ઉઘડતા સપ્તાહે બજારમાં મંદી ફરી વળતા રોકાણકારોમાં ફફડાટ: રૂપિયામાં પણ તોતીંગ કડાકો
ભારતીય શેરબજારમાં મંદી દિન-પ્રતિદિન વધુ વિકરાળ બની રહી છે આજે ઉઘડતા સપ્તાહે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાય હતી. અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ રાંક બની ગયો હતો.
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી મંદીની મોકાણ મંડાય છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું ભિષણ યુઘ્ધ સમાપ્ત થવાનું નામ લેતું નથી. બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત તુટી રહ્યો છે. જેના કારણે મંદિ સતત વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે.
શુક્રવારે શેરબજારમાં મોટા કડાકા બોલી ગયા હતા. દરમિયાન આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા. સેન્સેકસે 54000 અને નિફટીએ 16400 ની સપાટી તોડી હતી. ઇન્ફ્રા ડેમાં સેન્સેકસે પ4 હજારની સપાટી તોડતા 53918.04 અને નિફટીએ 161470 પોઇન્ટની સપાટી સુધી સરકીગઇ હતી.
આજે એલ.એન્ડ ટી., એબીબી ઇન્ડિયા, એલએડિટી ઇન્ફોટેક અને એચસીએલ ટેક જેથી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે ટાટા પાવર, કેનેરા બેન્ક, હિદિ કોપર અને આરબીએસ બેન્ક ના ભાવ ઘટયા હતા. બુલીયન બજારમાં મંદી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 596 પોઇન્ટના ઘટાડા સાથે 54239 અને નિફટી 176 પોઇન્ટના ઘટાડા સાથે 16229 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે ભારતીય રૂપિયો 40 પૈસાની નબળાઇ સાથે 77.32 પર ટ્રેક કરી રહ્યા છે.