ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન ડે મેચની સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ૨૪ ઓક્ટોબરે રમાનારા આ મુકાબલા માટે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિશાખાપટ્ટનમ પહોચી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે સિરીઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઇ હતી જેમાં ભારતે આઠ વિકેટે વિન્ડીઝને હરાવ્યું હતું. ગુવાહાટીમાં પ્રથમ વન ડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૧૪૦ અને રોહિત શર્માએ ૧૫૨* રનની ઇનિંગ રમી હતી.
બીજી વન ડે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૪ ઓક્ટોબરે રમાનારી મેચમાં પિચને બેટ્સમેનોના અનુકૂળ બતાવવામાં આવી છે જ્યા ફેન્સને ફરી મોટા સ્કોરવાળી મેચ જોવા મળી શકે છે.
આ સ્ટેડિયમનું નિર્માણ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યું હતું. ૩૮૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ સાત વન ડે મુકાબલા રમાઇ ચુક્યા છે. આ સાત મુકાબલામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ૨ વખત જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે પાંચ વખત જીત મેળવી છે. સ્ટેડિયમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૩૫૬ રન છે જે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ બનાવ્યો હતો. જ્યારે સૌથી ઓછો સ્કોર ૭૯ રનનો છે, જે ન્યૂઝીલેન્ડની ટીમે ભારત વિરૂદ્ધ બનાવ્યો હતો.