માયાભાઈ આહીર, અભેસિંહ રાઠોડ, બિહારીભાઈ ગઢવી અને ફરીદામીરે કરી જમાવટ: પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
સરગમ ક્લબ દ્વારા ચાલી રહેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમ ના બીજા દિવસે ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર જનતા માટે યોજાયેલા લોક ડાયરામાં સાહિત્યનો સાગર ઘૂઘવ્યો હતો અને હજારો લોકોએ મોડે સુધી આ કાર્યક્રમ માણ્યો હતો.
બાન લેબ અને જેપી સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી સરગમ ક્લબ દ્વારા યોજાયેલા લોક ડાયરામાં જાણીતા કલાકારો માયાભાઈ આહીર, અભેસિંહ રાઠોડ ,બિહારી ભાઈ ગઢવી અને ફરીદાબેન મીર વગેરે લોક સાહિત્ય પીરસ્યું હતું અને લોકોને તાળીઓ પાડવા મજબૂર કર્યા હતા. આ કલાકારોને બેન્જો વાદક મુકુંદભાઈ જાની અને અન્ય સાથી કલાકારો નો સહયોગ પણ મળ્યો હતો. લોક ડાયરાના આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ બાવએ કર્યું હતું.
ઉપસ્થિત લોકોને સંબોધન કરી આશિર્વચન પણ આપ્યા હતા. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રહેલા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે ડાયરાના આ પ્રકારના કાર્યક્રમો આપણી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે અને એ મુજબ જીવન જીવવાની શીખ આપે છે. કાર્યક્રમ ના પ્રારંભે સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને આવકાર્યા હતા અને સરગમ દ્વારા યોજાતા કાર્યક્રમની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા , જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ , મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ,બાન લેબના મૌલેશભાઈ ઉકાણી ,રાજદીપસિંહ જાડેજા ,સહિતના અનેક મહેમાનો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, શૈલેષભાઈ શેઠ કિરીટભાઈ આડેસરા, જગદીશભાઈ કિયાડા, સુરેશભાઈ દેત્રોજા, ડો. ચંદાબેન શાહ , ગીતાબેન હીરાણી, અલકાબેન કામદાર, પૂજાબેન વાળા અલકાબેન ધામેલીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.