જેતપુરના પ્રેમગઢના યુવકે જિલ્લા પોલીસવડાને વોટ્સએપ મેસેજ કરી આપઘાત અંગેની જાણ કર્યા બાદ કોઠારિયા સોલવન્ટ પાસે ટ્રેન નીચે પડતું મૂકે તે પૂર્વે જ એલ.સી.બી.એ બચાવી લીધો
બે શખ્સો સામે માસીક 10 ટકા વ્યાજ વસૂલ કરવા ધાક-ધમકી દીધાનો નોંધાતો ગુનો
રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી પોતે આપઘાત કરતો હોવા અંગેનો મેસેજ કર્યા બાદ પોલીસ દ્વારા તેને બચાવવા કરવામાં આવેલા કોલ રિસીવ ન કરતા જિલ્લાની ટેકનીકલ ટીમની મદદથી યુવકનું લોકેશન મેળવી એલસીબી સ્ટાફે કોઠારિયા સોલવન્ટ પાસેથી પ્રેમગઢના યુવકનો જીવ બચાવી પૂછપરછ કરતા તેને જેતપુર અને પ્રેમગઢના વ્યાજના ધંધાર્થી હેરાન કરતા હોવાથી આપઘાત કોઠારિયા સોલવન્ટ પાસેથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકવા અંગેની ચોંકાવનારી કબૂલાત આપી છે. પોલીસે પ્રેમગઢના યુવકના ફરિયાદ પરથી બે શખ્સો સામે ધાક-ધમકી દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામે રહેતા હાર્દિક અમરેલીયા નામના 27 વર્ષના યુવકે પોતાના મિત્રને મદદ માટે જેતપુરના દેવકુ મનુભાઇ વાંક અને પ્રેમગઢના સંજય સાજન ઓડેદરા પાસેથી માસીક 10 ટકાના વ્યાજના દરે 10 લાખ લેવડાવી દીધા હતા. હાર્દિકનો મિત્ર વ્યાજ ચૂકવી શકતો ન હોવાથી લાંબા સમયથી ફરાર થઇ જતાં દેવકુ વાંક અને સંજય ઓડેદરા હાર્દિક અમરેલીયા પાસે વ્યાજની ઉઘરાણી કરી ધાક-ધમકી દેવાનું શરૂ કર્યું હતું.
આથી કંટાળીને હાર્દિકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી કોઠારિયા સોલવન્ટ પાસે આવ્યા બાદ પોતાના મોબાઇલમાંથી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડને પોતે આપઘાત કરતો હોવાનો વોટ્સએપ મેસેજ કર્યો હતો. આથી તુરંત જ એસ.પી. જયપાલસિંહ રાઠોડે હાર્દિક અમરેલીયાને કોલ કર્યો હતો પરંતુ તેને એસ.પી.નો કોલ રિસીવ કર્યો ન હતો. એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરાએ હાર્દિક અમરેલીયાને કોલ કર્યો હતો પણ તેનો મોબાઇલ રિસીવ કર્યો ન હતો. આથી પોલીસે હાર્દિક અમરેલીયાના લોકેશન મેળવી કોઠારિયા સોલવન્ટ પાસેથી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતો અટકાવ્યો હતો અને વીરપુર પોલીસને સોંપતા વીરપુર પોલીસે હાર્દિક અમરેલીયાની ફરિયાદ પરથી જેતપુરના દેવકુ વાંક અને પ્રેમગઢના સંજય ઓડેદરા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી દીધા અંગેની ગુનો નોંધી તપાસ હાથધરી છે.