નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે.જે.પાઠક શાળા નં.૧૯નું રૂા.૪૨ લાખનાં ખર્ચે કરાશે રીનોવેશન: ૨૦મીએ મુખ્યમંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાલ્યા અવસ્થામાં ધો.૧ થી ૫ સુધીનો અભ્યાસ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૧૯માં કર્યો હતો તે શાળાનું રૂા.૪૨ લાખનાં ખર્ચે રીનોવેશન કરવામાં આવશે. આગામી ૨૦મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે આ નવનિર્માણ પામનાર બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાપાલિકાનાં કરોડો રૂપિયાનાં અલગ-અલગ ૯ પ્રોજેકટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાળપણમાં ધો.૧ થી ૫ સુધીનો અભ્યાસ સરદારનગર મેઈન રોડ પર આવેલી જે.જે.પાઠક શાળા નં.૧૯માં કર્યો હતો. આ શાળામાં નવા ઓરડા બનાવવા અને હોસ્ટેલ બનાવવામાં આવનાર છે. ૪૨ લાખનાં ખર્ચે શાળાને નવા રંગરૂપ આપવામાં આવશે. આગામી ૨૦મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેઓનાં હસ્તે કોર્પોરેશનનાં આ સહિતનાં અલગ-અલગ ૮ જેટલા પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પોતે બાળપણમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાનાં નવનિર્માણ પામનાર બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી ડી.એચ.કોલેજ ખાતે એક જાહેરસભાને પણ સંબોધશે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા સર્વ શિક્ષણ અભિયાન હેઠળ સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯, મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮નાં નવનિર્માણ પામેલા બિલ્ડીંગનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથોસાથ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનાં બિલ્ડીંગનાં નવનિર્માણ કામનું પણ ખાતમુહૂર્ત કરાશે.

રજાનાં દિવસે જ મુખ્યમંત્રીનાં કાર્યક્રમથી કોર્પોરેશનનાં કર્મચારીઓમાં ભારે કચવાટ

રજાનાં દિવસે કોઈ સરકારી કાર્યક્રમ ન યોજવા ઉચ્ચ અધિકારીઓને કરી રજુઆત

આગામી ૨૦મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેઓનાં હસ્તે કોર્પોરેશનનાં અલગ-અલગ ૮ જેટલા પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. છાશવારે રજાનાં દિવસે સરકારી કાર્યક્રમો યોજાતા હોવાનાં કારણે કોર્પોરેશનનાં કર્મચારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. રજામાં કોઈપણ સરકારી કાર્યક્રમ ન રાખવા ડીએમસી સહિતનાં અધિકારીઓને રજુઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આગામી ૨૦મીએ જયારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે બીજા શનિવારની રજા આવે છે. શનિ-રવિનાં જોટામાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ બહાર જવાના પ્લાનીંગ કર્યા હોય છે. આવામાં સરકારી કાર્યક્રમો ગોઠવાતા કર્મચારીઓને રજાનાં ફાફા પડયા છે. વારંવાર રજામાં સરકારી કાર્યક્રમો યોજાતા હોવાનાં કારણે રજાનું ધોવાણ થઈ જાય છે. આવામાં અવેજીમાં અન્ય દિવસે પણ રજા આપવા અથવા રજાનાં દિવસમાં એક પણ સરકારી કાર્યક્રમ ન યોજવા પણ રજુઆત કરવામાં આવી છે. ડીએમસી ચેતન નંદાણીને રજુઆત કરાયા બાદ આ પ્રશ્ર્ન ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચ્યો છે અને તેઓએ પણ એવી ખાતરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે કે, હવે રજાનાં દિવસોમાં કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે અથવા જો કાર્યક્રમ યોજાશે તો અવેજીમાં કર્મચારીઓને બીજી રજા પણ અપાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.