લગ્નની લાલચ દઇ માનસિક વિકલાંગ પાસે દસ્તાવેજ કરાવી કૌભાંડને વાસ્તવિક રૂપ આપવા બેન્કમાં ખાતુ ખોલાવી રૂ .૧.૨૦ કરોડ જમા કરાવી બારોબાર ઉપાડી લીધા
સગા ભત્રીજા સહિત છ સામે નોંધાતો ગુનો: ૬.૨૪ એકર જમીન હડપ કરવાનો કારસો
રાજકોટમાં જમીન કૌભાંડ આચરવા બોગસ દસ્તાવેજ સહિત વિવિધ તરકટ અજમાવવામાં આવે છે. ત્યારે માનસિક અસ્થિર બે સગા ભાઇઓની સગાઇ કરાવી દેવાની લાલચ દઇ સગા ભત્રીજાએ જમીન કૌભાંડીઓની સાથે મળી દસ્તાવેજમાં સહીઓ કરાવી બેન્કમાં ખાતા ખોલાવી સમગ્ર કૌભાંડને વાસ્તવીક રૂપ આપવા બેન્ક એકાઉન્ટમાં રૂા.૧.૨૦ કરોડ જમા કરાવી પરત ઉપાડી કૌભાંડ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા જમીન કૌભાંડીઓમાં ફફડાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી ગામે રહેતા મંજુલાબેન પરસોતમભાઇ સોરઠીયાએ પ્રવિણ અમરશી પરમાર, સંજય માધા સોરઠીયા, સુરેશ, મનોજ મચ્છા ગમારા, અનવર કાસમ સુમરા અને સંજય સંધી નામના શખ્સો સામે કરોડોની જમીનનું છળ કપટી કુલમુખ્યારનામું તૈયાર કરી કરોડોની જમીન હડપ કરવા અંગેની તાલુકા પોલીસ મકમાં ફરિયાદ નોંધાઇ છે.
મંજુલાબેન સોરઠીયાના પતિ પરસોતમભાઇ તેમજ તેમના બે પુત્ર મહેન્દ્ર તેમજ અન્ય એક પુત્ર મંદબુધ્ધીના હોવાથી તેઓની માનસિક ક્ષતિનો લાભ ઉઠાવી લગ્ન કરાવવાની લાલચ દઇ મનોજ મચ્છા ગમારાના નામે કુલમુખત્યારનામું તૈયાર કરી પ્રવિણ અમરશી પરમારના નામનો દસ્તાવેજ કરાવ્યો હતો. છળ કપટથી થયેલા દસ્તાવેજને વાસ્તવીક સ્વરૂપ આપવા માટે જમીન કૌભાંડીઓએ મહેન્દ્ર સોરઠીયાના નામનું બેન્ક એકાઉન્ટ ખોલી તેમાં રૂા.૧.૨૦ કરોડ જમા કરાવી સેલ્ફી ઉપાડી મહેન્દ્ર સોરઠીયાએ દસ્તાવેજ કરી રકમ બેન્ક એન્ટ્રીથી મેળવ્યાનું ખપાવી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. મવડી સર્વે ૩૦૭ની ૬ એકર અને ૨૪ ગુઠા ખેતીની સયુકંત પરિવારની જમીન પરસોતમભાઇને તેમના પિતાએ વીલથી માલિકી હક્ક આપ્યો હતો. તેમાં પરસોતમભાઇ સોરઠીયાના ભાઇઓએ તેમનો હક્ક અને હિસ્સો જતો કર્યાનું લખાણ હોવા છતાં જેઠ માધાભાઇના પુત્ર સંજયે પોતાના હક્ક માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો તે દાવો સંજય સોરઠીયા હારી જતા તેને પ્રવિણ અમરશી પરમાર સહિતના શખ્સો સાથે મળી માનસિક અસ્થિરતાનો લાભ ઉઠાવી કરોડોની કિંમતની જમીનના દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ મકના પી.આઇ. જે.વી.ધોળા, પી.એસ.આઇ.એન.ડી.ડામોર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.