આરોગ્ય વિભાગે જીરાના નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી: ખેડૂત-વેપારીઓની યોગ્ય તપાસની માંગ
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે હાલ શિયાળુ પાકની ધમધોકાર આવક થઈ રહી છે. જેમાં ઘઉં, ચણા, ધાણા અને જીરાનો સમાવેશ થાય છે. ત્યારે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે જીરાના પાલામાં ભેળસેળ કરાતી હોય તેવી ઘટના સામે આવી છે. આજરોજ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે જીરાના પાલામાં ભેળસેળ કરવાના ઉદ્દેશથી આશરે ૩૫ ગુણી જીરૂ લાવવામાં આવ્યું હતું જે શંકાસ્પદ જણાતા વેપારી મંડળ દ્વારા ગુણી ખોલી તપાસ કરાતા જીરૂ ભેળસેળ યુક્ત હોવાનું જાણવા મળ્યું હતું.
જીરામાં ભેળસેળ ગત ૧૦ દિવસથી કરાય રહ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. તેમજ પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલના વેપારી દ્વારા સમગ્ર કાવતરુ ઘડવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત આ પ્રકારે ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવાનો ગંભીર ગુનો આચરનાર વેપારી વિરુધ્ધ યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરાશે કે કેમ તે અંગે હાલ મોટો પ્રશ્ર્નાર્થચિન્હ જોવા મળી રહ્યો છે. હાલ આ પ્રકારની ઘટના સામે આવતા વેપારી મંડળ દ્વારા આરોગ્ય શાખાને જાણ કરાઈ હતી. જે અંતર્ગત આરોગ્ય શાખાની ટીમે યાર્ડની મુલાકાત લઈ જીરાનું સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વેપારી મંડળ દ્વારા તપાસ કરી સમગ્ર કૌભાંડ ખુલ્લું કરાયું: અતુલ કમાણી
રાજકોટ માર્કેટીંગ યાર્ડ વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત થોડા સમયથી અમને મામલામાં એકાદવાર જાણવા મળ્યું હતું કે, કોઈ વેપારી દ્વારા આ પ્રકારનું કાવતરુ રચી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે વેપારી મંડળ ગત થોડા સમયથી રેકી કરી મામલાની તપાસ કરી રહ્યું હતું. ત્યારે આજરોજ અમને જાણવા મળેલ કે, ગોંડલના વેપારી દ્વારા બેડી યાર્ડ ખાતે આ પ્રકારના કૌભાંડ આચરવાના ઉદ્દેશ્યથી આશરે ૩૫ થી ૪૦ ગુણી ભેળસેળ યુક્ત જીરૂ લાવવામાં આવ્યું છે. જેની યોગ્ય તપાસ કરી જીરાના પાલામાં ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન આશરે ૩૫ ગુણી ભેળસેળ યુક્ત જીરૂ મળી આવ્યું હતું. જે બાદ વેપારી મંડળ દ્વારા ત્વરીત ધોરણે આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક યાર્ડ ખાતે દોડી આવી હતી અને જીરાના સેમ્પલ લીધા હતા. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ગોંડલના વેપારી અને યાર્ડના અમુક ગણતરીના લોકો દ્વારા આ પ્રકારનું કૌભાંડ આચરી ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યાં છે જેના વિરુધ્ધમાં તાત્કાલીક ધોરણે કાર્યવાહી થવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, યાર્ડ ખાતે જે માલ લાવવામાં આવે છે તેનું ચેકિંગ થવું જરૂરી છે. જો કોઈ અઘટીત ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ ? તે મોટો સવાલ છે. પરંતુ હાલ વેપારી મંડળ દ્વારા જાગૃતતા દાખવી સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને જો તેમાં કોઈપણ યાર્ડના વેપારીની શંકાસ્પદ ભૂમિકા જણાશે તો લાયસન્સ જપ્તી સુધીના પગલા લેવામાં આવે તેવા પ્રયત્નો કરાશે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા પાછળ જવાબદાર કોણ?: ખેડૂત
મામલામાં ખેડૂતોએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે દરરોજ ખેત પેદાશોના વેંચાણ અર્થે માર્કેટીંગ યાર્ડ ખાતે આવતા હોઈએ છીએ ત્યારે અમારી ઉપજમાં જરા પણ ગુણવત્તાની ખામી જણાય તો યાર્ડ દ્વારા માલ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવે છે. ત્યારે આટલો મોટો ભેળસેળ યુક્ત જથ્થો યાર્ડ ખાતે આવ્યો કઈ રીતે તે એક સળગતો સવાલ છે. ઉપરાંત આ પ્રકારે ભેળસેળ કરી મધ્યમવર્ગીય જનતા સાથે ક્યાંક મશ્કરી થતી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારનો માલ અંતે મધ્યમવર્ગીય જનતા પાસે જ જનાર છે અને જ્યારે તેઓ આવા પદાર્થનું સેવન કરશે ત્યારે તેમના આરોગ્ય સ્થિતિ શું થશે તે સૌ જાણે છે. ત્યારે ખેડૂતોનો ફકત એક જ સવાલ છે કે આ પ્રકારના કાવતરા ઘડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા પાછળ જવાબદાર કોણ છે ? તેમજ યાર્ડના સત્તાધીશો દ્વારા દોષિતોને શિક્ષા અપાશે કે કેમ ? એ પણ એક મુખ્ય સવાલ છે.