સખિયા અને રૈયાણી જૂથને બેસાડી શાનમાં સમજાવી દેવાશે: ચૂંટણી થશે તો પણ વાતાવરણ એક તરફી રહેશે: સીએમના હોમ ટાઉનમાં કકળાટ નહી ચલાવી લેવાય
સરકારી મંડળીની પેનલમાં બે બેઠકો વધી: આ વખતે 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે
વર્તમાન બોડીની મુદત આવતીકાલે પૂર્ણ: જૂથવાદનો ચરૂ ન ઉકળે તે માટે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને સોંપાતો હવાલો
બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડની વર્તમાન બોડીની મૂદત આવતી કાલે પૂર્ણ થઈ રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ પૈકીનાં એક એવા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આધિપત્ય જમાવવા માટે ભાજપના બે જૂથો સક્રિય થયા છે.વર્તમાન શાસક જૂથ સખીયા ગ્રુપ કોઈપણ ભોગે શાસન ટકાવી રાખવા માંગે છે તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહકાર ક્ષેત્રમાં પોતાનું વજન ઉભૂ કરવા માંગે છે. આવામાં મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં જૂથવાદના લબકારા પક્ષ દ્વારા ચલાવી લેવામાં આવશેનહી તેવો સ્પષ્ટ અંદેશો આપી દેવામાં આવ્યો છે. યાર્ડમાં સંવાદથી શાસન પ્રસ્થાપીત કરવા રૂપાણી સજજ બની ગયા છે. યાર્ડની ચૂંટણીમાં જૂથવાદના ચક્રને ઉગતો જ ડામી દેવાની જવાબદારી રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને સોંપવામાં આવી છે. ચૂંટણી થાય તો પણ વાતાવરણ એક તરફી રહે તેવો માહોલ ઉભો કરાશે.
બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલ સહકારી મંડળી અર્થાત ખેડુત પેનલની આઠ બેઠકો, ખરીદ-વેચાણ સંઘની બે બેઠક વેપારી પેનલની ચાર બેઠકો, ગ્રામ્ય પંચાયતના સભ્ય, જિલ્લા ખેતીવાડી અધિકારી અને રજીસ્ટ્રાર સહિત કુલ 17 બેઠકો છે. દરમિયાન રાજય સરકાર દ્વારા તાજેતરમાં ખેડુત પેનલની બે બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે યાર્ડમાં 16 સભ્યોની નિમણુંક કરવા માટે ચૂંટણી યોજાશે. આવતીકાલે વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ જશે. પરંતુ જયાં સુધી નવી બોડી ચૂંટાઈને ન આવે ત્યાં સુધી વર્તમાન શાસકો યથાવત રહેશે. જોકે તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકશે નહી.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શાસન જમાવવા માટે ભાજપના બે જૂથ વચ્ચે ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ જૂથવાદના લબકારા શરૂ થઈ ગયા છે. વર્તમાન ચરેમેન ડી.કે. સખીયા કોઈપણ ભોગે યાર્ડમાં પોતાનું સામ્રાજય ટકાવી રાખવા માંગે છે. બીજી તરફ યુવા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સહકારી ક્ષેત્રે કાંઠુ કાઢવા ઈચ્છી રહ્યા હોય તેઓ કોઈપણ ભોગે યાર્ડ કબ્જે કરવા ઈચ્છી રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉનમાં યાર્ડની સામાન્ય ચૂંટણીના જો ભાજપના બે જુથઝઘડે તે પક્ષને કોઈ પણ કાળે પોસાય તેમ નથી. આવામાં મુદત પૂર્ણ થાય અને જૂથવાદ વકરે તે પહેલા રૂપાણી સરકારે બંને જૂથને શાનમાં સમજાવી દીધા છે. યાર્ડની ચૂંટણી કોઈ પણ વિવાદ સંવાદ સાથે યોજાઈ તેની સંપૂર્ણ જવાબદારી યુવા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને સોંપી દેવામાં આવી છે. અને તેમને તમામ નિર્ણય લેવાની સંપૂર્ણ સતા આપી દેવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં પણ રૂપાણી સરકારે જૂથવાદના ચરૂને ઉગતો ડામી દેવા બુધ્ધીપૂર્વકના નિર્ણયો લીધા હતા જેનાથી તમામ જૂથ રાજી-રાજી થઈ ગયા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં દર વર્ષ જુથવાદના લબકારા જોવા મળતા હોય છે. છેલ્લી ઘડી સુધી ભયંકર ખેંચતાણ ચાલતી હોય છે. જેના કારણે પક્ષની આબરૂ ધુળધાણી થઈ જતી હોય છે. મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં આવા સમીકરણો ન રચાય તે માટે અત્યારથી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સખીયા અને રૈયાણી બંને જુથ જયેશ રાદડીયા કહે તેમ કરવા સંપૂર્ણ પણે તૈયાર છે. આવામાં રાજય સરકાર પણ આગામી ત્રણ મહિનામાં અર્થાત નિયત સમય મર્યાદામાં રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજી નવા શાસકોને બેસાડી દેવા ઈચ્છી રહી છે.