જમીન પ્રકરણમાં શંકા ઉપજતા જિલ્લા કલેકટરે સુઓમોટો નોંધને રિવિઝનમાં લીધી હતી, અંદાજીત 5 એકર જમીન ફરી મંદિરના ટ્રસ્ટને સોંપાઈ
બેડીમાં દિવેલીયા- ધુપેલીયાની જમીન વેચી મારવાના મોટા કૌભાંડમાં જિલ્લા કલેકટર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 5 એકર જેટલી જમીનની વેચાણ નોંધ રદ કરીને તેને મંદિરના ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી વિગત અનુસાર તત્કાલીન જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા બેડીમાં સર્વે નં.57 અને 58ની દિવેલીયાની જમીનના વેચાણની નોંધ રિવિઝનમાં લેવામાં આવી હતી. આ જમીન દિવેલીયા ધુપેલીયામાં મળી હોય, જેનું કાયદેસર રીતે વેચાણ કરી શકાતું ન હોવા છતાં પ્રભુદાસ હરિલાલે અશ્વિનસિંહ નામના ભાવનગરના વ્યક્તિને વેચી નાખી હતી. આ કેસ અંગે જિલ્લા કલેકટર દ્વારા આજે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ પક્ષને કલેકટરે સાંભળ્યા પણ હતા.
બીજી તરફ સુત્રોમાંથી એવી જાણકારી મળી છે કે દિવેલીયાની અંદાજે 5 એકર જેટલી જમીન હતી. હાલ બેડીમાં એકરના બે કરોડ જેટલો ભાવ ચાલી રહ્યો છે. આ જમીન જે વ્યક્તિને વેચવામાં આવી હતી. તેને પણ ત્રીજી પાર્ટીને આ જમીન વેચી નાખી હતી. બીજી તરફ આ જમીન ઉપર બાંધકામ પણ ખડકાઈ ગયા હોવાનું જાણવા મળે છે.
પૂજારી પાસેથી જમીન ખરીદનાર વ્યક્તિએ બિનખેતી કરાવવા માટે કલેકટર કચેરીમાં અરજી કરી હતી. ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ જમીન દિવેલીયાની હોવાનું ધ્યાને આવતા જ તેની બિનખેતીની અરજી રદ કરવાની સાથે જ વેચાણ નોંધ પણ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અંતે હવે આ જમીનની વેચાણ નોંધ રદ કરી નાખવામાં આવી છે.
વેચાણ બાદ દિવેલીયાની જમીન ઉપર બાંધકામો પણ ખડકાઈ ગયા
એક સુત્રએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે દિવેલીયાની જે જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. તે જમીન ઉપર હાલ મોટા પાયે બાંધકામ પણ ખડકાઈ ગયા છે. આ ઉપરાંત અમુક લોકોએ તો કરોડો ખર્ચીને તેના ઉપર બંગલાઓ પણ બનાવ્યા છે. ત્યારે હવે બાંધકામ કરનારાઓનું શુ થશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
પુજારીએ જેમને જમીન વેચી તેને પણ બીજાને વેચી નાખી !
મળતી વિગત અનુસાર જે પુજારીએ દિવેલીયા ધુપેલીયાની જમીન ભાવનગરના એક વ્યક્તિને વેચી હતી. તે વ્યક્તિએ તો અન્ય વ્યક્તિને જમીન વેચી પણ નાખી છે. પણ હજુ સરકારી ચોપડે આ વ્યવહાર નોંધાયો નથી. આ જમીન રાજકોટના બે વ્યક્તિએ ખરીદી હોવાનું ધ્યાને આવ્યું છે.