જૂનો ગઢ એટલે આજનું જૂનાગઢ મહાનગર ઐતિહાસિક ધરોહરોમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ જૂનાગઢમાં સદીઓ વીતી ગયા બાદ પણ અમુક ઐતિહાસિક અને પૌરાણિક બાંધકામો આજે  પણ અડીખમ ઉભા છેે. આ પૌરાણિક ધરોહરમાંનો એક સરદાર પટેલ દરવાજો અનેક ઇતિહાસને જીવંત રાખવાની ગરજ સારે છે.

જૂનાગઢના નવાબને નવનો આંકડો ખૂબ જ પસંદ હતો, અને આ આંકને તેઓ લક્કી માનતા હતા, ત્યારે તેમણે અનેક બાબતો સાથે 9 આંકને જોડાયા હતા. અને કદાચ તે કારણે જ શહેરના એ વખતે 9 દરવાજાની વચ્ચે આવેલું જૂનાગઢ શહેર હતું. આ દરવાજાઓ નવાબી શાસન કાળ દરમ્યાન બનાવવામાં આવેલા હતા અને જેમાંના અમુક દરવાજા હજુ સુધી પણ અડીખમ ઉભા છે. ત્યારે તેમાંનો એક એવો જૂનાગઢની મધ્યમાં આવેલ એ વખતનો રો અને હાલમાં સરદાર પટેલના નામથી ઓળખવામાં આવતો દરવાજો એક  રસપ્રદ ઇતિહાસ ધરાવે છે.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ સરદાર પટેલ દરવાજો આજથી વર્ષો પહેલા એક અંગ્રેજ અફસરરોના નામથી ઓળખાતો હતો. જેથી તે ઐતિહાસિક ધરોહરોમાંનો ઉત્તમ કલાત્મક દરવાજો ગણી શકાય. આ સરદાર પટેલ દરવાજો રેલ્વે સ્ટેશનની સામે આવેલ છે. જેની લંબાઈ 220 ફૂટ અને ઊંચાઈ 100 ફૂટ જેટલી છે. જે આશરે ઇ.સ. 1888માં  બનાવવામાં આવેલ આ દરવાજો છે.નવાબ બહાદુરખાનજી ત્રીજાના સમયમાં આ દરવાજો રે ગેટના નામથી જાણીતો હતો. જે આઝાદી બાદ સરદાર પટેલ દરવાજા નામથી ઓળખાતો થયો છે.

મુંબઈના ગવર્નર લોર્ડ રે જૂનાગઢ આવ્યા ત્યારે તેમના હસ્તે આ ગેટ ની પૂજા વિધિ કરવામાં આવી હતી તેથી અગાઉ આ ગેટનું નામ રો ગેટ રાખવામાં આવ્યું હતું. આ ગેટ નવાબ બહાદુર ખાન ત્રીજાએ 1 લાખ 18 હાજર 682 કોરી અને સવા 9 આનાનો ખર્ચ કરી બનાવ્યો હતો. બાદમાં ઇસ. 1903માં નવાબ રસુલખાન એ અંદાજિત 30 હજાર 7 કોરી અને 12 આનાનો ખર્ચ કરી રીનોવેશન કરાવ્યું હતું.

ત્યારબાદ અંદાજીત 118 વર્ષ બાદ જૂનાગઢ મનપા દ્વારા ફરીથી આ ગેટનું રીનોવેશન રૂ.3.30 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ દરવાજો રાત્રિના સમયે લાઈટોથી ઝગમગી ઊઠે છે અને દરવાજાની ટોચ ઉપર મુકવામાં આવેલ ઘડિયાળ વટેમાર્ગુ અને સાચો સમય દર્શાવે છે. જૂનાગઢની મધ્યમાં આવેલ સરદાર પટેલ દરવાજો અર્ધચંદ્રાકાર દરવાજો છે જે જૂનાગઢનો એકમાત્ર દરવાજો હતો તેવું પણ માનવામાં આવે છે.

દરવાજાની તૂટેલી બારીઓનું કામ કરવા લોકમાંગ

આ દરવાજાના રીનોવેશન માટે કરોડો રૂપિયા ખર્ચયા બાદ કોઇ આવારા કે માથા ફરેલા શખ્સો દ્વારા દરવાજાની શોભામાં વધારો કરતી કાચની બારીને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. જેના કારણે ક્યાંકને ક્યાંક ચંદ્ર ઉપર ગ્રહણ લાગ્યું હોય તેવો આ દરવાજો હાલમાં ભાસી રહ્યો છે.

જે અંગે ‘અબતક’ દૈનિકમાં અગાઉ સમાચારો પ્રસિદ્ધ થયા હતા અને બીજા દિવસે જ રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, જૂનાગઢ મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારી પદાધિકારીઓએ આ ગેટની મુલાકાત લીધી હતી. પરંતુ હજુ સુધી આ દરવાજાની તૂટેલી બારીઓ રિપેર કરવામાં આવી નથી. ત્યારે તંત્ર દ્વારા આ દરવાજાની તૂટેલી બારીઓનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.