આજે સીટ અને પરિક્ષાર્થીઓના પ્રતિનિધિઓની બેઠક
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૧૭મીના રોજ લેવામાં આવેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે છેલ્લા ઘણા દિવસથી પરિક્ષાર્થીઓ આંદોલન ચલાવી રહ્યાં છે. ગેરરીતિની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૪ સભ્યોની સમીતીની રચના કરવામાં આવી છે. સીટ દ્વારા આગામી ૧૦ દિવસમાં તપાસ રિપોર્ટ આપવામાં આવશે ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ અનામત રખાશે.
રાજ્ય સરકારના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ અંગે રજૂઆતો અને ફરિયાદ મળી છે જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા ચાર સભ્યોની ખાસ તપાસ ટીમ બનાવવામાં આવી છે. જેના ચેરમેન તરીકે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાનીની વરણી કરવામાં આવી છે. ત્યારો સભ્ય તરીકે આઈપીએસ મનોજ શશીધરન, આઈપીએસ મયંકસિંહ ચાવડા અને સભ્ય સચિવ તરીકે અધિક સચિવ જવલંત ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે.
આજે આ ચાર સભ્યોની સમીતી અને પરિક્ષાર્થીઓના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાશે. ૧૦ દિવસમાં સીટ દ્વારા તપાસ રિપોર્ટ રજૂ કરાશે. ત્યાં સુધી પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવશે નહીં. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સમીતી અલગ અલગ એંગલથી તપાસ કરશે. જેમાં પરીક્ષામાં ખરેખર પેપર લીક થયાની ઘટના બની છે કે કેમ ? અને જો બની હોય તો ક્યાં સેન્ટર પર સ્થળે કે અન્ય કોઈ જગ્યાએ બની હોય તો તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે. પરીક્ષા દરમિયાન કોપીંગ/ગેરરીતિની કોઈ ઘટના બની છે કે કેમ ? અને જરૂર પડે તો સમિતિ પરીક્ષા દરમિયાન આ સેન્ટરોના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસી તેનો અહેવાલ સુપ્રત કરશે. સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ આ હેતુ માટે સીટને અરજદારો તરફી મળેલ લેખિત/મૌખિક રજૂઆતો પણ સાંભળવાની તક આપશે.
સીટને જરૂર લાગે ત્યાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગની મદદ લઈ શકશે. જ્યાં જરૂર જણાય ત્યાં સીટ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લઈ શકશે. આ સિવાય પરીક્ષા સંબંધિત અન્ય કોઈ સુચનો/રજૂઆતોની વિગતો પણ સીટ તપાસશે.
જ્યાં સુધી સીટનો રિપોર્ટ સરકારને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ અનામત રાખવામાં આવશે. સીટમાં ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરિક્ષાર્થીઓના પ્રતિનિધિઓ જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ ગોહિલ, ભાવસિંહ સરવૈયા અને અન્ય આગેવાનોની બેઠક સીટ સાથે આજે યોજાશે. તેમની રજૂઆતો અંગે સીટ પુખ્ત વિચારણા કરીને તેનો અહેવાલ દસ દિવસની અંદર રાજ્ય સરકારને સુપ્રત કરશે.