રાજકોટના શાંતિનીકેતન એવન્યુ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી રાજકોટમાં આલાપ ગ્રીન સીટી પાસેનાં શાંતિનીકેતન એવન્યુ ખાતે યોજાયેલી શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પારિવારિક ભાવનાથી યોજાયેલ ભાગવત સપ્તાહમાં સહયોગી થવાનો મને મોકોપ્રાપ્ત થયો, તેને હું મારૂ સદભાગ્ય સમજુ છું. ધર્મ, સંસ્કૃતિઅને પરંપરા થકી માનવ જીવન સુંદર બને છે. કથાના શ્રવણ થકી આપણા જીવનને સદગુણથી ભરી શકાયછે. ભાગવત સપ્તાહના શ્રવણ થકીસૌપ્રત્યે પ્રેમ, દયા, કરૂણાનો ભાવ આપણા હદયમાં વહે છે. માનવ કલ્યાણ માટે ખૂબ સારૂં ભાથું ભાગવત સપ્તાહમાં રહેલુ છે. ભાગવત સપ્તાહ જેવા ગ્રંથોએ આપણી વિરાસત છે. પ્રજાના માટે આવશ્યક જરૂરિયાતો, વિકાસકામો પૂર્ણ કરવા સરકાર પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી તથા તેમના ધર્મપત્નીએ શ્રીમદ્ ભાગવતની પોથીનું પૂજન કર્યુ હતું. મુખ્યમંત્રીનું ફુલહાર, શાલ, મોમેંટો આપી સન્માન કરાયું હતું. શૈલેષ ડોડિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. શાંતિનિકેતન એવેન્યુ પરિવારના પિતૃના મોક્ષઅર્થે તા. ૨૧ સુધી યોજાયેલી ભાગવત સપ્તાહમાં રાજકોટના જયંતિ બાપુએ સંગીત બદ્ધ શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, અગ્રણી કમલેશભાઇ મિરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયા, શાંતિનીકેતન એવન્યુના પ્રમુખ શૈલેષભાઇ ડોડિયા, અરવિંદભાઇ બોરીસાગર, ધીરૂભાઇ માંકડ, સંજયભાઇ કોટેચા, હિતેષ રાઠોડ, દિપકભાઇ શાહ, નિરજભાઇ દાવડાતથા અન્ય કમિટી મેમ્બર તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.