સતત છઠ્ઠા દિવસે શેર બજારમાં મંદી: સેન્સેકસમાં 1082 પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ જોરદાર રિકવરી જોવા મળી: સતત ઉતાર ચઢાવથી રોકાણકારો મુંઝવણમાં
અબતક,રાજકોટ
ભારતીય શેર બજારમાં આજે સતત છઠ્ઠા દિવસે મંદીની મોકાણ જોવા મળી હતી ઉઘડતી બજારે સેન્સેકસ 1082 પોઈન્ટ પટકાયા બાદ ગણતરી મીનીટોમાં બજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતુ સતત ઉતાર ચઢાવના કારણે રોકાણકારો મુંઝવણમાં મુકાઈ ગયા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો પણ આજે તુટયો હતો.
વિદેશી મૂડી રોકાણ દ્વારા કરવામાં આવી રહેલી વેચવાલી, અમેરિકા દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવામાં આવશે. રશિયા અને યુક્રેઈન વચ્ચે યુધ્ધના ભણકારા તથા કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કેપીટલ ગ્રેઈનમાં વધારો કરવામાં આવશે તેવી દહેશતના કારણે ભારતીય શેર બજારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી આવતી મંદી આજે છઠ્ઠા દિવસે પણ યથાવત રહેવા પામી હતી આજે મંગળવાર રોકાણકારો માટે અમંગળ સાબિત થયો હતો.
ઉઘડતી બજારે સેન્સેકસ 1082 પોઈન્ટના તોતીંગ કડાકા સાથે 56409 પોઈન્ટ સુધી પહોચી ગયો હતો. ત્યારબાદ ગણતરીની મીનીટોમાં બજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી અને સેન્સેકસ 135 પોઈન્ટના ઉછાળા સાથે 57626 પર પહોચી ગયો તહો.
ઉઘડતી બજારે બજારમાં 1200થી વધુ પોઈન્ટની અફડાતફડી જોવા મળી હતી જોકે ગ્રીન ઝોનમાં બજાર વધુ સમય ટકી શકયુ ન હતુ નજીવી તેજીમાં બજાર પર ફફરી વેચવાલીનું દબાણ વધવાના કારણે માર્કેટ મંદીમાં ગરકાવ થઈ ગયો હતો. નિફટીમાં પણ આજે જોરદાર ગાબડા જોવા મળ્યા હતા. નિફટીએ આજે ફરી 17 હજારની સપાટી તોડી હતી એક તબકકે નિફટી 16836 પોઈન્ટ પર પહોચી ગયા હતા. જોકે થોડી રિકવરી જોવા મળતા નીફટી જ 17201 પોઈન્ટ સુધી પહોચી જવા પામી હતી.
આજના વોર્લટાઈમ માર્કેટ વચ્ચે એકિસસ બેંક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અને હિરો મોટોકો;પન જેવી કંપનીના શેરોના ભાવમાં 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે એશિયન પેઈન્ટ, રિલાયન્સ, વિપ્રો અને ટાઈટન કંપની જેવી કંપનીના શેરોના ભાવમાં 3 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. બેંક નિફટી અને નિફટી મીડ કેપમાં ઉછાળા જોવા મળ્યા હતા.
આ લખાયં રહ્યું છે. ત્યારે સેન્સેકસ 276 પોઈન્ટના ઘટાડા સાથે 57215 પોઈન્ટ પર જયારે 68 પોઈન્ટના ઘટાડા સાથે નિફટી 17080 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 9 પૈસાના ઘટાડા સાથે 74.66 પર ટ્રેડ કરી રહ્યો છે.