ઘરના પ્રથમ વ્યક્તિનો ચાર્જ ૧૧૦૦ રૂપિયા અને બાકીના અન્ય તમામ વ્યક્તિઓનો રિપોર્ટનો ચાર્જ ૮૦૦ રૂપિયા લેવા રાજ્ય સરકારનો નવો પરિપત્ર
કોરોના રિપોર્ટ માટે રાજ્ય સરકાર દ્વારા આરટીપીસીઆર રિપોર્ટનો ચાર્જ ઘટાડીને રૂપિયા ૮૦૦ કરી દેવામાં આવ્યો છે.જો કોઈ લેબ સંચાલક દર્દીના ઘેર જઈ બ્લડ સેમ્પલનું
કલેક્શન કરે તો તે ૧૧૦૦ રૂપિયા વસૂલી શકે છે. પરંતુ એવી ફરિયાદ ઉઠી હતી કે ઘરના તમામ વ્યક્તિઓના આર.ટી પી.સી.આર.રિપોર્ટ કરવામાં આવે તો પણ તમામનો ચાર્જ ૧૧૦૦ રૂપિયા મુજબ વસૂલવામાં આવે છે. દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા નવો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નવા પરિપત્રમાં એવો આદેશ કરાયો છે કે ,જો કોઈ લેબોરેટરી કોરોનાના આરટીપીસીઆર રિપોર્ટ માટે હોમ કલેક્સન માટે દર્દીના ઘરે જશે તો એક વ્યક્તિનો રિપોર્ટ ચાર્જ રૂ.૮૦૦ અને ૩૦૦ રૂપિયા હોમ કલેકશન ચાર્જ સહિત કુલ રૂ.૧૧૦૦ વસૂલ કરી શકશે.
પરંતુ જો એક જ પરિવારના એક કે તેથી વધુ વ્યક્તિઓ આર.ટી.પી.સી.આર. રિપોર્ટ કરાવવા માગતા હશે તો કોઈ એક વ્યક્તિનો રિપોર્ટ ચાર્જ રૂ.૧૧૦૦ વસૂલવાના રહેશે બાકીના તમામ વ્યક્તિઓનો રિપોર્ટનો ચાર્જ નિયમ મુજબ રૂ.૮૦૦ વસૂલવાનું રહેશે.
ગઈકાલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ પરિપત્રની નકલ રાજ્યભરની મહાપાલિકા અને નગરપાલિકાઓને મોકલી દેવામાં આવ્યો છે જેની જાણ સરકાર માન્ય લેબોરેટરીની કરી દેવા પણ સૂચના આપવામાં આવી છે.