પારિવારીક પ્રશ્નના કારણે પોતે જ લાપતા બન્યો કે લેણદારોથી બચવા ખોટી સ્ટોરી ઉભી કર્યાની ચર્ચા સાથે ચકચાર
એટલી હદે કોઇને ન નડવું કે તે તમને મોટુ નુકસાન કરવા મજબુર બને આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. વણિક યુવાન દસ દિવસ પહેલાં ભેદી રીતે લાપતા બને છે. પરિવાર પોલીસમાં જાણ કરતો નથી અને અડધી રાતે પત્નીને કોલ કરી પોતે ગાયોને કતલખાને લઇ જતાં બચાવવા જતા અપહરણ થયાની અને દસ દિવસથી ગોંધી રાખ્યાની તેમજ માર માર્યાની વિગત જાહેર કર્યાની સ્ટોરીમાં કેટલુ તથ્ય તે અંગે ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ જાણકારો કહી રહ્યા છે.
ગત તા.12 જુલાઇએ પરિવારથી ભેદી રીતે દુર થયેલા યુવાન એકાદ બે વખત પરિવારનો સંપર્ક કર્યો ત્યારે પોતાના અપહરણ અને ગોંધી રાખ્યા અંગેની સ્ટોરી ન કરી પરંતુ ગતરાતે અઢી વાગે એકાએક પત્નીને કોલ કરી પોતે ગાયોને કતલખાને લઇ જતા બચાવી એટલે કેટલાક અજાણ્યા શખ્સોએ પોતાનું અપહરણ કરી અરવલ્લી જિલ્લાના છોટા ઉદેપુર પાસે નદી નજીક ગોંધી રાખ્યાની અને લોહી લુહાણ થઇ જાય ત્યાં સુધી માર માર્યાનું તેમજ પોતે સવાર સુધી જીવી શકે તેમ ન હોવાની દર્દ ભરી સ્ટોરી કરી હતી.
સાઉથની ફિલ્મ સસ્પેન્સ થ્રીલર જેવી સ્ટોરીની ઉંડી તપાસ થાય તો કેટલીક સ્ફોટક વિગતો બહાર આવે તેવી આશંકા
પતિ મુશ્કેલીમાં હોવાની અડધી રાતે સ્ટોરી સાંભળી હેબતાઇ જવાની પતિને કંઇ રીતે બચાવવો અને અડધી રાતે કોની મદદ લેવી સહિતના અનેક પ્રશ્ર્ન સાથે મુંજાયેલી પત્ની સવારે પોલીસની મદદ લેવા પહોચે તે પહેલાં પોતાના પતિનો ફોન આવી અપહરણકારના સકંજામાંથી પોતે ભાગી ગયાની અને ગાયોને બચાવવા ગયો એટલે જ અપહરણ થયાની સ્ટોરી જણાવી હતી પત્નીએ પોતાના પતિની ઉરોકત સ્ટોરી સાચી માની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ દસ દિવસ સુધી પરિવારના કોઇ સભ્યએ કેમ ગુમ થયાની પોલીસને જાણ કેમ ન કરી તે સવાલ પણ ભેદ ભરમથી ભરેલો છે.
દસ દિવસ સુધી માનસિક યાતના વેઢનાર કહેવાતા અપહૃત પણ અપહરણકારોના સકંજામાંથી છુટીને પોલીસ ફરિયાદ કરવાની ના કહેવા પાછળ ખરેખર યુવકને પોતાના જીવનું જોખમ જણાય છે કે પછી પોતાના પરિવારથી કંઇ છુપાવવા માગે છે. જે હોય તે પરંતુ સમગ્ર ઘટના સસ્પેન્સ થ્રીલર જેવી ઘટનામાં પોલીસે ઉંડા ઉતરી સત્ય ઉજાગર કરવું જરૂરી છે.
યુવકની એક પણ વાત ગળે ઉતરે તેવી નથી તેમ છતાં તેની સ્ટોરી સાચી માની લઇએ તો પણ પોલીસની કે અન્ય ગૌરક્ષની મદદ લેવા એકલો સા માટે ગયો તે અંગેની વિગતો પોલીસ દ્વારા છાનભીન થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ હોવાના કારણે જ યુવક પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળી રહ્યો છે.
અપહરણ કરી 10 દિવસ સુધી ગોંધી રાખી માર મારવાની ઘટનાની યુવકે પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી?
સામાન્ય મારામારી અંગે ત્રણેક વર્ષ પહેલાં યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવનાર કેવા સંજોગોમાં અપહરણ કરી દસ દિવસ સુધી ગોંધી રાખી માર મારવાની ઘટનાની શા માટે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે? તેવા સવાલ સાથે સનસનાટી સર્જતી સ્ટોરી પરિવારને જણાવી કોઇની સહાનુભૂતિ મેળવવા યુવક ઇચ્છી રહ્યો છે? લેણદારોથી બચાવા પોતાની જાતે જ લાપતા બન્યો છે? પારિવારીક પ્રશ્ર્નના કારણે પરિવારથી દસ દિવસ સુધી દુર રહ્યો? કે પછી અન્ય કોઇ કારણોસર પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યુ આ અંગે પોલીસ દ્વારા મોબાઇલ કોલ ડીટેઇલ અને લોકેશન મેળવવામાં આવે તો પણ કેટલીક સ્ફોટક વિગતો બહાર આવે તેમ છેત
ખરેખર ગૌરક્ષનું અપહરણ કરી દસ દિવસ સુધી ગોંધી રાખી માર મારવાની ઘટના બની હોય તો ગૌ પ્રેમીઓએ આગળ આવી પોલીસની મદદ લેવી જોઇએ તેમજ પોલીસે પણ આ બાબતને ગંભીર ગણી ઉંડી છાનભીન કરવી જરૂરી બન્યું છે.