લોકડાઉનમાં પરિવાર સાથે વિવિધ રીતે પ્રવૃતિમય રહેતા શિક્ષણ શ્રેષ્ઠીઓ
સમગ્ર વિશ્ર્વમાં જે રીતે કોરોનાનો કહેર સાર્વત્રીક વ્યાપી ઉઠ્યો છે. ત્યારે લોકો સંપૂર્ણપણે લોકડાઉનની સ્થિતિમાં જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન અનેકવિધ લોકોને સમય પસાર કરવો અત્યંત મુશ્કેલ બની જતો હોય છે. જ્યારે ઘણા ખરા લોકોને લોકડાનનો સમય ખુબજ સારી રીતે વિતાવવાનો મોકો પણ મળે છે. આ તકે ‘અબતક’ મીડિયા હાઉસ આ અંગેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં લોકોનું માનવું છે કે, લોકડાઉને પરિવાર સાથે રહેવા માટેની તક આપી છે. જેને લોકોએ ખરા અર્થમાં તેનો લાભ લેવો જોઈએ. ‘અબતક’ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રયાસમાં ઘણા ખરા શિક્ષણ વિદો જોડાયા હતા અને તેઓએ તેમના લોકડાઉન દરમિયાન કરવામાં આવતી પ્રવૃતિઓને વર્ણવી હતી અને આનંદ પણ વ્યકત કર્યો હતો. લોકડાઉન સમયમાં લોકોને ઘરમાં દિવસ પસાર કરવો અત્યંત કપરો બનતો હોય છે પરંતુ શિક્ષણ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓ દ્વારા જે રીતે કાર્યો કરવામાં આવી રહ્યા છે તેનાથી પરિવાર અને વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ નજરે પડે છે.
લોકડાઉન શારીરિક છે, માનસિક નહીં: ડી.વી. મહેતા
જીનીયસ ગ્રુપના સંસ્થાપક ડી.વી. મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં માહિત આપતા જણાવ્યું કે, હાલ જે કોરોનાને લઈ દેશમાં જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે તે શારીરિક છે પરંતુ લોકો માનસિક રીતે કામ પણ કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ તકે ડી.વી. મહેતાએ જણાવ્યું કે, તેઓ ઘણી ખરી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ત્યારે લોકડાઉનમાં તેઓને પુરતો સમય મળ્યો છે જેથી તેઓ તેમના પડતર કામોને પૂર્ણ કરી શકે છે. આ તકે વધુમાં ડી.વી.મહેતાએ માહિતી આપતા જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન તેઓ તેમના સહકુટુંબ એટલે કે, પરિવાર સાથે ખુબ સારો સમય વિતાવી રહ્યાં છે. તેઓએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, કોરોનાના કારણે લોકડાઉન થતાં લોકોને પરિવાર સાથે રહેતા અને જીવતા શિખવાડ્યું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકોએ લોકડાઉનને નકારાત્મક વલણથી નહીં પરંતુ હકારાત્મક રીતે પ્રોત્સાહન આપવું જોઈએ અને જે પણ દિશા-નિર્દેશ કરવામાં આવે તેનું પાલન પણ કરવું જોઈએ. આ તકે તેઓ તેમના પરિવાર સાથે કેરમ રમત રમતા પણ નજરે પડ્યા હતા.
જાત સાથે જીવવાની અમૂલ્ય તક મળી છે: અલ્પનાબેન ત્રિવેદી
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના અલ્પનાબેન ત્રિવેદી ઘણી ખરી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ત્યારે તમામ સંસ્થાઓમાં પડતર કામગીરીને પૂર્ણ કરવા માટેનો જે મોકો મળ્યો છે તેને તેઓ ગંભીરતાથી લઈ તેને પૂર્ણ કરી રહ્યાં છે. આ પ્રસંગે અલ્પનાબેને માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે યુવાન અવસ્થામાં હતા ત્યારે તેઓ ઘણી ખરી પ્રવૃતિઓ કરતા હતા. તે હાલના સમયમાં શક્ય બની છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, તે તેમની ભત્રીજી સાથે પણ ઈન્ડોર ગેમ પણ રમે છે. હેલીબેનના જણાવ્યા અનુસાર આ લોકડાઉનમાં લોકો પોતાની જાત સાથે જીવવાની એક ઉજળી તક મળેલી છે. જેને તેઓ ખુબજ સારી રીતે નિભાવી રહ્યાં છે. અંતમાં તેમના જણાવ્યા મુજબ તેમનું સૌથી વધુ રસનો વિષય જે છે તે વાંચનનો છે. ત્યારે હાલ તેઓ શ્રી શારદાદેવીની પુસ્તકો વાંચી પોતાનો સમય વિતાવી રહ્યાં છે. તેમનું માનવું છે કે, એક મહિનામાં એક દિવસ તો એવો હોવો જોઈએ કે જેમાં લોકો પોતાની જાત સાથે અને પરિવાર સાથે તેમનો સમય વિતાવે. કારણ કે, હાલની ભાગદોડ ભરી જીંદગીમાં લોકોને પોતાની જાત સાથે અથવા તો તેમના પરિવાર સાથે સમય વિતાવવો ખુબજ મુશ્કેલ બને છે.
પત્ની સાથે રસોઇમાં હાથ અજમાવતા ડી.કે. વાડોદરિયા
પંચશીલ સ્કૂલમા સંસ્થાપક ડો.ડી.કે.વાડોદરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખરા અર્થમાં આ લોકડાઉનનો સમય એ લોકો માટે અત્યંત ઉપયોગી સાબીત થયો છે કે જે મુખ્યત્વે કોઈ કામ સાથે જોડાયેલા હોય. ડી.કે.વાડોદરીયાના જણાવ્યા મુજબ હાલ તે તેમના પરિવાર સાથે ક્વોલીટી સમય પસાર કરવાનો મોકો મળ્યો છે. જેમાં તેઓ ઘરની સાફસફાઈ, ઘરમાં ગાર્ડનીંગની કામગીરી, જમવા માટે રસોઈમાં પણ તેઓ હાથ અજમાવી રહ્યાં હોવાનું તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ માહિતી આપતા કહેલું કે, આ લોકડાઉન દરમિયાન ઘણી ખરી વાનગીઓ બનાવતા પણ શિખી ગયા છે અને રોજબરોજની જીંદગીમાં જે વાંચન માટેનો પુરતો સમય મળતો ન હતો તે પણ હવે મળવા પાત્ર થયો છે. તેમના જણાવ્યા મુજબ લોકડાઉન પછી હાલની જે દિનચર્યા તેઓ અપનાવી છે તેને પણ મહદઅંશે ચાલુ રાખશે અને પોતાને મનગમતી કામગીરી પણ કરશે. અંતમાં તેઓ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ લોકો લોકડાઉનને સફળતાપૂર્વક પાળવું જોઈએ તેનું કારણ એ છે કે, જો લોકડાઉનને ખરા અર્થમાં પાળવામાં આવશે તો ઘણી ખરી રીતે જે તકલીફનો સામનો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમાંથી તેઓને છૂટકારો પણ મળશે.
લોકડાઉને ઘરનું કામ કરતા શિખવાડયું: સુનિલ શર્મા
એજ્યુનોવા સંસ્થાના સંસ્થાપક સુનિલ શર્માએ ‘અબતક’ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ લોકડાઉને તેમને ઘરનું કામ કરતા શિખવાડી દીધું છે. લોકો ખરા અર્થમાં આ લોકડાઉનને સમજી જ નથી શક્યા. તેમના જણાવ્યા મુજબ તેમના હાલ જે લોકડાઉન થવા પામ્યું છે. તેમાં ક્યાંકને ક્યાંક કુદરતનો સંકેત છે કે, જે રીતે લોકો કુદરત સાથે છેડછાડ કરતા નજરે પડ્યા હતા તે હવે થઈ શકતું નથી અને ખરા અર્થમાં કુદરતનો વાસ અને વિસરાયેલા પક્ષીનો કલરવ સાંભળવા મળી ર્હયો છે. તેમના જણાવ્યા મુજબ રાબેતા મુજબની જીંદગીમાં લોકો ઘરનું ખાવા સહેજ પણ ટેવાયેલા નથી જેથી તેઓ અઠવાડિયામાં બે થી ત્રણ વખત બહાર ખાવાથી પ્રેરીત થતા હોય છે પરંતુ લોકડાઉનથી લોકો તેમનું સ્વાસ્થ્ય જાણે સુધાર્યું હોય તેવું લાગે છે. કારણ કે તેમને તેમના ઘરનું સાત્વીક ભોજન જ આરોગવું પડે છે. આ તકે સુનિલ શર્માએ અંતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તે આ સમયમાં ઘરનું કામ ખૂબજ સરળતાથી કરી શકવા સક્ષમ બન્યા છે. આ પૂર્વે લોકડાઉનમાં પ્રથમ ત્રણ દિવસમાં થોડુ કપરુ લાગયું હતું પરંતુ જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ તેમ તેઓ ઘરનું કામ ખુબજ સરળતાથી કરી રહ્યાં છે અને તેઓ રસોઈમાં પણ હાથ અજમાવી રહ્યાં છે. તેમનું માનવું છે કે, આ સમયગાળા પહેલા તેઓ ઘર માટે સહેજ પણ સમય કાઢી શકતા ન હતા પરંતુ તે હવે શકય બન્યું છે.
વર્ક ફ્રોમ હોમથી પડતર કામોનો નિકાલ કરવો શક્ય બન્યો: નરેન્દ્ર સીનોજીયા
અર્પિત કોલેજના સંસ્થાપક નરેન્દ્રભાઈ સીનોજીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉનનો સમય ખરા અર્થમાં ખુબજ સારો સમય છે. આ સમયગાળા દરમિયાન જે પ્રવૃતિઓ રાબેતા મુજબ કરવામાં આવતી ન હોય તે ખુબ સરળતાથી કરી શકાય છે. લોકડાઉન પૂર્વે સવારની જે દિનચર્યા હતી તેમાં પણ અનેકગણો ફેરફાર થયો છે. આ તકે તેમના જણાવ્યા મુજબ લોકડાઉન થતાં તમામ ધંધા-રોજગારો થંભી ગયા છે. જેથી પડતર કામો માટે વર્ક ફ્રોમ હોમ ટેકનીક જે અપનાવવામાં આવી છે તે અત્યંત કારગત નિવડી છે. ઘરે રહેતાની સાથે જ પરિવાર સાથે સમય પણ વિતાવવામાં આવે છે. પડતર કામોનો પણ નિકાલ કરાય છે અને બાળકો સાથે રમુજ પણ કરવામાં આવે છે. જેથી આ લોકડાઉનનો સમય મળ્યો છે તે આશિર્વાદરૂપ સાબીત થયો હોય તેવું લાગે છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રામાયણ અને મહાભારત સીરીયલ જે પ્રસારીત કરવામાં આવી છે તેનાથી માનસીક શાંતિનો અનુભવ પણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લોકડાઉન પાળવાની સુચનો આપવામાં આવ્યા છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. અંતમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, સોસાયટીમાં વસતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા માટે પ્રેરીત કર્યા છે. તેઓએ લોકોને અપીલ કરી છે આ સમયગાળા દરમિયાન તેઓ મહત્તમ સમય તેમના પરિવાર સાથે વિતાવે તો તેઓને જીવન જીવવાની એક અલગ જ મજા આવશે.
ઘરેથી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ દ્વારા ધર્મ નિભાવવાની મજા કંઇક ઔર છે: વિવેક સિંહાર
સિંહાર ગ્રુપના વિવેક સિંહારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ લોકડાઉન તેમના માટે તો આશિર્વાદરૂપ સાબીત થયું છે. કારણ કે લોકડાઉનના પ્રશ્ર્ને સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓ, ધંધા રોજગારો બંધ થઈ ગયા હોવાથી તેઓને એક વિચારના પગલે ઝુમ એપ્લીકેશન મારફતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં સવારથી સાંજ સુધીનો સમય ખૂબજ સરળતાથી પસાર થઈ જાય છે. લોકડાઉનથી જે સંસ્થાઓ તેઓ સંભાળી રહ્યાં છે. તેમાં તેઓ યોગ્ય સમય આપવામાં અસમર્થ રહેતા આ સમયગાળા દરમિયાન તમામ સંસ્થાઓ પર તેઓ પુર્ણત: ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ ઓનલાઈન શિક્ષણ આપવાની સાથો સાથ તેઓ પ્રધ્યાપકો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે અને તેમનામાં રહેલી પ્રતિભાને પણ ઓળખે છે. આ તકે તેઓએ અંતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વેની દિનચર્યાની સરખામણીમાં હાલની દિનચર્યા અત્યંત ફાયદારૂપ બની છે અને વર્ષો પહેલા તેમના દ્વારા લેવામાં આવેલા ટ્રેડ મીલનો તેઓ પૂર્ણત: ઉપયોગ કરી રહ્યાં છે અને તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વે તેમના માતા-પિતા દ્વારા સમયાંતરે તેને ફોન કરી જમવા માટેના ફોન વારંવાર આવતા હતા જે હવે નથી આવતા.
વર્ષો પછી પરિવારને લાંબો સમય આપતા પરિવાર ખુશખુશાલ: જયદીપ ગઢિયા
શૈક્ષણિક કલાસીસ સાથે સંકળાયેલા જયદીપભાઈ ગઢીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન આવતાની સાથે જ જ્યારે તેઓ મહત્તમ સમય પરિવાર સાથે વિતાવી રહ્યાં છે ત્યારે પરિવારને પણ અત્યંત અચરજ લાગે છે. તેમના જણાવ્યા મુજબ આ સમયગાળામાં સમય પસાર કરવો ખુબજ મુશ્કેલ બનતો હોય છે પરંતુ પરિવાર સાથે જ્યારે સમય વિતાવવામાં આવે છે તો સમય ક્યાં ચાલ્યો જાય છે તે પણ ખ્યાલ આવતો નથી. તેમના જણાવ્યા મુજબ તેમના પરિવારની ફરિયાદ હતી કે, તેઓ પુરતો સમય પરિવારને આપી શકતા નથી પરંતુ આ સમયગાળામાં તેઓ પરિવારને સમય પણ આપી રહ્યાં છે સાથો સાથ પરિવારને કામમાં પણ સહાયરૂપ બને છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો લોકડાઉન લોકોએ સ્વયંભૂ રીતે મહિનામાં એક થી બે વાર પાડવો જોઈએ જેથી પારિવારીક જે પ્રશ્ર્નો ઉદ્ભવીત થતાં હોય તે ન થાય અને હર્ષોલ્લાસથી પરિવાર પોતાનો સમય અને જીવન પણ પસાર કરી શકે.