અબતક-રાજકોટ
વિશ્ર્વમાં નવેસરથી કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવી દીધો છે. જેના કારણે શેરબજારમાં મંદીનો માહોલ સર્જાઇ ગયો છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ભાંગીને ભૂક્કો થઇ ગયુ હતું. સેન્સેક્સે 57000ની સપાટી જ્યારે નિફ્ટીએ 17000ની સપાટી તોડતા રોકાણકારોમાં જબ્બરો ફફડાટ વ્યાપી જવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ધોવાણ સતત ચાલુ જ છે.
સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં 950 પોઇન્ટથી વધુની અફરાતફરી: સેન્સેક્સમાં 767 અને નિફ્ટીમાં 230 પોઇન્ટનો તોતીંગ કડાકો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ધોવાણ
આજે સપ્તાહના પ્રથમ દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાનો ઇન્ડેક્સો રેડઝોનમાં ખૂલ્યા હતાં. રોકાણકારોએ નીચા લેવલે ખરીદીનો દૌર શરૂ કરતા એક તબક્કે સેન્સેક્સ 57,781એ પહોંચી ગયુ હતું. જો કે ત્યારબાદ 56,759ની નીચલી સપાટીએ આવી જતા દિવસ દરમિયાન 1000થી પણ વધુ પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી.
નિફ્ટીએ આજે ઇન્ટ્રા-ડેમાં 17000ની સપાટી તોડી હતી. આજે નિફ્ટીમાં પણ 300થી વધુ પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે વધુ તૂટ્યો હતો. આ લખાઇ રહ્યુ છે ત્યારે સેન્સેક્સ 894 પોઇન્ટના કડાકા સાથે 56802 અને નિફ્ટી 270 પોઇન્ટના કડાકા સાથે 16926 પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા 21 પૈસાના તોતીંગ કડાકા સાથે 75.38 પર કામકાજ કરી રહ્યો છે.