નિફટીમાં પણ 197 પોઈન્ટનું ગાબડુ, બેંક નિફટી પણ રેડ ઝોનમાં: બુલીયન બજારમાં ઉછાળો, ડોલર સામે રૂપિયો 48 પૈસા મજબૂત
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી તેજી પર આજે બ્રેક લાગી જવા પામી છે. સેન્સેક્સ અને નિફટીમાં આજે જોરદાર કડાકા બોલી ગયા હતા. જો કે, બુલીયન બજારમાં તેજી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે 48 પૈસા જેટલો મજબૂત બન્યો હતો.
છેલ્લા ઘણા દિવસથી ભારતીય શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. ચાલુ સપ્તાહે સેન્સેક્સે 62000ની સપાટી ઓળંગી એક નવો જ કિર્તીમાન રચી દીધો હતો. સેન્સેકસ અને નિફટીએ નવા લાઈફ ટાઈમ હાઈ બનાવ્યા બાદ આજે ત્રીજા દિવસે તેજી પર બ્રેક લાગી હતી અને બજારમાં મંદીના વાદળો છવાઈ ગયા હતા. સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા બાદ દિવસ દરમિયાન મંદીનો માહોલ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસ 61124 સુધી નીચે સરકી ગયો હતો. જ્યારે નિફટી પણ 18212 પોઈન્ટ સુધી નીચે ગઈ હતી. જ્યારે આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે 61880 પોઈન્ટની સપાટી હાસલ કરી હતી. 650થી પણ વધુ પોઈન્ટના અફરા-તફરી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે સારી એવી મજબૂતાઈ જોવા મળી હતી.
આજની મંદીમાં પણ ભારતી એરટેલ, એસબીઆઈ, એક્સિસ બેંક અને નેસ્લે જેવી કંપનીના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે હિન્દાલકો, બીપીસીએલ, ટાઈટન અને આરઆઈસીટીસી, ટાટા પાવર, આઈએએક્સ જેવા કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આરઆઈસીટીસીના ભાવ 19 ટકા જેટલા તૂટ્યા હતા. શેરબજારમાં મંદીનો માહોલ હતો જ્યારે બુલીયન બજારમાં સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 48 પૈસા મજબૂત બન્યો હતો.આ લખાય છે ત્યારે સેન્સેકસ 570ના ઘટાડા સાથે 61146 અને નિફટી 197 પોઈન્ટના ઘટાડાના સાથે 18121 પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. જ્યારે રૂપિયો 48 પૈસાની મજબૂતી સાથે 74.86 પર ટ્રેડ કરી રહ્યો છે.