જે વ્યકિતને પોતાની માતૃભાષા ન આવડે તેને જગતની કોઇ ભાષા ન આવડે: પ્રો. જીજ્ઞેશ ઉપાઘ્યાય
સાચું સાંભળવું અને સાચુ વાંચવુએ ભાષાનો મુખ્ય આધાર છે: આપણને આપણી ભાષાનું ગૌરવ અને અસ્મિતા અંદરથી જાગશે તો આપણે ‘ગુજરાતી’ને બચાવી શકીશું: પ્રો. રૂચિર પંડયા
ભાષાની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જોડાયેલા છે, બાળકને પાયાથી જ ભાષાવિવેક શીખવવો જોઇએ: ડો. મનોજ જોશી
આપણી માતૃભાષા ‘ગુજરાતી’ આજે પ્રત્યેક ક્ષેત્રે પછી તે બોલવામાં, લખવામાં, વાંચવામાં કે પછી સાંભળવામાં અને ખાસ શિક્ષણમાં દરેકમાં પાયાવિહોણું અથવા તો રસ વિહોણુ બનતું જાય છે. ભાષા અને બોલી વચ્ચેનો ચોકકસ મર્મ ભૂલાતો જાય છે. તો આના માટે જવાબદાર કોણ ? ખુદ આપણે કે પછી અન્ય કારણો કારણભૂત છે? આ દરેક બાબતો પર ગહનતાપૂર્વક આજે આપણી સાથે ‘ચાય પે ચર્ચા’ અંતર્ગત મોજુદ છે. ગુજરાતી ભાષાવિદો ડો. મનોજ જોશી, સૌરાષ્ટ્ર યુનિ. ભાષા સાહિત્ય ભવનના અઘ્યક્ષ, પ્રો. જીજ્ઞેશ ઉપાઘ્યાય (ધર્મેન્દ્ર કોલેજના પ્રાઘ્યાપક) તથા પ્રો. રૂચિર પંડયા કવિભાનુ પ્રસાદ પંડયાના પુત્રઉપસ્થિત છે. તો આજે આપણે ગુજરાતી ‘આપણી માતૃભાષા’ના દરેક પહેલુ પર તેઓની સાથે વિસ્તૃત ચર્ચા કરીશું.
પ્રશ્ન:- ગુજરાતી બોલવા અને લખવા બાબતે કેટલા સજાગ છીએ?
જવાબ:- બોલી અને ભાષાનું મિશ્રણ થાય છે. લોકો બિલકુલ સજાગ નથી લખવા-બોલવામાં જેટલું ગાંભીર્ય હોવું જોઇએ તે નથી અન્ય રાજયોમાં પોતાની ભાષાનું ગૌરવ ધરાવવામાં આવે છે. ગામડાને બાદ કરતા શહેરનો ગુજરાતી ચોખ્ખુ ગુજરાતી બોલી શકતો નથી.
પ્રશ્ન:- માતૃભાષાની આ પરિસ્થિતિ સર્જાવાના કારણો શું છે?
જવાબ:- ભાષાનો ઇતિહાસ જોઇએ તો આપણે વિવિધ તબકકામાંથી પસાર થયા છીએ ભાષાવિદ જીજ્ઞેશ ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે, આપણી ભાષાનું સંપૂર્ણ ઘડતર ઇ.સ. 1887 પછી નર્મદ યુગ પછી થાય છે. તેના બે કારણો છે. એકતો એ સમયે અંગ્રેજી ભાષાનું આગમન થયું હતું તથા 1901 થી 1950 ગાંધી યુગમાં અંગ્રેજીને મહત્વ મળ્યું હતું. આપણી પાસે ભાષાના છીછરા માઘ્યમો છે. ભાષાના મુખ્ય બે આધાર છે સાચું સાંભળવું અને સાચું વાંચવું એ ભાષાના મુખ્ય બે આધાર છે. આપણું સામાજીક ઉતરદાયીત્વ એ છે કે આપણે ‘ગુજરાતી’ જયાં પણ બોલીએ સાચું બોલીએ તો આ પરિસ્થિતિ સર્જાવાના કારણો કદાચ આપણે હળવા કરી શકીશું.
પ્રશ્ન:- લોકોને યથાર્થ ગુજરાતી બોલવામાં અને લખવામાં તકલીફ છે આને માટે જવાબદાર કોણ?
જવાબ:- આપણી ગુજરાતી પ્રજા પાસે ઓછા પુરૂષાર્થ પૈસા વધારે આવી ગયો જેથી ‘કોન્વેન્ટીયુ કલ્ચર’ વઘ્યું છે. અંગ્રેજી શિક્ષણ આપવવાની આજે દરેક માતા-પિતામાં ઘેલછા છે. ગમે તે ભોગે બાળકને અંગ્રેજીમાં જ ભણાવવાની હોડ લાગી છે. પણ શા માટે? માતા-પિતા ગુજરાતી માઘ્યમમાં ભણ્યા હોય તો બાળકને અંગ્રેજીમાં જ ભણાવવું એ એક ચલણ બની ગયું છે. આ એક ‘માતૃભાષાની પીડા’ છે. આપણને આપણી માતૃભાષા પ્રત્યેનું ગૌરવ જો અંદરથી જાગશે તો આપણે ‘ગુજરાતી’ બચાવી શકીશું, ભાષાની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જોડાયેલા છે. માતાના ઘાવણ પછી બીજું સ્થાન માતૃભાષાનું છે.
પ્રશ્ન:- ભાષામાં અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પણ માતૃભાષા માટે સભાન હોય છે ખરાં?
જવાબ:- ખેદ સાથે કહેવું પડે છે કે પાયો જ કાચો થઇને આવ્યો છે. વિદ્યાર્થી સુધી યોગ્ય સુધી શિક્ષણ પહોચતું જ નથી તેનું કારણ છે કે આજે અનુસ્નાતક વિઘાર્થી પણ ભાષામાં નબળા છે. તેથી ’પાકા ઘડે કાઠા ન ચડે’ તેવી અત્યારની સ્થિતિ છે.
પ્રશ્ન:- શિક્ષણમાં આજે અંગ્રેજી શિક્ષણ પ્રત્યેની સજાગતા જોવા મળે છે પણ ગુજરાતી ભાષામાં ભૂલો પડે તો ન ગણ્ય છે, આવી સ્થિતિ શા માટે?
જવાબ:- ગુજરાતી ભાષાના શિક્ષકોએ સભાનતા દાખવવી જોઇએ વ્યાકરણ વ્યવસ્થિત શીખવવુ જ જોઇએ જોડણી, વ્યાકરણ સાચું જ બોલવું અને લખવું એવો અભિગમ શિક્ષકોએ રાખવો જોઇએ, વ્યત્યતિ શીખવવું જોઇએ પ્રાથમિક શિક્ષક મિત્રોનું જ આ કાર્ય છે. વાલીઓએ પણ સભાન થવું જોઇએ બાળકને ભાષાવિવેક શીખવવો ખુબ જ જરુરી છે.
પ્રશ્ન:- વિઘાર્થીઓની જોડણીની ભૂલો આપની સામે આવે તો કેવી સ્થિતિ થાય છે?
જવાબ:- ગુજરાતમાં 78 ટકાને એક જ ભાષા આવડે છે. એ છે ‘માતૃભાષા’ પણ આપણે શહેરી અને ઉચ્ચ મઘ્યમવર્ગીય લોકોની ચિતા ભાષા માટે કરીએ છીએ. આપણે શહેરીજનોએ અને ઉચ્ચ મઘ્યમ વર્ગીય લોકોએ જ ગુજરાતીને બગાડી છે. ગુજરાતી ભાષાને બચાવવા આપણે દરેક લોકોએ એક નિયમ બનાવવો પડશે કે શિક્ષણમાં અંગ્રેજી ગમે તેટલું અનિવાર્ય હોય તેને નિભાવવું પણ ઘેર તો ગુજરાતી જ.. જોડણીમાં પણ વ્યાકારણ સમાયેલું છે. સહજતા, સભાનતા અને સમજણ અને સંસ્કારની વાચા એટલે ગુજરાતી જોડણી
પ્રશ્ન:- સૌરાષ્ટ્રના ગાભડાઓની બોલીને ગુજરાતી ભાષા સાથે ભેળવીએ તો સારું પરિણામ આવે કે કેમ?
જવાબ:- હરિદ્વાર ગોસાઇનો એક પ્રચલિત શેર છે, ‘એના કરતા કે ઇશ્ર્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું ?’ તેઓએ રૂની લાકડી મારી છે. નવી યુગ ચેતનાના સંદર્ભમાં આપણી વાર્તામાં પણ લોક બોલીએ આવવા લાગી છે. ભાષા અને બોલીનું સત્ય છે એ તો માતૃભાષામાં જ વાતો કરશે, પણ ભણતા ભણતા પણ જે ભૂલો થાય છે, એને સુધારવાની ખાસ જરુર છે. તેના માટે પ્રત્યેક શિક્ષણથી શરુઆત કરવી પડશે, પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી, ભાષાકીય પાયો નબળો ન રહે તેની ખાસ તકેદારી રાખવી પડશે. ભાષા માટે જાગૃતતા રાખવી પડશે. ભાષા પ્રત્યે સભાનતાની જવાબદારી આપણે દરેકે લેવી પડશે.
દા.ત. કૃતિ લખવામા રચના અર્થ થાય છે. અને કૃતિમાં દીર્ધનો અર્થ ભાગ્યશાળી થાય છે. ભાષાની આ ગહનતાને સમજવી પડશે. જાળવવી પડશે, શીખવી પડશે અને બાળકોને પણ શીખવાડવી પડશે. ડો. પ્રભુદાસ પટેલે પોતાની વાર્તાઓમાં ગુજરાતી ભાષાની સાથે લોકબોલીનો પ્રયોગ કર્યો છે જે સરાહનીય છે. સૌરાષ્ટ્રની બોલીનું ખમીર જ અલગ છે. કથાકાર, લોકસાહિત્યકારથી માંડીને હાસ્ય કલાકારો દરેક સૌરાષ્ટ્રના જ છે.
પ્રશ્ન:- આપણે ગુજરાતીઓ જ શું ગુજરાતનું ખુન કરીએ છીએ કે, અન્ય રાજયો પણ જવાબદાર છે?
જવાબ:- ગુજરાતીઓએ હંમેશા બીજાને અપનાવ્યા છે. ખાનપાનથી માંડીને બધુ જ, અન્ય રાજયોએ પોતાનું સંગીત, સાહિત્ય, પરિધાન જાળવી રાખ્યા છે. તેથી ભાષા પણ જળવાઇ રહી છે.
પ્રશ્ન:- ભાષા અને જોડણીનો ઠેકો ભાષાના શિક્ષકોએ જ જાણે લીધો હોય તેમ છે પણ વકીલ વગેરે ખોટું લખે તો તેમને છૂટ શા માટે?
જવાબ:- આનું કારણ એ છે કે ભાષા કે આર્ટસ સિવાયના વિઘાર્થીઓને 1ર ધોરણ સુધી ઓકિસજન ઉપર ગુજરાતી શીખવા મળતું હતું. તેથી એક ખાસ આયોજન કરવાની જરુર છે. કે સાહિત્યને ભણાવવાથી અલિપ્ત ન રાખવું, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતીમાં આ સુધાર આવે તો ઘણો ફેર પડે તેમ છે. દરેક ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ હોવું જોઇએ, સાહિત્ય વગર કે ભાષા વગર માણસ ગુજરાતી માણસ એક મીનીટ જીવી શકતો નથી.
પ્રશ્ન:- ડિજીટલમાં અત્યંત શોર્ટ શબ્દોનો ઉપયોગ ભાષાની સાંપ્રત સ્થિતિનું કારણ શું? આ યોગ્ય છે કે નહીં?
જવાબ:- ભાષામાં ‘સ્પીડ’ ઝડપ જયાં જરુરીછે ત્યાં થવી જોઇએ એમાં વાંધો નથી પણ નિરાંતના સમયમાં પણ ભાષામાં ઝડપ અને ભૂલ એ યોગ્ય નથી. અત્યારે હસ્ત લિખીત ભાષાના સ્થાને ટાઇપ થતી ભાષાનું મહત્વ છે. ગુજરાતીના ચિંતકોએ પણ ગુજરાતી સોફટવેર વિકસાવીને ભાષાનું શુઘ્ધિકરણ કરવા તરફ ઘ્યાન દોરવું જોઇએ ગુજરાતી કીપેડ બનાવવું જોઇએ, ઓટો સ્પેલ અથવા ડિજીટલ ફ્રેન્ડલી ગુજરાતી ભાષા વિકસે તેના પર ઘ્યાન અપાય તો આનો ઉકેલ મળી શકે તેમ છે.
પ્રશ્ન:- ગુજરાતી ભાષા અનુસંધાને આપનો મહત્વનો સંદેશ જણાવશો?
જવાબ:- માતૃભાષા માટે મારી એટલી જ વિનંતી છે કે બાળક શિક્ષણ ભલે અંગ્રેજીમાં લે પણ ઘરમાં પ્રવેશતાની સાથે માત્રને માત્ર માતૃભાષાનો પ્રયોગ થવો જોઇએ એવો ઘરમાં એક નિયમ બનાવો ઘરમાં માત્ર વાર્તાની આપ-લે કરો. માતૃભાષા માટે હ્રૅદયપૂર્વક એ જ વિનંતી કે બાળકને રોજ એક નિશ્ર્ચિત સમયે ચોકકસ સમય ફાળવીને બાળવાર્તાઓ કરો, બાળગીતો ગાવ, પરિવારની સરહદ પૂરી થાય ત્યાં શિક્ષકોની સરહદ શરૂ થાય છે. જેમ શિક્ષકોની પસંદગીમાં અંગ્રેજીની અભિયોગ્યતા માટે ત્રણ કસોટી લેવાય છે.
સ્પીકીંગ, રીડીંગ અને લીસનીંગ તેમજ ગુજરાતીના શિક્ષકોની પસંદગીમાં પણ માત્ર ગુણને ઘ્યાનમાં ન લઇને તે કેવું બોલી શકે છે, કેટલું વાંચન છે, શબ્દ ભંડોળ કેટલો છે. એ મુદ્ો નવી શિક્ષણ નીતીમાં આવરી લેવો જોઇએ એ જ પ્રમાણે ડિજીટલમાં પણ આધુનિક મોડમાં પણ આપણે ગુજરાતી ભાષાને લઇ જવાની છે. અને એ માટે આપણે જ કટિબઘ્ધ રહેવું પડશે, પહેલ કરવી પડશે અને સહકાર આપવો પડશે.