બાળકોને જોયફૂલ લર્નીંગ કરાવે સાથે બાળકને શાળાએ આવવું, બેસવુંને શીખવું ગમે એજ શાળા તેનો સર્વાંગી વિકાસ કરી શકે છે: ભૌતિક સુવિધાથી સજ્જ આજથી શાળામાં ઘણી તૃટીઓ હોવાથી માત્ર પુસ્તિકયા જ્ઞાન આધારીત છાત્રોનું મૂલ્યાંકન થાય છે: આજે સ્કીલ બેઝ એજ્યુકેશનની તાતી જરૂરીયાત અને તરંગ-ઉલ્લાસમય અભ્યાસક્રમ હોવો જોઇએ
છાત્રોના જીવનમાં શાળા સંકુલ સૌથી અગત્યનો પાર્ટ છે. ભૌતિક સુવિધાથી સજ્જ આજના જ્ઞાન મંદિરો ખરા અર્થમાં બાળકોનો સંર્વાંગી વિકાસ કરાવી શકે છે? આ મોટો પ્રશ્ર્ન છે. ખરેખર તો છાત્રોનો સોળે કલાએ વિકાસ સાધી શકે એ શાળા જ શ્રેષ્ઠ કહેવાય. શ્રેષ્ઠ શાળાના અપાતા એવોર્ડમાં શિક્ષણ-ભૌતિક સુવિધા સાથે સહઅભ્યાસિક પ્રવૃતિને સૌથી વધુ અગ્રતા અપાય છે. અગાઉના ભણતરમાં જીવન ગણતર હતું આજે તો શાળાઓમાં ફક્ત પુસ્તિકયા જ્ઞાન આપીને છાત્રોનું મૂલ્યાંકન કરાય છે.
મેડમ મોન્ટેસરી, ગીજુભાઇ બધેકા જેવા મહાન લોકો શાળાને જ્ઞાન મંદિર, બાલવાડી, ફૂલવાડી જેવા નામો આપીને શ્રેષ્ઠત્તમ કાર્યો કર્યા હતા. આજે આપણને પ્રશ્ર્ન થાય કે શ્રેષ્ઠ શાળા કેને કહેવી? સંતાનોના એડમિશન વખતે આપણે શાળા પસંદગી વખતે મોટાભાગે દેખાદેખી કે અંગ્રેજી માધ્યમનો આગ્રહ રાખીને બાળકોને ટ્રેસ આપતા હોય છીએ. હકિકતમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ આધારિત ચાલતા સંકુલો બાળકોની વ્યથા સારી રીતે સમજી શકે છે. મા-બાપે શાળા સંકુલ, સ્ટાફ, સુવિધા સાથે આરોગ્યપ્રદ બાબતોને પણ આજના યુગમાં ધ્યાને લેવાની જરૂર છે.
શ્રેષ્ઠ શાળામાં બાળકોનો સંર્વાંગી વિકાસ, શિક્ષણ, સહઅભ્યાસિક પ્રવૃતિ, સેનીટેશન, ભૌતિક સુવિધા, શુધ્ધ પીવાના પાણી સાથે આરોગ્યપ્રદ બાબતો સાથે ફાયર સેફ્ટી, શાળા મેદાન સુવિધા હોય ત્યાં જ બાળકોને બેસાડવાની જરૂરી છે. આ બધા શ્રેષ્ઠ શાળાના ક્રાઇટેરીયા છે. મસમોટા ફી ભરતા હોય ત્યારે તમામ વસ્તું જોવી જરૂરી છે, ખાસ તો ક્વોલીફાઇડ સ્ટાફ હોવો જરૂરી છે. ગુણોત્સવમાં અ-ગ્રેડ વાળી શાળામાં આ બધી સુવિધા હોવી જરૂરી છે. શાળાનું શ્રેષ્ઠ વાતાવરણ અને વિવિધ ટેકનીકથી શિક્ષણ જ મહત્વની બાબત છે. છાત્રો વાંચન-ગણન અને લેખનમાં નિપુણતા મેળવે કે તેમાં તેને પ્રવિણ કરવો તે જવાબદારી વર્ગ શિક્ષક અને શાળા સંકુલોની છે.
બાલમંદિરથી ધો.12 સુધીની પૂર્ણ એકમની શાળાઓ આજે છે ત્યારે છાત્રોના જીવનનાં મહત્વના 10 કે 12 વર્ષ તેના સંર્વાંગી વિકાસ માટે અગત્યના હોવાથી શિક્ષક તથા શાળાની જવાબદારી વિશેષ છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણ વિષયોમાં લગભગ મોટાભાગના છાત્રો નબળા રહે છે ત્યારે વિજ્ઞાનનાં પ્રયોગો કે લેબોરેટરી, પ્રયોગ શાળા અને ગણિતના વિવિધ કોયડા ઉકેલ જેવી રમતો અને અંગ્રેજીમાં જોયફૂલ લર્નીંગ સાથે ટીચીંગ લર્નીંગ મટીરીયલ્સ (ઝકખ)નો વધુ ઉપયોગ કરતી શાળા બાળકોની છૂપી કલાઓ સાથે સંર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠ કહી શકાય છે પણ આજના યુગમાં શિક્ષણ એક વ્યવસાય તરીકે જોવાય છે ત્યારે બાળકોનો વિકાસ અંતિમક્રમે છે જે દુ:ખદ બાબત છે. આપમેળે વિકાસ કરતો છાત્ર અસાધારણ સિધ્ધી મેળવે તો શાળા જસ ખાટવા સન્માન કાર્યક્રમ યોજે છે જે એટલું જ નગ્ન સત્ય છે.
શ્રેષ્ઠ શાળા બનાવવા વિવિધ મુદ્ાઓ ધ્યાને લેવા પડે !! જેમાં શાળા સંકુલો તથા વર્ગ શિક્ષણ સાથે વાલીનું સંવાદિતપણું અને પ્રોત્સાહન સાથે ગૃહકાર્ય, સ્વાધ્યાયપોથીની નિયમિત ચકાસણી જેમાં સારા અક્ષરની શિક્ષણની પ્રેરણા બાળકની ખીલવણી કરી શકે છે. ચિત્ર, વાર્તા, પર્યાવરણ સાથે શૈક્ષણિક રમકડાથી છાત્રોના રસ-રૂચી, વલણો જાળવી રાખે તે જ શ્રેષ્ઠ શાળા કહેવાય છે. જો કે આ બાબતે છેલ્લા દશકાથી કશુ જ કામ થયું નથી.
શાળામાં પુસ્તકાલય, સ્પોર્ટ્સ સાથે ઇત્તર પ્રવૃતિનું માસિક કે વાર્ષિક આયોજન થવું જ જોઇએ. શિક્ષણને કેળવણી એટલે જ કહે છે કે જે શાળા બાળકોને કેળવી શકે તેજ શાળા સાચી કેળવણી આપી શકે છે. નાનું બાળક તમે જેમ વાળો તેમ વળી શકે તેથી શાળાઓમાં આ બાબતનાં નિષ્ણાંત કાઉન્સીલર હોવા જરૂરી છે.
આજના યુગમાં કોમ્પ્યૂટરનું મહત્વ છે ત્યારે શિક્ષણની સાથે તેને સાંકળીને બાળકને 21મી સદીના આ જરૂરી જ્ઞાનનો વિકાસ કરી શકાય છે. આજે શાળાઓ વિશાળ છે પણ બીજું બધું નહીંવત હોવાથી માત્ર ગોખણીયું જ્ઞાન છાત્ર મેળવે છે. અનુભવજન્ય શિક્ષણ લાંબુ ટકે છે. માટે છાત્રોના આ તરફ વાળવા ખૂબ જ જરૂરી છે.મારા મતે શ્રેષ્ઠ શાળાનાં માસિક આયોજનમાં ઇત્તર પ્રવૃતિને વિશેષ મહત્વ આપીને સંગીત, ચિત્ર, સ્પોર્ટ્સ સાથે બેસ્ટ ક્રિએશન કરાવવું જરૂરી છે.
બાળકોમાં ઘણી છૂપી કલાઓ પડેલી હોય છે જે શિક્ષકે અને શાળા સંકુલોએ ઉજાગર કરવાની જરૂર છે. જે શાળાનો છાત્ર મુક્ત મને પોતાની વ્યથા રજૂ કરી શકે એ શાળાનું વાતાવરણ શ્રેષ્ઠ કહેવાય છે. વર્ગખંડમાં જે પાઠ આવે તે બાબતના શૈક્ષણિક રમકડાં અવશ્ય બાળક જોવે તો જ ચિરંજીવી જ્ઞાન મેળવે છે. ગમ્મત સાથે જ્ઞાન, આનંદમય શિક્ષણ, પ્રવૃતિ સાથે જ્ઞાન આ બધી ટેકનીક શ્રેષ્ઠ શાળામાં નિયમિત થતી હોય તો જ લેખે લાગ્યું કહેવાય. વિદ્યાર્થી સાથે વિદ્યાર્થીનીના શિક્ષણ અને વિવિધ પ્રોજેક્ટો સાથે ધો.8 થી 12ના છાત્રોને એડોલેશન એજ્યુકેશન પણ આપવું જરૂરી છે.
સમુહમાં અભ્યાસ કરતાં છાત્રો આડે પાટે ન ચડી જાયને સાથે સારા-નરસાની પરિભાષા સમજે તે એટલું જ જરૂરી છે. આજના યુગની શાળઓએ ઘણી બધી રીતે બદલાવની જરૂર છે જો કે નવી શિક્ષણ નિતિ-2020 આગલા વર્ષથી લાગુ પડ્યા બાદ સરકારી દાયરામાં આવવાથી ફરજીયાત ચેઇન્જ આવી જ જવાનો છે. પ્રારંભિક બાળ સંભાળનો શિક્ષણ કાર્યક્રમ આવી જ રહ્યો છે. જેને માટે શાળાઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી પડશે.સાંભળેલ કરતાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોથી જોયેલ છાત્રોને વધુ યાદ રહેતું હોવાથી આ બાબતે શાળા સંકુલોએ શ્રેષ્ઠત્તમ બનવા અત્યારથી જ પ્રારંભ કરવો જરૂરી છે.
આવનારી પેઢીને સ્કીલબેઝ એજ્યુકેશનની જરૂર છે તો શું શાળા તેને આવી સુવિધા પુરી પાડી શકશે. અભ્યાસક્રમમાં આવેલ 100 ટકા મૂલ્યાંકન કરતાં ઇત્તર પ્રવૃતિના વિકાસ સાથે મળેલા ઓછા માર્ક કે ટકા કે પી.આર. બાળકોનો વિકાસ ક્યારેય રૂંધી ના શકે. આ બધી જ સીસ્ટમ સરકારી શાળાઓમાં છે જ પણ ત્યાં કોઇપણ ભણાવતું નથી કારણ કે તે મફ્ત ભણાવે છે. ખરેખર તો આજ શાળા શ્રેષ્ઠ છે !!
બાળકો આનંદ-કિલ્લોલ સાથે બેસીને શીખી શકે તેવા બાલમંદિર નિર્માણ કરે !!
પ્રારંભિક બાળ શિક્ષા કહો કે બુનિયાદી, પાયાનું શિક્ષણ બાળક જ્યાં આનંદ-કિલ્લોલ સાથે બેસીને જાતે ભણવા લાગે તેવા બાલ મંદિરો આજના સમયમાં નિર્માણ કરશો તો જ તે સોળે કલાએ ખીલી શકશે. બાલમંદિર કે ધો.1 થી 5માં તો ફરજીયાત બાળ માનસના અભ્યાસું શિક્ષક જ ભણાવે તેવો નિયમ હોવો જોઇએ. બાલમંદિર કે ધો.1,2,3ના વર્ગો જ એવા બનાવવા જોઇએ કે જેમાં બાળક જાતે જ ભણવા માંડે. કલરફૂલ દિવાલો સાથે ચિત્રો, પ્રાણીઓ, ગણિત, ગુજરાતી કે પર્યાવરણની સમજ સાથે સતત જોયફૂલ લર્નીંગ ટબૂકડાને મળે તેવું આયોજન કરો તો જ તે બાળક વાંચન-ગણન, લેખનમાં પાવરફૂલ બનશે.
બાળક ફક્ત ચિત્ર જોઇને પોતાની કલ્પનાશક્તિ ખીલવીને તેમાં જે જોવે છે તેને શબ્દોમાં ગોઠવીને બોલવાનો પ્રયાસ કરતા-કરતાં તે સરળતાથી મૌખિક અભિવ્યક્તિ ખીલવી શકે છે. બાળકો પોતે જ પોતાનામાં વિશિષ્ઠ અને મહાન છે અને તેની છૂપી કલાઓને પ્રોત્સાહન મળે એટલે તે ચોમેર દિશાએ ખીલવા લાગે છે. બાળકને ભણવાનો ભાર ન લાગે અને જ્ઞાન સાથે ગમ્મત અને સતત પ્રવૃત્તિમય શિક્ષણ હોવું જરૂરી છે. ટીચીંગ, લર્નીંગ મટીરીયલ્સ કે શૈક્ષણિક રમકડાની મદદથી બાળક ખૂબ જ ઝડપી શીખી શકે છે.