અબતક,રાજકોટ
ભારતીય શેરબજારમાં આજે બાઉન્સ બેકનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહના બે ટ્રેડીંગ સેશન દરમિયાન બજારમાં જોવા મળેલી મંદી બાદ આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો હતો. બુલીયન બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.
નિફટીમાં પણ 174 પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત બન્યો
છેલ્લા બે ટ્રેડીંગ સેશન દરમિયાન જોવા મળેલી મંદી બાદ આજે ભારતીય શેરબજારમાં બાઉન્સ બેક થવા પામ્યું હતું. ઉઘડથી બજારે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ઉછાળા નોંધાયા હતા. બેંક નિફટી પણ 500થી વધુ પોઈન્ટ ઉછળી હતી. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં તોતીંગ તેજી જોવા મળી હતી. આજે ઈન્ટ્રા ડેમાં સેન્સેકસે 52804 અને નિફટીએ 15805 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. આજની તેજીમાં બજાજ ફાયનાન્સ, જે.એસ.ડબલ્યુ સ્ટીલ, હિન્દાલકો અને ટાટા સ્ટીલ જેવી કંપનીના ભાવમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે એશીયન પેઈન્ટસ, હિરો મોટર્સ, આઈસર મોટર્સ અને અદાણી પોર્ટ જેવી કંપનીના ભાવમાં ઘટાડો નોધાયો હતો. બુલીયન બજારમાં સોનુ અને ચાંદીના ભાવ તૂટ્યા હતા.
અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 607 પોઈન્ટના ઉછાળા સાથે 52805 અને નિફટી 171 પોઈન્ટના ઉછાળા સાથે 15803 પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 16 પૈસાની મજબૂતાઈ સાથે 74.46 પર કામકાજ કરી રહ્યો છે. બાઉન્સ બેક રેલી હોવાના કારણે દિવસભર તેજી રહે તેવી શકયતા જાણકારોના મતે ખુબજ ઓછી છે.