શિક્ષણ ક્ષેત્રે અનેક સેવા કાર્યો કરતી સંસ્થા પ્રોજેકટ લાઇફ દ્વારા જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામે આકાર લેનારી નવનાત યુકે પે સેન્ટર શાળાની શિલાન્યાસવિધી વિનોદરાય પ્રતાપરાય ઉદાણી (યુ.કે.) રાજકોટ અને અન્ય ઉ૫સ્થિત મહાનુભાવોના હસ્તે સંપન્ન થઇ હતી.
આ પ્રાથમીક શાળાના શિલાયન્સ પ્રસંગે સમારંભના અઘ્યક્ષ વિનોદરાય ઉદાણી (યુ.કે.) રાજકોટ પ્રોજેકટ લાઇફના દાતા કિશોરભાઇ અને નીમીતાબેન શાહ, ન્યુર્જીસી યુ.એસ.એ. મુખ્ય મહેમાન કેશોદ મતવિસ્તારના ધારાસભ્ય દેવાભાઇ માલમ, જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા, કુતિયાણા મત વિસ્તારના માજી ધારાસભ્ય અરજણભાઇ નંદાણીયા, જુનાગઢ જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી કે.એ.પટેલ અતિથિવિશેષ પ.પુ. ચેતન્ય સ્વામી, જીલ્લા પ્રાથમીક નાયબ શિક્ષણાધિકારી આર.જી. જેઠવા વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
પ્રોજેકટ લાઇફ ના મેનેજીંગ ટ્રસ્ટ શશીકાંતભાઇ કોટીયાએ શાળા નવનિર્માણ કાર્યક્રમની ઝલક આપતા કહ્યું કે જર્જરીત શાળાઓના નવનિર્માણ અને બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તેવા શુભ આશયથી દર ૭પમાં દિવસે એક શાળા રાષ્ટ્રને અર્પણ કરવાનું ઉમદા કામ કરી રહ્યા છીએ. દાતા સંસ્થા દ્વારા જબલપુર મુકામે સરકારી પ્રાથમીક શાળાનું યોગદાન અપાયું છે આ બીજી પ્રાથમીક શાળાનું યોગાદાન પ્રોજેકટ લાઇફ દ્વારા રાષ્ટ્રને અર્પણ થશે.
પ.પૂ. ચૈતન્ય સ્વામીએ મનની શુઘ્ધિમાં શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે, સત્સંગ, સંપ, સદબુઘ્ધિ સદભાવ અને શિક્ષણથી કુટુંબભાવનાનો વિકાસ થાય છે. આ પ્રસંગે કાર્યક્રમના પ્રારંભ રવિભાઇ નંદાણીયા સરપંચ, લોએજએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો. અંતમાં આભાર વિધી શાળાના આચાર્યએ કરી હતી.