દેશભરમાં 31 જુલાઇ સુધીમાં ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના અમલમાં મુકી દેવા આજે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. એટલું જ નહીં રાજ્યોને પણ સુપ્રિમે ટકોર કરી હતી કે કોરોના મહામારી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી રાજ્યોમાં રાહત રસોડા ચાલુ રાખવા જોઇએ અને પ્રવાસી શ્રમિકોને અનાજનો જથ્થો પુરો પાડવો જોઇએ. પ્રવાસી શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં થઇ રહેલાં વિલંબ બદલ સુપ્રિમે કેન્દ્ર સરકારની ભારે ઝાટકણી કાઢી હતી.
આકરી ટકોર કરતાં સુપ્રિમે દર્શાવ્યુ હતું કે કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રલાય દ્વારા પ્રવાસી મજૂરોનો ડેટા તૈયાર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આટલી ઢીલ અને બેદરકારીનું વલણ જરાય માફ કરી શકાય નહીં. સરકાર ઢીલ કરી રહી છે તેનો સંકેત એવો થાય કે સરકારને મજૂરોની ચિંતા નથી.
ગયા વખતે આ મુદ્ા પર સુનાવણી થઇ ત્યારે જ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારનું ધ્યાન ખેચ્યું હતું કે પ્રવાસી મજુરોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઘણી ધીમી છે. જે વેગવાન બનાવવી જોઇએ જેથી કરીને કોરોના કાળમાં સરકારે અમલમાં મુકેલી કલ્યાણકારી યોજનાઓના લાભ મજૂરો મેળવી શકે. એ વખતે સુપ્રિમે બિનસંગઠીત સેક્ટરના મજૂરો અને પ્રવાસી શ્રમિકોની નોંધણી ઝડપી બનાવવા તાકીદ કરી હતી. સુપ્રિમે એવી પણ ટકોર કરી હતી કે હજારો કરોડની મદદ આપવામાં આવી છે એવું સરકાર કાગળ પર બતાવી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું આ લાભ ખરેખરા જરૂરીયાતમંદો સુધી પહોંચી રહ્યા છે ખરા ? મજૂરો સુધી યોજનાઓના લાભ પહોંચે છે કે નહીં એ સમગ્ર પ્રક્રિયા ઉપર સરકારે નજર રાખવી જોઇએ.