રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેડ દોડાવવા પ્રોજેકટ: આવતીકાલે એકશન પ્લાન ઘડવા બેઠક

‘મોસાળે જમણ અને માં પીરસનાર’ ઉક્તિ રાજકોટ માટે ખરા અર્થમાં સાર્થક ઠરી રહી છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વધુ એક ભેટ આપવા જઈ રહ્યાં છે. રાજકોટ-અમદાવાદ વચ્ચેની મુસાફરી પાછળ ખર્ચાતો સમય બચે તે માટે રૂપાણી સરકારે સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ શરૂ કરવાની તૈયારી કરી છે. આ સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેકટમાં રશિયન સરકારનું જાહેર સાહસ રશિયન રેલવેઈઝ (આરઝેડડી) ઈન્ટરનેશનલની સહભાગીતા સાંપડશે. પ્રોજેકટ સફળ જશે તો રાજકોટ અને અમદાવાદ વચ્ચે મુસાફરીમાં લાગતો સમય અડધો થઈ જાય તેવી અપેક્ષા છે.

રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટના કારણે અમદાવાદ હાઈવે પર વાહનોનું ટ્રાફિક ઘટશે. પરિણામે હાઈવે પર લાગતો સમય પણ બચશે. એક રીતે રાજકોટ-અમદાવાદ વચ્ચેના ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ ઝડપી બનશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું હતું પરંતુ મુખ્યમંત્રી પદે વિજયભાઈ રૂપાણીએ જવાબદારી સંભાળ્યા બાદ રાજકોટને એક પછી એક વિકાસના પ્રોજેકટ મળી રહ્યાં છે. એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, બસ પોર્ટ, ફલાય ઓવર સહિતના વિકાસ કામો વિજયભાઈ રૂપાણીની આગેવાની ધરાવતી સરકાર દ્વારા હાથ ધરાયા છે. આ રીતે હવે રાજકોટથી અમદાવાદ વચ્ચે ખુબ ઝડપથી પ્રવાસ પણ થઈ શકશે.

અહીં નોંધનીય છે કે, આ પ્રોજેકટના અનુસંધાને ડિટેઈલ્ડ એન્જિનિયરીંગ ડિઝાઈન-પ્રોજેકટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઈનાન્સ માટે રશિયન રેલવેઝ (આરઝેડડી) ઈન્ટરનેશનલ ઉત્સુક છે. આવતીકાલે તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારની જી-રાઈડ અને રશિયન રેલવે પ્રોજેકટને આગળ ધપાવવા બેઠક યોજાવા જઈ રહી છે. આ પ્રોજેકટના માધ્યમથી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના ઔદ્યોગીક વિકાસને વેગ પણ મળશે. સાથો સાથ રાજકોટ-અમદાવાદ માર્ગ પરના ભારે ટ્રાફિકના ભારણને  ઘટાડવા સફળતા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

7537d2f3 10

ભારતમાં નાગપુર-સિકંદરાબાદ વચ્ચે ૫૮૦ કિલોમીટર અંતરની હાઈ સ્પીડ રેલવે માટે ડીપીઆર તૈયાર કરનારી તથા રશિયામાં સેન્ટ પિટ્સબર્ગથી મોસ્કો સુધી ૬૨૫ કિલોમીટર લંબાઈનો હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ પૂર્ણ કરનારી આ રશિયન કંપનીએ રાજકોટ-અમદાવાદ વચ્ચેના સૂચિત સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ માટે તૈયારી દર્શાવી હતી.

ગુજરાત સરકારની કંપની જી-રાઈડ અત્યારે આ સૂચિત પ્રોજેકટ માટે ડીટેઈલ-પ્રોજેકટ રિપોર્ટ ડીપીઆર બનાવી  રહી છે. બાદમાં આ રશિયન કંપનીએ પ્રોજેકટની એન્જિનિયરીંગ ડિઝાઈન, પ્રોજેકટ અમલમાં મુકવાની તથા પ્રોજેકટને ફાઈનાન્સ આપવાની પણ તૈયારી બતાવી જણાવ્યું હતું કે, ડિઝાઈન તૈયાર યા બાદ આ પ્રોજેકટ તેઓ ૨ વર્ષમાં પૂર્ણ કરી શકે તેમ છે. મુખ્યમંત્રીએ આ કંપનીને જી-રાઈડ સાથે ૧૪મી ફેબ્રુઆરીએ બેઠક યોજી એકશન પ્લાન તૈયાર કરવા પણ સુચવ્યું હતું.

ડિઝાઈન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ થશે તેવી ખાતરી

ગુજરાત રેલવે ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીરાઈડ) અને રશિયાની આરઝેડડી દ્વારા તૈયાર થનાર આ સેમી હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ માટે ડિઝાઈન તૈયાર કરવાનો પ્રારંભ ટૂંક સમયમાં થશે. આ ડિઝાઈન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી રશિયન રેલવેઝ દ્વારા આપવાની આવી છે. આ કામગીરીને લઈ આગામી તા.૧૪ ફેબ્રુઆરીના રોજ બેઠક મળશે તેવું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.