- જામજોધપુર ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાની કુલ 80 માંથી 67 બેઠકમાં ભાજપનો વિજય
- 10 બેઠકો પર કોંગ્રેસ: 1 બેઠક પર આમ આદમી પાર્ટી: 1 બેઠક પર બ.સ.પા. અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા
જામનગર જિલ્લાની ધ્રોલ- કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 80 બેઠકોમાંથી 67 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અને એક બેઠક પર આમ આદમી પાર્ટી, એક બેઠક પર બસપા ના ઉમેદવાર જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. તાલુકા પંચાયતની જામ વણથલી ની બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
જામજોધપુર નગરપાલિકાની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણના સંપન્ન થઈ છે, અને કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકમાં ભાજપના ઉમેદવાર, જયારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. જામજોધપુર નગરપાલિકાની કુલ સાત વોર્ડની 28 બેઠકો પર મતદાન થયું હતું, જેની આજે સવારે મત ગણતરી હાથ કરવામાં આવી હતી, અને કુલ 27 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે, અને તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એકમાત્ર વોર્ડ નંબર સાતમાં એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. વોર્ડ નંબર પાંચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલજીભાઈ સોમાભાઈ વિંઝુડા કે જેઓને 544 મત મળતાં તેઓ ને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કાલાવડ નગરપાલિકા ની સાત બોર્ડની 28 બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, અને તેમાં પણ તમામ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. કાલાવડ ની ચૂંટણીમાં એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા, અને મત ગણતરી બાદ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, અને બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીત મળી છે.વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના પરસોત્તમ હિરપરા ને 1,239 વોટ મળતાં તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફાલ્ગુની સોજીત્રાને પણ 890 મત મળતા તેઓને ચૂંટણી તંત્ર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ધ્રોલ નગરપાલિકાની કુલ સાત વૉર્ડ પૈકી વોર્ડ નંબર -7 માં એક ઉમેદવારનું આકસ્મિક અવસાન થતાં વોર્ડ નંબર 7 ની ચૂંટણી કેન્સર થઈ હતી, જ્યારે બાકીના 6 વોર્ડની 24 બેઠકો પૈકી 15 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આઠ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચમાં બહુજન સમાજવાદની પાર્ટીના ગીતાબેન ગૌતમભાઈ ચૌહાણ ને 1,774 મત મળતાં તેઓને વિજેતા જાહેર કરાયા છે.
આ ઉપરાંત કોંગ્રેસના શહેનાઝબેન સલીમભાઈ નાગાણીને 953 મત, જ્યારે મોહમ્મદ અદનાન અમિન ઝનનરને 1,093 મત, તેમજ કોંગ્રેસના ફારુક અજીત વિરાણીને 1,062 મત મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 6 મા ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે એક બેઠક ઉપર હિતેશ ભોજાણી ને 1,108 મળતાં અપક્ષ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જામનગર તાલુકા પંચાયતની જામવણથલીની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
અહેવાલ: સાગર સંઘાણી