એક તબક્કે ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસ 55013ની સપાટી સુધી સરકી ગયો હતો: સેન્સેકસમાં 414 અને નિફટીમાં 156 પોઈન્ટનો કડાકો
બે દિવસ પૂર્વે સેન્સેકસે 56000ની ઐતિહાસિક સપાટી હાસલ કર્યા બાદ આજે સેન્સેકસ 55000ની સપાટી ગુમાવતા સહેજ બચી ગયો હતો. ગઈકાલે માર્કેટમાં મહોરમની રજા રહ્યા બાદ આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસ 55013ની સપાટીએ પહોંચી જવા પામ્યો હતો. જો કે, ત્યારબાદ થોડી રિકવરી થતાં સેન્સેકસે આજે 55000ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી વણથંભી તેજી પર આજે બ્રેક લાગી જવા પામી હતી. ગત બુધવારે સેન્સેકસ 56000ની ઐતિહાસિક સપાટી ઓળંગતા એક નવો જ ઈતિહાસ રચાયો હતો. જો કે, આ સપાટી સેન્સેકસ વધુવાર જાળવી શક્યો ન હતો. ગઈકાલની રજા બાદ આજે બજાર ખુલતાની સાથે જ બન્ને આગેવાન ઈન્ડેક્ષો રેડઝોનમાં ગરકાવ થઈ ગયા હતા. એક તબક્કે સેન્સેકસ 55013ની સપાટીએ પહોંચી જતાં એવું લાગવા માંડ્યું હતું કે, આજે સેન્સેકસ 55000ની સપાટીને તોડી અંદર ગરકાવ થઈ જશે. જો કે, ત્યારબાદ થોડી રીકવરી દેખાતા બજાર બેઠુ થયું હતું. નિફટીએ પણ આજે 16376 પોઈન્ટની નીચલી સપાટી હાસલ કરી હતી. છેલ્લા બે દિવસથી અમેરિકી ડોલર સામે સતત મજબૂત થઈ રહેલો રૂપિયો આજે જાણે રાંક બની ગયો હોય તેમ 22 પૈસા તૂટ્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 414 પોઈન્ટના કડાકા સાથે 55215 અને નિફટી 156 પોઈન્ટના કડાકા સાથે 16412 પર ટ્રેડ કરી રહ્યાં છે.
સોનુ અને ચાંદીમાં બેતરફી માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો છે જ્યારે ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 22 પૈસાના ઘટાડા સાથે 74.46 પર ટ્રેડ કરતો નજરે પડે છે.