તોફાની તેજીની તો હજુ શરૂઆત એપ્રિલથી
બજેટની અસર બાદ શેરબજાર વધુ ટનાટન થશે
માર્ચ મહિના બાદ કૃષિ ક્ષેત્રના ‘મીઠા ફળ’ બજારને તંદુરસ્ત બનાવશે
‘વિકાસ સિવાય છુટકો નથી’ નો મંત્ર શેરબજાર માટે ચાંદી હી ચાંદી કરી દેશે
રોકાણકારો માટે શેરબજારમાં વધુ એક દિવસ શુભ રહ્યો છે. આજે પણ સેન્સેક્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આ તેજી હજુ લાંબા સુધી બરકરાર રહેશે. એપ્રિલ બાદ તેજી વધુ જામશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે.
તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટની અસરો બજારમાં એપ્રિલ મહિનાથી દેખાવા લાગશે. જેનાથી બજાર વધુ તીવ્રતાથી ધમધમશે. ઉપરાંત વિદેશી રોકાણકારો પણ સેન્સેક્સ, નિફટી સહિતના ઇન્ડેક્સમાં વધુ રોકાણ કરશે. એકંદરે નાણાકીય વર્ષ 2021-2022 આર્થિક રીતે વધુ અનુકૂળ રહેશે.
વર્તમાન પરિબળો ઉપરથી જણાઈ આવે છે કે, સેન્સેક્સ નજીકના ભવિષ્યમાં જ 60,000ના આંક સુધી પહોંચશે. વિક્રમી સપાટીઓ તોડશે. ખાસ કરીને માર્ચ મહિના બાદ નવો પાક આવવાનું શરૂ થશે. જેનાથી બજારમાં તરલતા તો આવશે જ, બજાર વધુ ફુલગુલાબી બનશે.
કોરોના મહામારી સમયે વડાપ્રધાન મોદીએ આપેલો આત્મનિર્ભરતાનો મંત્ર પણ શેરબજાર માટે સારું વાતાવરણ પૂરું પાડશે. કેન્દ્રીય બજેટમાં ઉદ્યોગ જગત માટે બજેટમાં અનેક એવી જોગવાઈ છે, જે બજારમાં ઝડપથી સુધારા લાવવાની સાથોસાથ રફતાર પણ આપશે. સેન્સેક્સ તાજેતરમાં જ 50 હજારની વિક્રમી સપાટી સુધી પહોંચ્યો હતો હવે 60 હજારની વિક્રમી સપાટી નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત કરશે.
ખેતી માટે ત્રણ કૃષિ સુધારણા બિલ એ પણ અર્થતંત્ર ના વિકાસના પાયામાં મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વૈશ્વિક ગુરુ બનવા માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાઓની અમલવારી તેમજ નિકાસ અને વેગવંતી બનાવવાના નિર્ણય એકંદરે અર્થતંત્ર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. સરકારે થોડા મહિના પહેલા લીધેલા નિર્ણયોની અસર તો અત્યારથી જ બજારમાં દેખાવા લાગી છે એપ્રિલ મહિના બાદ આ અસરો તીવ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારોમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. સવારે 10.46 કલાકે સેન્સેક્સ 682 અંક વધી 51413 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 193 અંક વધી 15,117 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમ એન્ડ એમ , એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એમએન્ડએમ 9.58 ટકા વધી 948.55 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 2.75 ટકા વધી 739.30 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 0.55 ટકા ઘટી 99.10 પર કારોબાર કરી રહ્યો છે.