આજે નારી ગૌરવ દિવસની ઉજવણી: વડોદરાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો

રાજ્યની વર્તમાન સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં હાલ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વડોદરા ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુ સાથેની વિવિધ યોજનાઓનો આરંભ કરાવ્યો હતો. રાજ્યની 10 હજાર જેટલી મંડળીની આશરે એક લાખથી વધુ મહિલાઓને રૂપાણી સરકાર વગર વ્યાજે 100 કરોડ રૂપિયા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આપશે.

સમાજના સમગ્રતયા વિકાસ માટે નારીનું સન્માન જળવાય તે  હેતુ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી “વ્હાલી દીકરી યોજના” લાગુ કરી છે. 181 અભયમ મહિલા હેલ્પલાઈન અંતર્ગત અત્યાર સુધીમાં 8 લાખ 25 હજારથી વધુ મહિલાઓને આ સેવા પુરી પાડવામાં આવી છે.

રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે 2579 બહેનોને રૂા.9,67,48,690 લોન તથા રૂા.3,04,31,087 સબસીડી આપવામાં આવી છે. રાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે “ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂા.50 હજાર સહાય આપશે.

છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે.

“પાંચ વર્ષ નારી ગૌરવના” ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. આ માટે 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂા.1,000 કરોડની લોન સહાય જયારે ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર અને શહેરી વિસ્તારોની 50 હજાર મળીને કુલ 1 લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે.

સમગ્ર રાજયમાં જ્યારે મહિલાઓની સંખ્યા 50 ટકા જેટલી હોય ત્યારે તેમના માટેનું બજેટ પણ મહત્વનું બની જતું હોય છે. ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂા.3511 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની નિર્ણાયક સરકારે મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવવા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં 50% મહિલા અનામતની જોગવાઇ કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33% અનામતની જોગવાઇ કરી છે.

જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી “વ્હાલી દીકરી યોજના” લાગુ કરી છે. આ યોજના દીકરીના જન્મ વેળા માતા-પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશીયો જાળવવાની દિશામાંનું  ગુજરાતનું મહત્ત્વનું પગલું છે. જે અંતર્ગત રૂપિયા બે લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને પ્રથમ બે દીકરી માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 59 હજાર જેટલા પરિવારોને રૂા.22 કરોડથી વધુ સહાય આ યોજના હેઠળ મળી છે. ધોરણ-1માં પ્રવેશ લેતી ક્ધયાને રૂા.4,000, ધોરણ 9માં પ્રવેશ લેતી ક્ધયાને રૂા.6,000 અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા 18 વર્ષની ઉંમરે લગ્ન વખતે રૂા.1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના જન્મદિવસે સંવેદનાસભર જાહેરાત કરી છે જેમાં રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે “ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂા.50 હજાર આપશે. કષ્ટપૂર્ણ વૈધવ્ય જીવન જીવતી મહિલા પુન:લગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે.

આજે “પાંચ વર્ષ નારી ગૌરવના” થીમ આધારિત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યના 10 હજાર જેટલી મંડળોની 1 લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

જેમાં શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લીધો હતો. મુખ્યમંત્રીના હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂત કરાયું હતું. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.