- જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતીની બેઠક યોજાઈ
- PMJAYનું નવું પોર્ટલ શરૂ-બોગસ કાર્ડ હશે તો એક્શન લેવાશે
- ટીબી ચેકિંગ માટે મોબાઇલ એક્સ-રે યુનિટ ફાળવવા અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સોલાર સિસ્ટમ લગાવવા પર ભાર
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે 2 જાન્યુઆરીએ જાહેર આરોગ્ય સમિતિની બેઠક જિ.પં.ની આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય સમિતિના સદસ્યો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. આર. આર. ફુલમાલી સહિત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ શાખા અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કોમ્યુનીકેબલ ડીસીઝ જેવાકે ટીબી, મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, એચ.આઇ. વી. એઇડ્સ, તથા નોન કોમ્યુનીકેબલ જેવા કે બીપી, ડાયાબીટીસ, હાઈપર ટેંશન, કેંસર, તથા ટેલી મેડીસીન અને રસીકરણ જેવી સેવાઓ અને નોધાયેલી માતા અને બાળ આરોગ્ય સંભાળ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ વધુ સુદ્રઢ કરવા અંગે માર્ગદશન અપાયું હતું.
આ બેઠકમાં 100 દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ” માટે વધારે મોબાઇલ એક્સ-રે યુનિટ ફાળવવા આરોગ્ય વિભાગ, ગાંધીનગરને જણાવવા તેમજ ગ્રામ્ય કક્ષાએ પી.આર.આઈ. મેમ્બરના સહયોગ અંગે ચર્ચા કરાઈ હતી.
જિલ્લા પંચાયત સ્વ ભંડોળની ગ્રાંટમાંથી કોમ્પ્યુટર ખરીદ કરવા, પ્રા.આ.કે.ખાતે લેબોરેટરીના સાધનો, જુદા જુદા ટેસ્ટીંગ માટે કીટ અને રીએજંટ ખરીદ કરવા અંગે વિચારણા થઈ હતી. પ્રાઇવેટ હોસ્પિટલ અને લેબોરેટરીની નોંધણી કરવી અને ગામડાઓમાં કોઇ બોગસ ડોકટરની પ્રેક્ટિસ ચાલતી હોય તો તેને પકડવા ચેકીંગ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં શૂન્ય ઇલેક્ટ્રીસિટી બીલ કરવા સોલાર સિસ્ટમ લગાવવા પર ભાર મુકાયો હતો.
જેમાં હાલ 15 પ્રા.આ.કે.માં સોલાર સિસ્ટમ કાર્યરત છે, 10માં મંજુર થયા છે, બાકીના 29 આરોગ્ય કેન્દ્રમાં સોલાર સિસ્ટમ લગાવવા આયોજન કરવા પર ભાર મુકાયો હતો. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના (PMJAY)નું નવું પોર્ટલ આજથી જ ચાલુ થઈ ગયું છે. જેથી કોઇ બોગસ કાર્ડ કાઢેલું હોય તો એક્શન લઇ શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી.