સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું સમાપન: બે રાજ્યની સંસ્કૃતિઓ સોળે કળાએ ખીલી ઉઠી

ગુજરાત રાજ્યના સ્ટેટ ગેસ્ટ બનેલા નાગાલેન્ડના રાજ્યપાલ લા.ગણેશનનું વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પ્રોટોકોલ અધિકારી એન.એફ.વસાવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ લા. ગણેશન સર્કિટ હાઉસથી કોન્વોય દ્વારા સીધા જ વિશ્ર્વની સૌથી ઊંચી 182 મીટરની વિરાટ પ્રતિમાને વંદન કરી સરદાર સાહેબની મૂર્તિના દર્શન કર્યા હતા. યાદગીરી રૂપે તસવીરો પણ લીધી હતી. સાથે સાથે માં નર્મદાના દર્શન, સાતપૂડા અને વિંધ્યાચળ ગિરીમાળાના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નિહાળી ભાવવિભોર બન્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખાસ ગાઈડ દ્વારા અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં ઐતિહાસિક ઘટના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યોની માહિતીથી મહામહિમશ્રી રાજ્યપાલને અવગત કર્યા હતા. ભારતમાં તાજમહેલ અને સરદાર સાહેબની મૂર્તિ એ એક અજાયબી છે તેમ જણાવ્યું હતું અને લાખોની સંખ્યામાં અહીં દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા ખાતે મુલાકાત લે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનું આ એક અદભુત સ્થળ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના અહીં દર્શન થાય છે. વિવિધતામાં એકતાના દર્શન અહીં જોવા મળે છે. પૂજ્ય સરદાર સાહેબની ફોટો ગેલેરી, પ્રદર્શન કક્ષ, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા ઐતિહાસિક ઘટનાઓનું આબેહૂબ વર્ણન અને દેશની એકતા અખંડિતતામાં આપેલું યોગદાન પ્રસ્તુત કરવામાં આવે છે. એટલું જ નહીં વ્યૂઈંગ ગેલેરી દ્વારા સરદાર સરોવર ડેમના દર્શન અને નર્મદા મૈયાના દર્શન, પ્રાકૃતિક નજારો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે. રાજ્યપાલએ પણ આ પ્રત્યેક બાબતોને બારીકાઈથી નજરે નિહાળી ખૂબ પ્રશંસા કરી હતી. સ્ટેચ્યૂ નિર્માણ અને દ્રષ્ટિવંત વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખૂબજ પ્રશંસા કરી હતી. સાથે માન. રાજ્યપાલએ કામરુન (આફ્રિકા)ના પ્રવાસીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

વિદેશી પ્રવાસીઓએ રાજ્યપાલ સાથે યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી. તમિલનાડુના કેટલાક પ્રવાસીઓ સરદાર સાહેબની ગેલેરીમાં અચાનક તમિલનાડુનાં પ્રવાસીઓ ઓળખાઈ જતાં મલકના માનવી મળ્યા ત્યારે હરખની ખુશી બેવડાઈ ગઈ હતી અને તેમની સાથે પણ તસવીરી ઝલક લીધી હતી અને પ્રવાસીઓ પણ પોતાના કેમેરામાં તસવીરો ખેંચાવી પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળી બહાર આવ્યા પછી રાજ્યપાલે સરદાર સાહેબના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી. વિઝીટ બુકમાં અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના કાર્યોને બિરદાવ્યા હતા અને ભાવિ પેઢી તેમાંથી પ્રેરણા લે તેના માટે શૈક્ષણિક ટૂર ગોઠવીને વધુ લોકોને અવગત કરાવે, પ્રવાસીઓ તેમજ દેશના લોકો સરદાર સાહેબના એકતા અખંડિતતાના સંદેશાને જીવનમાં ઉતારે અને તેમાંથી પ્રેરણા લે તે જોવા હિમાયત કરી હતી.

છેલ્લે એક ભારત શ્રેષ્ઠ ભારતની નિશાની દર્શાવતી વોલ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમની સાથે તેમના ભાઈશ્રી એલ. ગોપાલન અને શ્રી સત્યનારાયણ દવે સહભાગી થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાજ્યપાલ લા. ગણેશનને નાયબ કલેક્ટર(એસઓયુ) મયુર શુક્લા દ્વારા સરદાર સાહેબની પ્રતિમા તથા રાજપીપલાના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીએ કોફી ટેબલ બુક ભેટ આપી હતી.

પૂર્વજોની ભૂમિ પર આવવાનો અવસર અમને ક્યારે મળે: સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો ભાવવિભોર

મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ઋષિકેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયાએ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે તમિલ પરિવારોના કર્યા વધામણા

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાથી યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યકમ અન્વયે મદુરાઈથી 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પગ મુકતા જ ઝૂમી ઉઠ્યા હતાં. સોમનાથની ધરતી પર આવી પહોંચેલા તમિલ પરિવારોને  કેન્દ્રીય જલ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર રાજ્ય મહારાજા બાબાજી રાજા ભોંસલેએ હરખે વધાવ્યા હતા.

રેલવે સ્ટેશન ખાતે પહોંચી મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારો સૌરાષ્ટ્રના પરંપરાગત સંગીત પર દાંડિયા તથા તાલીઓના તાલે ગરબે રમ્યા હતા. હરખઘેલા થઈ સેલમથી આવેલા ગોપી બી જણાવે છે કે, આ ધરા અમારા પૂર્વજોની ધરા છે. અમને આમ તો આ ભૂમિ પર આવવાનો અવસર ક્યારે મળે ? પણ આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી અમે આ પાવન ભૂમિના દર્શન કરી શક્યા. તમિલથી આવેલા જે.પી.મૂર્તિ જણાવે છે કે, ગુજરાતમાં અમે ખૂબ આનંદ કરી રહ્યા છીએ. ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ અમારૂં સ્થળે સ્થળે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે.

અમે નસીબદાર છીએ કે આ ક્ષણના સાક્ષી બની શક્યા.આ મોંઘેરા મહેમાનોને આવકારવા માટે રેલવે સ્ટેશન ખાતે મંત્રીઓ સાથે તાલાલા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, સોમનાથ વેરાવળ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા,  જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણીયા, પ્રાંત અધિકારી બાંટી, રાજકીય અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયા, જિલ્લા પદાધિકારી/અધિકારીઓ, અગ્રણીઓ તથા વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દ્વારકામાં તમિલ બંધુઓ મનમૂકીને ઝૂમ્યા

Screenshot 7 14

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું કીર્તિ સ્તંભ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યાં તેમના પર પુષ્પવર્ષા કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે સંગઠન અગ્રણીઓ  રમેશભાઈ હેરમા,  રાજુભાઈ બથીયા,ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણઝારિયા, ભાવનાબેન પરમાર, મુકેશભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા સહિતના દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રૂકમણી માતાના ચરણોમાં  શીશ ઝુકાવતાં તમિલ બાંધવો

Screenshot 8 11

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે દ્વારકા પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ યાત્રાના સાતમા દિવસે દ્વારકામાં આવેલા રૂકમણી મંદિરે દર્શન કર્યા હતા.જ્યાં તેમણે રુકમણી માતા, ભગવાન કૃષ્ણ અને ઋષિ દૂર્વાશા સાથે જોડાયેલી  પૌરાણિક કથા સાંભળીને ધન્યતા અનુભવી હતી. તેમજ  તમિલ બાંધવોએ મંદિરનો જળપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમની સાક્ષી બનતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલે

Screenshot 10 8

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેએ નિહાળ્યો હતો. સૌરાષ્ટ્ર અને તમિલના લોકનૃત્યો, લોકગીત, લોકસંગીત અને પરંપરાગત પહેરવેશ સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમો થકી સ્ટેજ પર જાણે સૌરાષ્ટ્ર અને તમિલ એમ બન્ને સાંસ્કૃતિઓનું મિલન થયું હતું. જેના મંત્રી અને તંજાવુર મહારાજા સાક્ષી બન્યા હતા.

“નાગેશ્વર” જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો

Screenshot 9 8

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે દ્વારકા ખાતે પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ દારુકાવન ખાતે સ્થિત  સ્વયંભુ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તમામ સૌરાષ્ટ્રીયન તમિલોએ મંદિરમાં વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કર્યું હતું. અત્રે ભગવાન શિવની વિશાળ પ્રતિમાના દર્શન કરી સૌરાષ્ટ્રીયન તમિલો ભાવવિભોર થઈ ગયા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્ર્વર એમ બે સ્વયંભુ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું અનેરું સૌભાગ્ય પ્રાપ્ત થતા તમિલ બાંધવોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.