- બંને ટીમ માંથી કુલ પાંચ બોલરોએ તેના 4 ઓવરના સ્પેલમાં 50 રન થી વધુ રન આપ્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન ઇતિહાસ સર્જી રહી છે. બેંગ્લોરની બેટિંગ પેરેડાઇઝ વિકેટ ઉપર બોલરોની જે રીતે ધોલાઈ કરવામાં આવી અને કુલ 549 રન નોંધાયા તેને ડિફેન્ડ કરવામાં માત્ર બેંગલોર 25 રન જ દૂર રહી હતી. આ એ વાત સૂચવે છે કે બંને ટીમોના બેટસમેન દ્વારા બોલોને ખૂબ ફટકાર્યા છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે 287 રન નોંધાવ્યા હતા જેનો ગત હાઈ સ્કોર નો રેકોર્ડ પણ પોતે જ તોડ્યો હતો 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 262 રન નોંધાવી શકી હતી અને ટીમનો 25 રને પરાજય થયો હતો.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 287 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ આઇપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ઓપનર ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે આઇપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટતો બચ્યો.
હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેમના ઘરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 25 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં આરસીબીને 287 રનનો ઐતિહાસિક ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં વિરાટ કોહલીની આરસિબી ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 262 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ટીમ માટે દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ડુ પ્લેસિસે 28 બોલમાં 62 રન અને વિરાટ કોહલીએ 20 બોલમાં 42 રન બનાવ્યા હતા. પરંતુ કોઈ પણ ટીમને જીત અપાવી શક્યું ન હતું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મયંક માર્કંડેએ 2 અને ટી નટરાજને 1 વિકેટ ઝડપી હતી.
હેડ આઇપીએલ સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો
- 30 બોલ – ક્રિસ ગેલ વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
- 37 બોલ – યુસુફ પઠાણ વિ મુંબઈ, બ્રેબોર્ન 2010
- 38 બોલ – ડેવિડ મિલર વિ આરસીબી, મોહાલી 2013
- 39 બોલ – ટ્રેવિસ હેડ વિ આરસીબી, બેંગલુરુ 2024
- 42 બોલ – એડમ ગિલક્રિસ્ટ વિરુદ્ધ મુંબઈ, ડીવાય પાટીલ 2008
બંને ઇન્નિંગમાં કુલ 43 ચોગ્ગા, 38 છગ્ગા લાગ્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે ઐતિહાસિક મેચ રમાયો હતો જેમાં બેંગલોરનો 25 રને પરાજય થયો હતો. બંને ઇનનિંગમાં 43 ચોગ્ગા અને 38 છગ્ગા કુલ ફટકારાયા છે.