આગામી 12 સપ્ટેમ્બરે થશે નવા હોદેદારોની જાહેરાત
નિરીક્ષક જેન્તી કવાડીયા, આદ્યશક્તિ મજમુદાર અને બ્રિજરાજસિંહ ઝાલા રહ્યા હાજર
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થવાના આરે છે ત્યારે આગામી 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં નવી બોડીની વરણી કરવા રાજકીય ગતિવિધિ તેજ થઇ ગઈ છે. નવી બોડીની નિમણુંક માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે જેન્તી કવાડિયા, અધ્યાશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ ઝાલા આવી પહોંચ્યા હતા. નિરીક્ષકો પાસે તમામ વોર્ડના કોર્પોરેટરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
રાજયની છ મહાનગર પાલીકાના મેયર સહિતના પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની મૂદત પૂર્ણ થવાના આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતાધારી પક્ષ ભાજપ દ્વારા પ્રથમવાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ પસંદ કરવા માટે સેન્સ લેવામાં આવી રહી છે. ગુરુવારથી સેન્સ પ્રક્રિયાનો આરંભ થઈ ચૂકયો છે. દરમિયાન શુક્રવારે રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલીકાના પદાધિકારીઓ પસંદ કરવા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. સાંજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણેય મહાનગરોમાં સંકલનની બેઠક મળશે જેમાં અલગ અલગ હોદેદારો માટે ત્રણ-ત્રણ કે ચાર ચાર નામોની પેનલ બનાવવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. સવારથી ભાજપ કાર્યાલય ખાતે ભારે જમાવડો જામ્યો છે. વિધાનસભા વાઈઝ દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલીકાનાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકના નામો નકકી કરવા માટે દાવેદારોને સાંભળવા માટેપ્રદેશ ભાજપ દ્વારા નિરિક્ષક તરીકે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ મેયર આધ્યાશકિતબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ ઝાલાને નિરિક્ષકો તરીકે મોકલવામાં આવ્યા છે.
વોર્ડ વાઈઝ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયાબાદ પ્રદેશના હોદેદારોનો મત લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેર ભાજપના સંગઠનના હોદેદારો, તમામ ધારાસભ્યો, બંને સાંસદ પક્ષના ચારથી પાંચ સીનીયર આગેવાનોનો મત લેવામાં આવ્યો હતો. શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો સમક્ષ અલગઅલગ હોદાઓ માટે દાવેદારી કરનારનું એકલીસ્ટ બનાવવામાં આવશે જોપ્રદેશનો આદેશ આવશે તો તમામ હોદાઓ માટે પેનલ પણ બનાવવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર અને ભાવનગર મહાપાલિકા માટે પણ આજ રીતે નિરિક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી.
રાજકોટ, ભાવનગર અને જામનગરમાં આગામી 12મી સપ્ટેમ્બરના રોજ મેયર અને ડેપ્યૂટી મેયરની ચૂંટણી યોજાશે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં 11મી સપ્ટેમ્બરના રોજ પદાધિકારીઓની વરણી માટે બોર્ડ બેઠક મળશે.
રાજકોટના મેયર ડો.પ્રદિપભાઇ ડવે “અબતક” સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટના નવા મેયર અને નવા ડેપ્યુટી મેયરની નિયુક્તી કરવા માટે આગામી 12મી સપ્ટેમ્બરના રોજ ખાસ બોર્ડ-બેઠક બોલાવવામાં આવશે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટિના 12 સભ્યોની નિયુક્તી કરવામાં આવશે. જામનગરના મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે નવા પદાધિકારીઓની નિયુક્તી માટે સંભવત: આગામી 12મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ-બેઠક બોલાવવામાં આવશે. ટૂંક સમયમાં એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવશે. જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓની મુદ્ત આગામી 9મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. જો આ અવધી પૂર્ણ થયા પહેલા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નહીં મળે તો અવધી પૂર્ણ થયાના ત્રણ દિવસ પછી અર્થાત્ 12મીએ બોર્ડ બેઠક બોલાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને બરોડામાં 11મી સપ્ટેમ્બરના રોજ નવા પદાધિકારીઓની નિયુક્તી માટે બોર્ડ બોલાવવામાં આવશે.