શું બિહારના ભાગલપૂરવાળી દ્વારકામાં થશે?
કંન્સ્ટ્રક્શન કંપની પર સવાલ ઉઠતા શું સરકાર કોન્ટ્રાકટ રદ્દ કરશે?
દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજની કન્સ્ટ્રકશન કંપની સામે સવાલ ઊભા થયા છે. બિહારમાં ગંગા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ આ સવાલો ઊભા થઇ રહ્યા છે. બિહારના ભાગલપૂરમાં ગંગા નદી પર જે કંપની બ્રિજ બનાવી રહી છે અને જે બ્રિજ બે બે વાર તૂટી પડ્યો છે તે જ કંન્સ્ટ્રક્શન કંપની એસ.પી. સિંગલા દ્વારા દ્વારકામાં સિગ્નેચર બ્રિજ થઈ તૈયાર કરાઈ રહ્યો છે.
એસ.પી. સિંગલા કંપની દ્વારા બિહારમાં બનાવાયેલા ગંગા બ્રિજના ધરાશાયી થવાથી વિવાદ ઉભો થયો છે.દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજ પણ આ જ કંપની દ્વારા તૈયાર થઇ રહ્યો છે. ત્યારે આ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે કેમ તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે. જો કે આ કંપની સાથે કોન્ટ્રાક્ટ રદ કરવાનો સરકારનો કોઇ ઇરાદો ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જેના કેટલાક કારણો સામે આવ્યા છે. દેશમાં 70 જેટલા બ્રિજ છે જે આ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.
દ્વારકામાં બની રહેલો સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેને લઇને પહેલેથી જ ઇન્સપેક્શન કરવામાં આવી રહ્યુ છે. જે અલગ અલગ 7 સ્પેક્ટ્રમ હોય છે તેને તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બ્રિજ જ્યારે તૈયાર થઇ જશે તે પછી પણ ત્રણ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ જ વડાપ્રધાન દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા આ બ્રિજનું ઉદ્ઘાટન થાય તેવી સંભાવના છે.
હાલમાં એસ.પી. સિંગલા કંપની સામે ઓહાપોહ થઇ રહ્યો છે. જો કે ગુજરાતમાં બનનારા સિગ્નેચર બ્રિજને લઇને સરકાર સ્પષ્ટ રીતે માની રહી છે કે તેમાં કોઇપણ પ્રકારની ક્ષતિ નથી. બ્રિજનું મોનિટરિંગ સતત અધિકારીઓ દ્વારા મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેથી આ કામગીરી પર કોઇપણ પ્રકારની રોક લગાવવાની કોઇ પણ તૈયારી નથી. જો કે કામગીરીનું નિરીક્ષણ સતત વધારવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ સ્ટેયડ બ્રિજ બની રહ્યો છે, જેને સિગ્નેચર બ્રિજ કહેવામાં આવી રહ્યો છે. આ બ્રિજ હરિયાણાની એસ.પી. સીંગલા કંસ્ટ્રક્શન પ્રા.લિ. કંપની બનાવી રહી છે. જો કે આ કંપનીએ ભાગલપુરમાં બનાવેલો આવો જ બ્રિજ બે-બે વાર તૂટી પડતા હવે આ સિગ્નેચર બ્રિજ કેટલો ચાલશે એ અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.
ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના દરિયાઈ જળમાર્ગે બની રહેલો આ સિગ્નેચર બ્રિજ દરિયાઈ વાવાઝોડા, દરિયાઈ તોફાન અને કરંટ વચ્ચે કેટલો ટકશે એ પણ સૌથી મોટો સવાલ છે.
આ અંગે સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ગુજરાત સરકાર હાલ આ સિગ્નેચર બ્રિજનું નિર્માણ રોકવાની તરફેણમાં નથી. સરકારી સૂત્રોએ એ પણ દાવો કર્યો છે કે દેશમાં 70 ટકા આ પ્રકારના બ્રિજ આ એક જ કંપની બનાવી રહી છે. બ્રિજના નિર્માણકાર્યનું સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રિજ સંપૂર્ણ તૈયાર થયા બાદ પણ ત્રણ વાર બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ વડાપ્રધાન મોદીના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
રૂ. 965 કરોડના ખર્ચે તૈયાર થશે સિગ્નેચર બ્રિજ
ઓખાથી બેટદ્વારકા વચ્ચે કરોડોના ખર્ચે બની રહેલો સિગ્નેચર બ્રિજ બન્યાં બાદ મુસાફરોને ફેરી બોટ સર્વિસ પર નિર્ભરતાથી મુક્તિ મળશે. કેન્દ્ર તરફથી 965 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલો આ સિગ્નેચર બ્રીજની પહોળાઇ 27.20 મીટર અને 3.73 કિલોમીટર લાંબો હશે. આ બ્રિજ 4 લેનનો છે અને બન્ને સાઇડ પર ફૂટપાથ પણ બનાવવામાં આવી રહ્યાં છે.
શ્રદ્ધાળુઓ આ બ્રીજ પરથી ચાલીને પણ બેટ દ્વારકા જઇ શકે. તદ્ઉપરાંત આ બ્રીજના ફૂટપાથ પર સોલારની પેનલની છત બનાવવામાં આવશે. જેથી ચોમાસામાં અને ગરમીમાં શ્રધ્ધાળુ આ પેનલની નીચેથી છાયડામાં જઇ શકે.બ્રીજ પર લાગનારી સોલાર પેનલથી સરાઉન્ડીંગ સિસ્ટમ તેમજ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આ બ્રીજથી ઓખાના ગ્રામજનોને પણ લાભ થશે. કેટલીક વખત અહીંના ગ્રામજનોને આરોગ્યની ઇમરજન્સી સેવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સની સેવા નહોતી મળતી પરંતું બ્રીજ બન્યા બાદ આ મુશ્કેલી હલ થઇ જશે.
ગોંડલના બ્રિજ સંપૂર્ણ સલામત : સીટી એન્જીનીયરની ટીમનો સ્પષ્ટ અભિપ્રાય
ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલના બ્રિજ અંગે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ જ નગરપાલિકાના સીટી એન્જીનીયરની ટીમ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, રાજાશાહી સમયે બનેલા બ્રિજમાં હજુ કોઈ જાતની સમસ્યા નથી. દરરોજ અહીંથી હજારો વાહન પસાર થાય છે પણ બ્રિજને કોઈ સમસ્યા નથી. નગરપાલિકાના સ્પષ્ટ અભિપ્રાય બાદ પણ ઉચ્ચ કક્ષાએથી રિપોર્ટ કરવા હાઇકોર્ટમાં માંગ કરવામાં આવી છે જે બદલ નગરપાલિકાએ સરકારને પત્ર લખી સર્વે કરાવવા માંગ કરવામાં આવી છે અને આ કામગીરીમાં નગરપાલિકા સંપૂર્ણ સહયોગ આપશે.