હજારો લોકોને પુરના પાણીમાં ખેંચી જનારી ગોઝારી દુર્ઘટના માટે ડેમની ખામીયુક્ત ડિઝાઇન જવાબદાર હોવાનો પુસ્તકમાં ધડાકો
૧૧ ઓગષ્ટ ૧૯૭૯નો દિવસ મોરબી માટે કાળા દિવસ સમાન છે,૩૮ વર્ષ પૂર્વે આજના દિવસે બપોરે મચ્છુડેમ તૂટતાં હજ્જારો લોકોના મોત નિપજ્યા હતા.જોગનું જોગ વર્ષો પછી આજે તારીખ,તિથિ,નક્ષત્ર,રાશિ,યોગ,કરણ હોનારતના દિવસ જેવાજ છે ફક્ત વાર નો જ ફર્ક છે.મચ્છુ હોનારતના દિવસે શનિવાર હતો અને આજે શુક્રવાર છે.દરમિયાન મચ્છુ હોનારતના આટલા વર્ષો બાદ બે વિદ્યાર્થીઓ દ્વારા સંશોધનો બાદ લખાયેલા પુસ્તકમાં આ હોનારત ડેમના ઇજનેરોની ગણતરીની ભૂલને કારણે સર્જાઈ હોવાનો ઘટસ્ફોટ કરાયો છે.
મોરબી મચ્છુ જળ હોનારતની આજે ૩૮મી વરસીએ જોગનું જોગ તિથિ,તારીખ,નક્ષત્ર સહિતના સઁયોગો એક થયા છે ૧૯૭૯માં શ્રાવણ માસની અંધારી ચોથ એટલે કે બોળચોથના દિવસે શનિવારે આ ઘટના ઘટી હતી, આજના અને તે દિવસના જ્યોતિષશાસ્ત્રની ગણત્રીએ જોઈએ તો શ્રાવણ માસ,કૃષ્ણપક્ષ,ચતુર્થી એટલેકે બોળચોથ,નક્ષત્ર ઉતરભાદ્રપદ,યોગ સુકર્મા,કરણ ભાવ અને બાલવ,તેમજ ચંદ્રરાશિ મીન અને સૂર્યરાશી કર્ક ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ અને આજે ૧૧ ઓગષ્ટ ૨૦૧૭ના દિવસે ફક્ત વાર સિવાયની તમામ ચીજોમાં સામ્યતા છે.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે ગુજરાતમાં દસ દિવસના એકધારા વરસાદ પછી, ચાર કિલોમીટર લાંબો મચ્છુ બંધ-૨ના માટીના પાળા તૂટી ગયા. બંધના વિશાળ જળાશયમાંથી છૂટેલા ઘોડાપૂરે નીચાવાસમાં આવેલાં મોરબી શહેર અને આસપાસના અનેક ગામડાઓમાં ભયંકર તારાજી કરી. વિશાળ પુલો અને કારખાનાં તૂટી ગયાં, અને હજારો મકાન ધરાશય થઇ ગયાં. આ હોનારતનો મૃત્યુઆંક ચોક્કસ નક્કી થઇ ગઈ શક્યો નથી, પણ આશરે ૫.૦૦૦ થી ૧૦.૦૦૦ની વચ્ચે ગણવામાં આવે છે. આટલા મોટા પાયા પર હોનારત થઇ, તેમ છતાં તેના વિષે ઘણા ઓછા લોકો પાસે વિગતવાર માહિતીની જાણ છે.
ત્યારે મૂળ ભારતીય અને હાલ અમેરિકા રહેતા ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટન નામના અમેરિકાના બે સાહસિક વિદ્યાર્થીઓએ મચ્છુ જળ હોનારત અંગે સંશોધન કરી પુસ્તક લખ્યું અને તેમાં અનેક માહિતી અને ડેમ તૂટવાના સાચા કારણોને પ્રથમ વખત ઉજાગર થયા છે.
હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી સંશોધન અનુદાન મેળવીને સાંડેસરા અને વૂટને જુનથી ઓગસ્ટ ૨૦૦૬ દરમિયાન રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, અને નવી દિલ્લીમાં સંશોધન કર્યું. સાંડેસરાની બહેન ઇશાની અને સ્થાનિક પત્રકાર શ્રી. દિલીપભાઈ બરાસરાની મદદ લઈને તેમણે સરકારી અધિકારીઓ, રાહત કર્મચારીઓ, અને અનેક પૂરગ્રસ્ત વ્યક્તિઓની મુલાકાત લીધી. તેમણે સમાચારપત્રોના લેખો અને ટેકનીકી અહેવાલોથી માંડીને તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી. બાબુભાઈ પટેલની અંગત ડાયરી જેવા હજારો દસ્તાવેજો પણ એકઠા કર્યા હતા.
લેખકોના ઝીણવટભર્યા સંશોધનને આધારે, પુસ્તક મચ્છુ જળહોનારતની પહેલા અને પછીની સરકારની નિષ્ફળતા વિષે મહત્વની વિગતો આપે છે. પુસ્તક પહેલી જ વાર હોનારતનું સાચું કારણ જાહેર જનતાને દર્શાવે છે. ક્ષમતાની અયોગ્ય ગણતરીને કારણે મચ્છુ બંધ-૨ના માટીના પાળા પરથી પાણી છલકાવાથી પાળા તૂટી ગયા. કેન્દ્રિય સરકારની અનેક ચેતવણીઓ છતાં, રાજ્ય સરકારના ઈજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહત્તમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકંડે ૨.૨ લાખ ઘન ફૂટની હતી. પણ હોનારતના આગલા દિવસે જળાશયમાં પાણીની આવક પ્રતિ સેકંડ ૪ લાખ ઘન ફૂટથી વધુ હતી. હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ ન હતો, જે તત્કાલીન સરકારનો દાવો હતો, કે દરવાજાના સંચાલનની ખામી પણ ન હતી, જે અત્યાર સુધી મોરબીવાસીઓની માન્યતા છે, પણ હકીકતમાં ઈજનેરોની તદ્દન ખોટી ગણતરી હતી. ઉપરાંત, આ પુસ્તક એ હકીકતને પ્રકાશમાં લાવે છે, કે પ્રજાને સમયસર ચેતવણી આપવામાં ન હતી આવી તેને કારણે હોનારતની જાનહાનીનો આંકડો આટલો ઉંચો હતો. ટેલીફોન અને તારની સુવિધા બગડી ગયેલી હોવાથી બંધ ઉપરના કામદારો બીજા કોઈનો સંપર્ક સાંધી શકે તેમ ન હતું. સમયસર ચેતવણી આપીને લોકોને ઉંચા વિસ્તારમાં ખસેડી શકાયા હોત, પણ સંપર્ક સાંધવાના સાધનોની અપૂરતી જાળવણીને કારણે બંધના નીચાવાસમાં રહેતા લોકોનો સંપર્ક થઇ શક્યો નહિ.
પુસ્તક તપાસ પંચની પણ કરુણ વાત કરે છે. અઢાર મહિના સુધી પંચના અધિકારીઓએ બંધ તૂટવાનાં ટેકનીકી કારણો અને નીચાવાસની પ્રજાને ચેતવણી આપવાના પ્રયાસો પૂરતા હતા કે નહિ તેના માટે પુરાવા ભેગા કર્યા. પછી જયારે તપાસ સિંચાઇ વિભાગની ખામીવાળી પદ્ધતિઓ તરફ વળી ત્યારે ઈજનેરોએ તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીને ફરિયાદ કરી. શ્રી સોલંકીએ પંચ આટોપી લીધું, જેથી તેનું કામ કાયમ માટે અધૂરું રહી ગયું. ૧૯૯૦ સુધીમાં મચ્છુ બંધ-નું ફરીથી બાંધકામ પૂરું થઇ ગયું હતું, છતાં પ્રજાને હજી પણ ખબર ન હતી પડી કે કયાં કારણોસર તેમના પ્રિયજનો હોનારતનો ભોગ બન્યા હતા.
હોનારતને લગતા અન્યાયોની વાત ઉપરાંત આ પુસ્તક હોનારતમાંથી બચેલા લોકોના અનુભવો તેમના પોતાના શબ્દોમાં રજુ કરે છે. આ પુસ્તકમાં દસ મીટર ઉંચી પાણીની દીવાલથી બચવા લોકો કેવી રીતે ભાગદોડ કરીને છાપરાં, ટેકરીઓ જેવા સલામત સ્થળોએ ચઢી ગયા તેનું તેમના જ શબ્દોમાં આબેહુબ વર્ણન અપાયું છે. પૂરથી બચવા ઝાડને વળગેલી માતાઓને તેમનાં બાળકોને ધસમસતાં પાણીમાં છોડી દેવાની ફરજ પડી હતી. જ્યારે વજેપરનું રામ મંદિર ડૂબી ગયું ત્યારે સોથી પણ વધારે માણસો ભોગ બન્યા હતા. આંખના એક પલકામાં હજારો લોકોએ તેમનાં સ્વજનો ગુમાવ્યા હતા.