સામાજિક, શિક્ષણ, આરોગ્ય, આવાસ અને મહિલા સશક્તિકરણ સાથોસાથ શ્રમિક અન્નપુર્ણા યોજના થકી શ્રમિક પરિવારોને સરકારનું અભય વચન
ઘર એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. ઘર, આવાસ એટલે કે મકાનનું નિર્માણ કરવા અનેકવિધ લોકો શ્રમદાન કરે છે અને આવાસ નિર્માણ દ્વારા રોજગારી મેળવે છે. આપણા દેશમાં કરોડો લોકો આવાસ નિર્માણ સાથે જોડાયેલા છે જેઓ સવારથી સાંજ સુધી શ્રમ કરી રોજી રોટી મેળવે છે. શ્રમિકોનું જીવન ધોરણ સામાન્ય હોય છે ત્યારે, બાંધકામ સાથે સંકળાયેલા લોકોના ઘર પરિવારનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રમિક પરિવારને જન્મથી મૃત્યુપર્યંત મદદરૂપ થવા માટે મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમ દ્વારા રાજ્યસરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
વિવિધ યોજનાઓ પૈકી હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલમાં મુકાઈ છે. માત્ર ૧૦ રૂ. માં શ્રમિકને સવારના ૮ થી ૧૧ વાગ્યા દરમ્યાન તૈયાર ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે. સાથોસાથ શ્રમિકના પરિવારમાં જેટલા સભ્ય હોય તે તમામને ૧૦ રૂ. માં તૈયાર ભોજન આપવામાં આવે છે. ભોજનમાં આઠ થી દસ રોટલી, મિક્સ શાક, ભાત, મરચા, અથાણું, ચટણી અને દર અઠવાડિયે સુખડી હોય છે જેમાં સમયાંતરે સુજાવ મુજબ બદલાવ કરવામાં આવે છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનતા શુધ્ધ સાત્વિક ભોજન થકી શ્રમિક પરિવારને આર્થિક અને આરોગ્ય લક્ષી મદદ મળતા સમય શક્તિમાં વધારો થયો છે. હવે શ્રમિક મહિલાને સવારમાં ઘર માટે રસોઈ બનાવવાની કડાકૂટમાંથી છુટકારો મળ્યો છે.
રાજ્યમાં હાલ પાંચ શહેરના કડિયાનાકા પર આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં યોજનાના પ્રારંભે જ ૮૪ કડિયાનાકા પર ૪ લાખ બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. શ્રમિક અન્નપુર્ણા યોજનાને રાજ્યભરના કડીયાનાકાઓ સુધી વિસ્તારવાની રાજ્ય સરકારની નેમ છે.
રાજકોટમાં હાલ ૧૮૭૧ શ્રમિકો શહેરના ૭ જુદાજુદા નાકા પરથી અન્નયોજનાનો લાભ મેળવી રહ્યા છે, આવનારા સમયમાં ૧૨ હજાર જેટલા શ્રમિકોને આ યોજના અન્વયે આવરી લેવામાં આવશે તેમ ડી. જી. પંચમીયા, સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયોનલ ડાયરેક્ટરે જણાવ્યું હતું. વિશેષમાં તેમણે જણાવ્યું હતું. શ્રમિક અન્નપુર્ણા યોજનાના એક સમયના ભોજનનો ખર્ચ રૂ.૨૯.૫૦ જેટલો આવે છે જેમાં રાજ્ય સરકાર પ્રત્યેક બાંધકામ શ્રમિક વતી રૂ.૧૯.૫૦ ભોગવે છે. તમામ શ્રમિકોએ આ યોજનાનો લાભ નિ:સંકોચ લઈ ઘર જેવુ જ ગુણવત્તા સભર ભોજન મેળવી સમય શક્તિ અને પૈસાનો બચાવ કરવો એ શ્રમિક અન્નપુર્ણા યોજનાનું મુખ્ય હાર્દ છે.
સ્ત્રીશક્તિ મહિલા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ હાઈજેનિક ખોરાક પેક્ડ બાઉલમાં સ્થળ પર પહોચાડવામાં આવે છે જેનું એપ્રોન અને હેન્ડ ગ્લોઝ સજ્જ મહિલાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ પહેલા શ્રમિકને આપવામાં આવેલ કાર્ડ વેરીફાય કરવામાં આવે છે.
રાજ્યમાં હાલ સુધીમાં ૪,૨૧,૨૦૯ શ્રમિકો નોંધાયેલા છે. બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિક પરિવારમાં બાળકના જન્મથી શ્રમિકના મૃત્યુપર્યંત રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મદદરૂપ બની રહી છે. શ્રમિક નિવૃત થાય તો પણ તેમને આર્થિક મદદ આપવામાં આવે છે, બીમાર પડે ,અકસ્માત થાય કે આક્સ્મિક મૃત્યુ થાય તો પણ સરકારી યોજના દ્વારા શ્રમિક પરિવારને મદદ કરવામાં આવે છે. શ્રમિકના બાળકોને શિક્ષણ, મહિલાઓ સશક્તિકરણ યોજનાઓ શ્રમિકોને હરહમેશ અભય વચન પૂરું પાડી રહી છે.
શ્રમિકો માટે વિવિધ અમલી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય, શિક્ષણ વિષયક સહાય, વિશિષ્ઠ કોચીંગ કલાસ સહાય, કૌશલ્યવર્ધન તાલીમ યોજના, તબીબી સહાય યોજના, ધન્વંતરી આરોગ્ય રથ, સલામતી યોજના, મહિલા હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ, પ્રસૂતિ સહાય યોજના, યોજના, સ્વસહાય જુથ યોજના, નાનાજી દેશમુખ આવાસ યોજના, હંગામી આવાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં ૪,૨૧,૨૦૯ લાભાર્થીઓને રૂ. ૭૫.૨૯ કરોડની સહાય આપવામાં આવી છે.
રાજ્યભરના શ્રમિક પરિવાર વિવિધ યોજનાઓનો લાભ લઈ તેમના જીવનમાં બદલાવ લયાવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે આ યોજનાઓમાં જોડાવા શ્રમ આયુકતની કચેરીએ સ્વ પ્રમાણિત અરજી, ફોટા સાથે ઓળખ કાર્ડ, રાસન કાર્ડ, આધાર કાર્ડ વગેરે આપવાથી શ્રમિક કાર્ડ મળી શકે છે. હાલ આ યોજનાનો માત્ર ગુજરાતના જ નહિ પરંતુ વિવિધ રાજ્યમાંથી આવતા શ્રમિકો લાભ મેળવી રહ્યા છે.