ્રા, એસબીઆઈ જેવી કંપનીના શેરના ભાવમાં 4.5 ટકા સુધીનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. બુલીયન બજારમાં આજે તેજી જોવા મળી હતી.
સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો રહ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર સામે છેલ્લા બે દિવસથી સતત નબળો પડી રહેલો રૂપિયો આજે પણ તૂટ્યો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 653 પોઈન્ટના ઘટાડા સાથે 59699, નિફટી 198 પોઈન્ટના ઘટાડા સાથે 17825 પર કામકાજ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસાની નરમાશ સાથે 74.53 પર ટ્રેડ કરી રહ્યો છે.