ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ખાનગી શાળાઓના છાત્રને પણ પાછળ છોડી દીધા: જાપાનમાં આ વૈજ્ઞાનિક કૃતિ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
પડધરી તાલુકાની જીલરીયા તાલુકા શાળાના સાયન્સ પ્રોજેકટ છેલ્લા ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ તથા રાજયકક્ષાએ પસંદ પામે છે. વર્ષ ૨૦૧૮માં ઈન્સ્પાયર એવોર્ડમાં સાયન્સ પ્રોજેકટનુ નોમિનેશન કરવામાં આવ્યું હતું. કૃતિનું નામ સેલ્ફ વોટરપંપ હતું જે રાજકોટ જિલ્લા કક્ષાએ પસંદગી પામીને રાજયકક્ષાએ સુરેન્દ્રનગરના પાટડી ખાતે પ્રદર્શીત કરવામાં આવેલ હતી ત્યાં પણ પસંદ થતા તેમને આઈ.આઈ.ટી. દિલ્હી ખાતે નેશનલ લેવલે રજૂ કરવામાં આવી હતી ત્યાં ઓલ ઈન્ડિયામાંથી કુલ ૮૫૦ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬૦ પ્રોજેકટ આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં જીલરીયા તાલુકા શાળાની આ કૃતિ પણ પસંદ થયેલ છે. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ કૃતિ રજૂ થનાર છે.
જીલરીયા તાલુકા શાળાના વિદ્યાર્થી ભંડેરી રોનકે શિક્ષકની મદદથી બનાવેલા આ સેલ્ફ વોટરપંપમાં બે ફૂટથી પાણી કોઈપણ ઈંધણ કે વિજળી વગર ૧૫ થી ૨૦ ફૂટ ઉંચે ચડાવી શકાય છે. જેમ હૃદય પોતાના બે વાલ્વ વડે લોહીને આગળ વહેતુ રાખે છે તેમ આ કૃતિમાં બે નોન રિટર્ન વાલ્વ છે જે એકબીજાથી વિપરીત દિશામાં ગોઠવેલ છે. એક વાલ્વ બંધ થતા બીજો વાલ્વ ખુલે અને પાણી પોતાની સપાટીથી ઉપર તરફ અંદાજીત ૧૫ થી ૨૦ ફૂટ ઉંચુ ચઢે છે.
આ સમગ્ર સ્પર્ધાની શરૂઆતમાં આખા ભારતમાંથી કુલ મળીને રૂ.૮૦,૦૦૦ કૃતિઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને ત્યારબાદ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી ૮૫૦ કૃતિઓ નેશનલ લેવલે પહોંચી હતી જે ૮૫૦માંથી નેશનલ ઈનોવેશન ફેસ્ટીવલમાં ૬૦ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી અને એમાંની જીલરીયા તાલુકા શાળાની સેલ્ફ વોટર પંપ કૃતિ પણ પસંદ કરવામાં આવી હતી.
આ “સેલ્ફ વોટર પંપ નામની કૃતિ ભંડેરી રોનકે રજૂ કરેલ હતી. તેમને શાળાના આચાર્ય મનિષભાઈ પટેલ તથા શિક્ષક રજાકભાઈ ઉનડપોત્રાએ માર્ગદર્શન આપ્યું હતું.