ડી.જે., ચીયર લીડર્સની જામશે જમાવટ: ખંઢેરી મેદાન પર સર્જાશે આઈપીએલ જેવો માહોલ
૧૪ મે થી રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યું છે. જે અંતર્ગત ટૂર્નામેન્ટ પહેલા ભવ્ય લોન્ચીંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એસપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ડી.જે, ચીયર લીડર્સ સહિતની અનેકવિધ ચીજોથી મેદાન જમાવટ લેશે અને આઈપીએલ જેવો માહોલ પણ ખંઢેરી સ્ટેડિયમ ખાતે જોવા મળશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના અધ્યક્ષ નિરંજનભાઈ શાહે લોન્ચીંગ સેરેમની દરમિયાન જણાવ્યું હતું કે, કર્ણાટક, તામિલનાડુ, મુંબઈ બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન દ્વારા ડી.જે.ની ધૂન અને ચીયલ લીડર્સની જમાવટ વચ્ચે એસપીએલનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી ૧૪ મે થી ૨૨ મે સુધી યોજાશે. આ આઈપીએલમાં પાંચ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સાથે જોડાયેલા ૧૦૦ ખેલાડીઓને એક વિશેષ નામ ધરાવતી પાંચ ટીમોની ફેન્ચાઈઝીમાં સામેલ કરવામાં આવ્યા છે. ૧૭ ખેલાડીઓવાળી પાંચ ટીમો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા સહિતના પાંચ ઉદ્યોગપતિઓએ ટીમની ખરીદી કરી છે.
પહેલી વખત સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં ટીમો ખરીદવા જુદી જુદી કંપનીઓએ રસ દાખવ્યો હતો પરંતુ પહેલી સીઝનમાં પાંચ ટીમો સામેલ કરાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના પાંચ ઉદ્યોગપતિએ ટીમો ખરીદી છે. જેમાં હાલાર હિરોઝ ટીમના ફેન્ચાઈઝી ઓનલ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની ટેકમેટ એન્જીનીયરીંગ સોલ્યુશને ખરીદી છે. જયારે ગોહિલવાડ ગલેડીયેટર્સ રાજકોટની ડી.જી.નાકરાણી પેઢીના દિપકભાઈ નાકરાણીએ ખરીદી છે. એવી જ રીતે સોરઠ લાયન્સ ટીમ જયુપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટના નરેશ જૈન અને ઝાલાવડ રોયલ્સ ટીમ જીએસએચ સ્પોર્ટસ ગ્લોબલના ગુરપ્રિતસિંગ અને કહી શકાય કે કચ્છ વોરીયર્સની ટીમ આદિપુરના નિલકંઠ કોનકાસ્ટના નકુલ અયાચીએ ખરીદી છે.
એસપીએલ ૨૦૧૯ની ધમાકેદાર લોન્ચીંગ સમારોહમાં સૌરાષ્ટ્રના નામાંકીત મહાનુભાવોની વચ્ચે પાંચ ટીમના માલીકોને ટીમ જર્સી આપવામાં આવી હતી. આ તકે નિરંજનભાઈ શાહે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઘણુ બધુ ટેલેન્ટ છે અને આ લીગ દ્વારા ક્રિકેટરોને ખુબજ મોટુ પ્લેટફોર્મ મળશે.
જીવન એ એક રમત છે, રમત એ એક જીવન છે: પૂર્વ ક્રિકેટ અજય જાડેજા
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ‘અબતક’ સાથે એક વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં ખૂબજ ઐતિહાસિક છે. આ આયોજનથી સૌરાષ્ટ્ર-કચ્છના ખેલાડીઓની પ્રતિભા પણ બહાર આવશે અને મીડિયા દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગને લઈ જે લોકોમાં સંદેશો આપવામાં આવી રહ્યો છે તે જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે, એસપીએલ ૨૦૧૯ વધુને વધુ સફળ બનશે અને આવતા વર્ષે પાંચ ટીમોની બદલે ટીમોમાં વધારો પણ જોવા મળશે. ખંઢેરી સ્ટેડિયમ ખાતે જયારે આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ખેલાડીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે અને એક જ આશા છે કે, આ તમામ ફેન્ચાઈઝીમાં ખેલનારા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે અને ટીમને ઉચ્ચ શિખર સુધી પહોંચાડે ત્યારે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, જીવન એ એક રમત છે અને રમત એ એક જીવન છે.