ક્રાઈમ બ્રાંચ કદાચ વહીવટમાં પોલીસવડા જેટલી સત્તા ધરાતી હશે પરંતુ કટોકટી અને નિર્ણાયક તબ્બકે તો અનુભવ જ્ઞાન અને આવડત ચડીયાતી હોય છે

ખંડણી-૨

ઢળી ચૂકેલી શોકમય સાંજ અને બાળકના અપહરણ કર્તાઓનીજ ટેલીફોનની ઘંટડી વાગી છે. તેવી શંકાએ ભોગ બનનાર કુટુંબના હાજર તમામ લોકો ના તો હોશકોશ ઉડી ગયા અને સફાળા ઉભા થઈ ગયા પરંતુ ફોજદાર ધોળાવદરા પણ ઉભા થઈ ગયા. ઘરની વ્યકિતઓ તો સમજયા કે ભયમાં હોય કે હવે શું થશે પણ પોલીસે તો દ્દઢતા રાખવી જ પડે. આથી લાઠી ફોજદાર જયદેવે જે વ્યકિત ફોન ઉપાડવા જતી હતી તેને આશ્વાસન આપ્યું કે ગભરાવ નહિ તમે સામાવાળા સાથે શાંતિથી લાંબી લાંબી વાતો કરો અને પૂછો કે રૂપીયા કઈ જગ્યાએ મૂકવાના છે વિગેરે.

જયદેવે કાંડા ઘડીયાળમાં સમય જોયો તો ૭.૪૦ કલાક થયા હતા જયદેવે નજીક જઈ ઘરનો ટેલીફોન નંબર પણ નોંધ્યો ૮૭૧૧ ઘર ધણીએ ટેલીફોન ઉપાડી વાત ચાલુ કરી પણ સામે વાળાએ ટુંકી વાત કરી ફોન જ મૂકી દીધો. આથી જયદેવે પૂછયું કે શું વાતચીત થઈ ઘર ઘણીએ કહ્યું કે સામાવાળાએ ધમકી આપી છે કે જો પોલીસને જાણ કરશોતો હમણા જ ઘર પાસે બાળકની લાશ પડેલી મળશે, માટે પોલીસને જાણ કરવાની ભૂલ કરતા નહિ તમે રાહ જુઓ અને તમારા ઘરની પાછળની ખડકી પાસે એક ચીઠ્ઠી પડેલ છે.તેમાં સૂચના લખેલ છે તે વાંચીને અમલ કરો, આથી જયદેવે અનુમાન કર્યું કે બે વાત નકી થાય છે એક તે એકે પોલસી ધ્રુફણીયામાં ઘેર આવી ગઈ છે. તે આરોપીઓને ખબર પડેલ નથી અને તે વાત સફળતા માટે સારી હતી અને બીજુ એકે આરોપીઓ અનેતેના સાગરીતો પણ અહીં ગામમાંજ છે. અને તે પણ ઘરની આજુબાજુમાં જ છે!

ઘરધણીને ઢાળીયા તરફની ઘરની પાછળની ખડકી ખોલીને ચીઠ્ઠી પડેલી હોય તો લઈ આવવાનું કહેતા એક તો તેઓ ગભરાયેલા તો હતા જ તેમાં પણ હવે ‘અંધારૂ’ થઈ ગયેલ હોઈ તેમણે ના મરજી બતાવી. આથી જયદેવને થયું કે ‘જા બીલ્લી કુત્તે કો માર’ વાળી કરવાને બદલે હવે અંધારૂ થઈ ગયેલ છે. પોતાને કોણ ઓળખવાનું છે તેમ નકકી કરી પોતે કરેલ ઈન્સર્ટ કાઢી નાખી માથાનાં વાળ થોડા અસ્તવ્યસ્ત કરી ને ઉપડયો ખડકી તરફ ખડકી ખોલીને પહેલા પાછળની શેરીમાં નજર કરી ને જોઈ લીધું કે કોઈ છે કે કેમ? પણ શેરીમાં કોઈ નહતુ જેથી થોડે સુધી ધીમે પગલે લટાર મારી ને જોયું પણ કાંઈ જ સંચળ જણાયો નહિ આથી ખડકી પાસે આવી જમીન ઉપર ટોર્ચના પ્રકાશથી જોયુંં તો એક ચીઠ્ઠી પડેલી હતી જે ઉપાડીને તુરંત જ ઘરમાં દાખલ થઈ ખડકી બંધ કરી. પ્રકાશમાં આવીને ચીઠ્ઠી વાંચી તો તેમા લખેલું હતુ કે ‘પોલીસને જાણ કરશો તો બાળકનું ગળુ દબાવતા જરા પણ વાર નહિ લાગે માટે બીજો ટેલીફોન આવે તેની રાહ જુઓ’ આ અક્ષરો જોતા પ્રમાણમાં ઓછુ ભણેલી વ્યંકિતએ ચીઠ્ઠી લખી હોય તેમ જણાતું હતુ અને વળી આ સંજોગો જોતા કાંઈક સફળતા પણ મળે તેવું લાગતુ હતુ.

જેથી તમામ ઓંસરીમાં ટેલીફોન પાસે જ ખાટલા ઢાળીને બેસી ગયા અને બીજો ટેલીફોન આવવાની રાહ જોતા બેઠા હતા. ટયુબલાઈટના પ્રકાશમાં જોતા તમામના ચહેરા પડી ગયેલા અને સુનમુન થઈ નીચું માથુ રાખીને બેઠા હતા. વાતાવરણ એકદમ ગંભીર અને ગમગીન લાગતુ હતુ કે હવે શું થશે? પરંતુ આ સંજોગો જોતા જયદેવને મનમાં ઉત્સાહ થયો હતો કે હવે લડવાનું મેદાન અને હરીફો પણ મળતા પોતે કાંઈક પરિણામ તો અવશ્ય લાવશે જ. આમ ગડમથલ ચાલુ હતી ત્યાં આ ઘરના ડેલા બહાર નદીકાંઠે આવેલ ગામના ઈલેકટ્રીકસીટીના ફીડરમાં ભયંકર ધડાકો થયો અને ગામ આખાની વિજળી ડૂલ થઈ ગઈ, અને જેવી વિજળી ડૂલ થઈ અને અંધારૂ ઘનઘોર થતા જ ઘરનાં ધાબા ઉપર જોરદાર પથ્થરમારો ચાલુ થયો અને વળી ધીમો પડયો છૂટા છવાયા પથ્થર આવતા હતા જયદેવને અનુમાન થયું કે આ કૃત્ય આરોપીઓ એજ કાવત્રુ કરીને ફીડર શોર્ટ સર્કિટ કરીને કર્યું હોય.

બાળકનું અપહરણ, ટેલીફોનથી ખૂનની ધમકી, ઘરની પાછળની ખડકી પાસે ચીઠ્ઠી, વિજળીના ફીડરમાં ભડાકો કરી ગામ આખામાં અંધાર પટ કરવો અને પછી ભોગ બનનાર નાજ ઘર ઉપર પથ્થરમારો થતા જે અગાઉથી જ ગભરાયેલા હતા તેવા ઘરના સભ્યો ઓંસરીમાંથી ઓરડામાં જતા રહ્યા હતા. જતા જ રહે કેમકે અંધારૂ ઘનઘોર, સ્મશાન વત શાંતિ વાળા માહોલમાં મજબુત છાતીવાળા પણ થોડીવાર રક્ષણાત્મક સ્થિતિમાં આવી જાય તેવી સ્થિતિ હતી.

થોડીવારમાં ફરીથી ધાબા ઉપર ઝડપથી પથ્થરમારો ચાલુ થયો આથી જયદેવ પોતાના જમદાર વિરસિંગને સાથે લઈ ને બીજા માળે આવ્યો કે કદાચ પડતા પથ્થરની ગતિ ઉપરથી પથ્થરમારો કઈ દિશામાંથી થાય છે તે જાણી શકાય. પરંતુ ધાબામાં તો જઈ શકાય તેમ જ ન હતુ કેમકે પથ્થરો ધાબાથી છેક રૂમ સુધી આવતા હતા. જેથી બીજા માળનો ધાબા બાજુનો દરવાજો થોડો ત્રાંસો ખોલી ને પથ્થરો દડવાના અવાજો ઉપર અનુમાન લગાવતા હતા ત્યાં ફોજદાર ધોળાવદરા પણ ઘરધણીને લઈને બીજા માળે રૂમમાં આવી ગયા. છૂટા છવાયા પથ્થરો હજુ પડતા હતા ત્યાં પથ્થર સાથે કોઈક મોટી વજનદાર વસ્તુ અગાસીમાં પડી તેવો અવાજ આવ્યો જેથી જયદેવે દરવાજામાં નીચે બેસી અર્ધ ખોલેલ બારણામાંથી ધાબાના પારાપીટ ઉપરથી લાઈટ બહાર ન જાય તે રીતે ટોર્ચ ધાબાના તળીયે જ તાકી અને ટોર્ચના પ્રકાશમાં જોયું તો લાલ કપડામાં કાંઈક ગોળ વસ્તુ વિંટેલી હતી અને તેમાંથી કાંઈક કાળુ વાળ જેવું દેખાતુ હતુ. આ જોઈને તમામ આંચકો ખાઈ ગયા. ધોળાવદરા ધીમેથી બોલ્યા કે માથુ લાગે છે. આ સાંભળી હાજર તમામ વ્યકિતમાં સન્નાટો છવાઈ ગયો અને તમામના રૂવાડા ઉભા થઈ ગયા. પરંતુ જયદેવ કોઈ પણ સંજોગોમાં અાખરી પરિણામ પહેલા ‘પાણીમાં બેસવા’ જ માગતો ન હતો. જયદેવે ધોળાવદરાને કહ્યું યાર તમે પણ સામાન્ય લોકોની જેમ કયાં ઝીંકા ઝીંકી કરો છો પહેલા ખાત્રી તો થયા દો કે માથુ બકરાનું છે કે માણસનું છે. આ ખાત્રી કર્યા સિવાયની વાતથી મહિલાઓને જો જાણ થશે તો હમણાં જ રોકકળ, કૂટવાનું અને બાપોમારી થશે અને તો આરોપીઓ પકડવાનું એક બાજુ રહી જશે.

હવે ધાબા ઉપર આવેલ આ પોટલુ લેવા કઈ રીતે જવું તે પ્રશ્ન હતો કેમકે તે દરમ્યાન છૂટો પથ્થર આવી જાય તો? પણ જયદેવે રસ્તો કાઢ્યો રૂમમાં પલંગ ઉપર પડેલુ ઓસીકુ માથા ઉપર રાખી અગાસીમા વાંકા વળીને જઈને તે પોટલુ ઉપાડી લીધું જયદેવને અંધારામાં અહેસાસ થયો કે નાના પોટલામાં કાંઈ ખાસ વજન નથી તેથી તેને થોડો હાશકારો થયો કે કદાચ બાળકનું માથુ નહિ હોય. ધાબામાંથી ઓરડામાં આવીને ટોર્ચના અજવાળમાં જોયું તો એક લાલ કાપડ વડે અંદર બીજા કાળા કાપડમાં લાલપીળા દોરા વડે આંકડાઅને ખીજડાના ઝાડના સાંઠીકડા બાંધેલા હતા અને તેની વચ્ચે એક કાગળ કે ચીઠ્ઠી મૂકીને નાળીયેરને બાંધેલું હતુ તથા તેમાં અડદના મગના દાણા વેરેલા હતા ઘરના હાજર સભ્યો પૈકી નબળા મનની વ્યકિતતો આ જોઈ ને રડવા જ લાગી અને કહ્યું સાહેબ હવે કાંઈક જલ્દી કરો નહિ તો મારી જ નાખશે. પરંતુ ખોટી ઉતાવળ કરીને જયદેવ હવે હાથમાં આવેલી બાજી ગુમાવવા માંગતો નહતો.

હવે પથ્થરમારો તો બંધ થઈ ગયો હતો. પરંતુ ગામમાં વિજળી ગાયબ થતા જ નિશાચર પક્ષીઓ ચીબરીઓ અને ધ્રુવડનું ગામમાં આગમન થઈ ગયું હતુ અને તેમના ચિત્ર વિચિત્ર અવાજો અને તમરાઓની તિવ્ર સીસોટીઓથી વાતાવરણ વધારે ભયજનક લાગતુ હતુ ગામના પાદર સુધી આવી ગયેલા શિયાળીયાઓની લાળીના અવાજ પણ અધૂરામાં પૂરૂ કરતા હતા. પરંતુ આવા સંજોગોમાં ભોગ બનનાર કુટુંબના સભ્યો જે રીતે લાગણીમાં આવીને વર્તુણુંક કરે તેમ જો પોલીસ પણ અસરમાં આવે તો ગુનેગારોનો સામનો કઈ રીતે થાય? જો કે આવનાર સંજોગો કેવા હશે કેવા હથીયારો નો સામનો કરવો પડશે તેવા વિચારોથી સાથે ના જવાનો અને ફોજદાર ધોળાવદરા પણ કાંઈક અંશે મુંઝાયેલા હતા.

જયદેવે બીજા માળના રૂમમાંજ નાળીયેર ને વિંટેલા દોરા ખોલવા માંડયા જે ચીઠ્ઠી વિંટેલી હતી તે કાઢીને ટોર્ચના પ્રકાશમાં વાંચતા તેમાં લખેલુ હતુ કે

ધ્રુફણીયાથી દામનગરના રસ્તે દસ વખત જવું.

(૧) ધ્રુફણીયાથી ઉમરડાના રસ્તે જવું. ધ્રુફણીયાથી દામનગરના રસ્તે જવું.

(૨) ધ્રુફણીયાથી ઠાંસાના રસ્તે જવું, ધ્રુફણીયાથી દામનગરનાં રસ્તે જવું

(૩) ધ્રુફણીયાથી હજીરાધારના રસ્તે જવું. ધ્રુફણીયાથી દામનગરના રસ્તે જવું.

(૪) ધ્રુફણીયાથી ઢસાના રસ્તે જવું ધ્રુફણીયાથી દામનગરના રસ્તે જવું.

આ ચીઠ્ઠીમાં લખ્યા મુજબના આ રસ્તાઓ ભૌગોલીક રીતે ધ્રુફણીયાથી તેના પડોશી ગામે જતા હતા જે જયદેવ જાણતો હતો. વળી આ લખાણના અક્ષર જોતા અગાઉ પાછળની ખડકી પાસેથી મળેલી ચીઠ્ઠીના અક્ષરો જેવા જ હતા એટલે કે પ્રમાણમાં ઓછુ ભણેલી વ્યકિતના જણાતા હતા બનાવો જે રીતે ક્રમબધ્ધ બનતા જતા હતા અને પથ્થરમારો જે ઝડપે થયો તે જોતા આરોપીઓ એક કરતા વધારે સંગઠ્ઠીત અને આયોજન બધ્ધ કામ કરી રહ્યા હતા વળી હવે આરોપીઓ કાંઈક નિર્ભય અને ઉતાવળા પણ થયા હોય તેમ જણાતું હતુ.

બંને ફોજદારો હવે આ ચિઠ્ઠી મુજબ શું કાર્યવાહી કરવી તે વિચારતા હતા. જયદેવે ચિઠ્ઠી ઉપરથી બે તારણ કાઢ્યા એક તો દામનગરના રસ્તે જવું વારંવાર લખેલ છે. તો તે રસ્તે કાંઈક છે. બીજુ આરોપીઓની નિર્ભયતા જોતા હવે થોડીવારમાં દરવાજે ટકોરા પણ મારે તેવી સંભાવના હોઈ તેથી તે દિશામાં વિચારીને આગળ વધવું જોઈએ કેમકે આ તબકકે ઉતાવળ કરીને વાત બગડી જાય તેના કરતા ‘ધીરજના ફળ મીઠા’ વળી હજુ રાત્રીના નવ જ વાગ્યા હતા. પરંતુ ફોજદાર ધોળાવદરાએ તો નિર્ણય કરી નાખ્યો કે આરોપીઓનું સુરત કનેકશન છે અને તેઓ સુવ્યવસ્થિત રીતે પ્લાન કરીને જ આવેલ છે.તેથી તેમની પાસે અગ્ની શસ્ત્રો રીવોલ્વર પીસ્ટલ વિગેરે પણ હોવાના જ તેથી વધુ કુમુકની જરૂર છે જ અને વધુ પોલીસ જવાનો મંગાવવા પડે.

જયદેવને થયું સહજ છે. આવા માહોલમાં ભલભલાના હાજા ગગડી જાય પણ હવે મામલો અમુક મીનીટો નો જ બાકી હતો વળી તેઓ બંને અધિકારી પાસે રીવોલ્વરો તો હતી જ તેથી આટલાથી જ મોરચો સંભાળી લેવો જોઈએ વળી દામનગરથી વધુ કુમુક મંગાવતા વચ્ચે ચીઠ્ઠીમાં વારંવાર ઉલ્લેખ કરેલ ધ્રુફણીયા દામનગરનો રસ્તો જ આવતો હતો તો તેનો ઉપયોગ થતા કાંઈક મમાલો ગુંચવાઈને ઉંધો વળી જાય તેવી શકયતા હતી કેમકે તે જોખમ લેતા એક બાળકની જીંદગી મુશ્કેલીમાં મૂકાય તેવી હાલત થાય આવું જયદેવનું ગણીત હતુ.

પરંતુ લોકલ ક્રાઈમ બ્રાંચ એટલે પોલીસ વડાની અંગત બ્રાંચ તેઓ પોતાને તમામ રીતે પોલીસ વડા જેટલાજ સમર્થ સમજતા હોય છે. વહીવટમાં હશે પણ નિર્ણાયક અને કટોકટીના તબ્બકે તો અનુભવ, જ્ઞાન અને આવડત જ ચડીયાતી હોય છે. કદાચ આવી માન્યતા ને કારણે કે ગમે તે બીજા કારણે ફોજદાર ધોળાવદરાએ કહ્યું કે હું અને જમાદાર રતનસીંગ કાર લઈને દામનગર જઈ વધુ પોલીસ દળ લઈ આવીએ પણ જયદેવે કહ્યું એ દામનગરનાં રસ્તે તો જવું એટલે અંધારીયા કુવામાં ખાબકવા જેવું છે. આયોજન વગર ન જવાય પણ સંજોગો જોતા મને તો લાગે છે. નિર્ભય આરોપીઓ થોડી મીનીટોમાંજ દરવાજે ટકોરા મારે અને મામલો પૂરો થશે. વળી માનો કે બટાઝટી બોલે તો બે વાત છે.એક તો અહીથી ત્રણ કિલોમીટર ઉપર જ મારો ડી સ્ટાફ ૩૦૩ રાયફલો સાથે તૈયાર જ છે. તેથી જરૂર પડયે કાર મોકલી દસ મીનીટમાં બોલાવી લઈશુ બીજુ આરોપીઓ ખૂલ્લામાં હશે અને આપણે તો ઘરમાં ફળીમાં કે ધાબા ઉપર રક્ષણાત્મક સ્થિતિમાં છીએ તેથી ખોટમાં તો આરોપીઓ જ રહેવાના પણ મને તેવી કોઈ જરૂર પડે તેમ જણાતું નથી. તેથી તે રસ્તે જવાનું માંડી વાળો ઘરધણીને પણ પૂરો ડર પેસી ગયો હોઈ ધોળાવદરાને દામનગર નહિ જવા આજીજી કરી ના પાડી પણ છતા જમાદાર રતનસીંગને લઈ ધોળાવદરાએ ડેલોખોલાવી પોતાની કાર લઈ દામનગર જવા રવાના થઈ ગયા.

હવે સુનકાર શાંતિ અને અંધારૂ અંધારૂ જ હતુ. આથી જયદેવે નકકી કર્યું કે જો બીજા માળે ધાબા ઉપર જ જો કાન માંડવામાં આવે તો આજુબાજુના ઘરો કે વિસ્તારમાં કાંઈ સંચળ કે અવાજ સંભળાય તો હીલચાલો કાંઈક ખ્યાલ આવિશકે આથી આમ વિચારીને વિરસીંગને લઈને દાદરો ચડી બીજા માળે આવ્યો ત્યાં પાછળ પાછળ ઘરના અમૂક સભ્યો પણ આવ્યા બીજામાળે આવતા ડેલા ઉપરની બારીજે ડેલા બહાર પડતી હતી તે ખોલીને જોયું તો ધોળાવદરાની કાર નદીમાં કોઝવેમાં ઉતરીને સામાકાંઠાનો ઢાળ ચડી અને રોડ ઉપર ચડી સહેજ જમણી બાજુ વળીને દામનગરના રસ્તે પૂરપાટ દોડવા લાગી. હજુ જયદેવની નજર ત્યાંજ હતી ત્યાં કારની બ્રેક લાઈટો એકદમ લાલચોળ પ્રકાશ મારીને કાર ઉભી રહી હોય તેમ લાગ્યું. અને હજુ વધુ કાંઈ વિચારે ત્યાં જ રીવોલ્વર ફાયરીંગ થયાનો ભડાકાનો અવાજ સંભળાયો જયદેવ તે જોતો જ હતો ત્યાં કારની સામેની દિશામાંથી દામનગર તરફથી એક ડબલ સવારી મોટર સાયકલ પૂર ઝડપે આવી ને સીધુ આવવાને બદલે કારની કાટખૂણે ડાબી બાજુ રોડની નીચે ઉતરી જઈને આડબીડ પડતર જમીન ઉપર ભાગવા લાગ્યું.

આ દ્રશ્ય જોઈને જયદેવને ધ્રાસ્કો પડી ગયો કે ખેલ ખલાસ હવે ખેલ ખતમ ! હવે તો માસુમ બાળકની લાશ જ મળવાની અફસોસ! ના પાડવા છતા ધોળાવદરા માન્યા નહિ. પરંતુ જયદેવને હિંમત હારવાનું કે પ્રયત્ન પડતો મૂકવાનું પાલવે તેમ નહતુ. જયદેવ સડસડાટ દાદરો ઉતરીને નીચે આવ્યો અને રાડ પાડીને કહ્યું કે જે વાહન હોય તે ચાલુ કરો આથી એક યુવાન હોન્ડા મોટર સાયકલ ચાલુ કરીને ડેલાના ગડેરામાં આવ્યો જયદેવે લોડેડ રીવોલ્વર હાથમાં લઈ લીધી અને મોટર સાયકલ પાછળ બેસી ગયો દરવાજા બહાર નીકળી નદીના કોઝવેમાં આવતા જ પેલુ નાસેલું મોટર સાયકલ રસ્તામાં સામેજ આવતું જણાયું. જયદેવ મોટર સાયક્લ ઉપરથી ઠેકડો મારી ઉતરીને તે મોટર સાયકલને રોકી લીધું જયારે સાંજના ધ્રુફણીયાકારમાં આવતા હતા અને જે ડબલ સવારી મોટર સાયકલ કે જેમાં એક જણે બુકાની બાંધેલી હતી તેજ મોટર સાયકલ હતુ.

જયદેવે તેમને ઉતાવળે જ પુછી લીધું કે કોણ છો કયાં ગયા હતા અને અત્યારે કયાં જાવ છો તેમણે જણાવ્યું કે બંને ઉમરડા ગામના વતની છે. દામનગરથી એસ.ટી.ડી.ફોન સુરત કરવા માટે ગયા હતા. જયદેવે પૂછયું કે પેલી કાર ઉભી રહેતા તમે રોડથી નીચે ઉતરી આડબીડ કેમ ભાગ્યા? તેમણે કહ્યું કે રસ્તામાં કાર ઉભી હતી તેની લાઈટો ચાલુ હતી અને ત્રણેક વ્યકિત ભાગાભાગી કરતી હતી અને પીસ્ટલના ભડાકાનો અવાજ થતા અમે પણ ડરના માર્યા રસ્તા ઉપરથી નીચે ઉતરી ગયા હતા ઉમરડાનો રસ્તો ધ્રુફણીયા થઈને જ જતો હોય અહીંથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો અને તમે અમને અહીં પકડી લીધા આ પૂછપરછ ચાલતી હતી ત્યાં ભોગ બનનારના કુટુંબીજનો અને ધ્રુફણીયાના અન્ય નાગરીકો હાથ પડયું તે હથીયાર ગણી લાકડી કુહાડી ધારીયા વિગેરે લઈને ઘસી આવ્યા હતા આથી જયદેવે તે તમામ લોકોને કહ્યું કે આ બંને ને તમે સાચવો જો જો તેને કાંઈ મારકૂટ કરતા નહિ નહિતો જો મારકૂટ કરી તો બાળક જીવતું નહિ મળે આમ લોકોને તથા મોટર સાયકલ વાળાને પણ નહિ ભાગવા સમજાવી બંનેને ગામ લોકોના હવાલે કરીને જયદેવ ફરીથી મોટર સાયકલ ઉપર બેસીને આગળ દામનગર રોડ ઉપર ધોળાવદરાની કાર ઉભી હતી ત્યાં ઘસી ગયા,.

કાર પાસે ધોળાવદરા અને જમાદાર રતનસીંગ ધોયેલ મૂળા જેવા ઉભા હતા જેથી જયદેવે પૂછયું ‘શું થયું?’ ધોળાવદરાએ કહ્યું ‘તમારી સલાહ સાચી હતી અહી આવ્યા ન હોતતો સારૂ હતુ અથવા આયોજનપૂર્વક આવવાની જરૂરત હતી બનાવ એમ બન્યો કે નદીનો ઢાળ ચડીને કારે હજુ સ્પિડ પકડી જ હતી ત્યાં રસ્તાની ડાબી બાજુ જે લીલા કપાસનું વણ ઉભુ છે. તેમાંથી એક વ્યકિત કે જેણે મેળામાં વેચાય છે તેવો રાક્ષસ નો મોરો કે માસ્ક પહેરીને તે રોડ ઉપર આવી ગયો અને કારને હાથથી ઈશારો કરી ઉભી રખાવી. આથી અમોએ કારના કાચ ઉતાર્યા તેથી તે મોરો માસ્ક પહેરેલા ઈસમે કહ્યું કે બેગ રાખી દો બેગ નીચે રાખીને ચાલ્યા જાવ. આથી તાત્કાલીક શું કરવું તે અમને કોઈ ખ્યાલ નહિ પડતા તેને કહ્યું કે કારમાં બેગ છે તે લઈ લે પણ તે નજીક આવ્યો નહિ આથી અમે ધીમે ધીમે તેની નજીક જતા તે પણ ધીમે ધીમે પાછો હટતો હટતો કપાસના વણમાં પહોચ્યો જેવું વણ ચાલુ થયું કે તુરત જ તેણે દોટ કાઢીને ભાગવા લાગ્યો.

પરંતુ કપાસનું વણ ખૂબ મોટુ હોય અમે તેની પાછળ તો ન ગયા પણ હવે શું કરવું તે વિચારી નહિ શકતા અને આવેશ અને ઉશ્કેરાટમાં અને મુંઝવણમાં રીવોલ્વરમાંથી હવામાં એક ભડાકો કરી નાખ્યો! આથી જયદેવે ની:સાસો નાખ્યો અને બોલ્યો બાજી બગાડી નાખી ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.