ગુંડાગર્દીને રાજવટો આપતી રૂપાણી સરકાર

પાસાનો અતિરેક થાય નહીં તે માટે પોલીસતંત્રે સાવચેત થવું જરૂરી

કલમરૂપી પાસાનું હથિયાર ગુનાઇત પ્રવૃતિઓ ડામી દેશે: સમીર ખીરા

પાસા એકટ ભૂ માફિયાઓને ભોંય તળિયા ભેગા કરશે

પાસા એકટ વધુ મજબૂત બનતા ગુનેગારોએ લાંબા નહીં અતિ લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડશે

ગુજરાત શાંત, સલામત અને સુરક્ષિત રાજયની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કેટલાક લેભાગુ શખ્સો દ્વારા પોતાના આર્થિક હિત માટે ગંભીર ગુના આચરતા હોય છે. તેની સામે પોલીસ અસરકારક કામગીરી કરી શકે તે માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાસાના કાયદામાં ઘણા આવકાર્ય કહી શકાય તેવા સુધારા સાથે પાસાના કાયદાનો વ્યાપ વધારવા માટે વટ હુકમથી દરખાસ્ત કેબીટેનટ બેઠકમાં મુકવાના છે. પાસાના કાયદાનો અત્યાર સુધી બુટલેગર, ઘરફોડી અને જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો સામે જ ઉપયોગ થતો હતો. નવા સુધારા સાથે પાસા હેઠળ વ્યાજખોર, જુગાર કબલ સંચાલક, કુટણખાના સંચાલકો, સાયબર ક્રાઇમ, ગૌવંશ, ગૌવંશના માસની હેરાફેરી અને ડ્રગ્સ હેરાફેરી કરનારની પણ પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાયદાની આટીઘૂટી અને છટકબારીનો લાભ લઇને છુટી જતા રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલવા માટે અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે ૧૯૮૫થી ગુજરાતમાં પાસાનો કાયદો બનાવવામાં આવ્યો હતો. પાસા હેઠળ જેલમાં ધકેલાયેલા શખ્સો પોતે નિર્દોષ છે તેવું સાબીત તેમને જ કરવાનું હતું અને તેની પાસા બોર્ડમાં સમિક્ષા બાદ તેના પાસા હેઠળ કેટલો સમય જેલમાં રાખવો તે અંગે નિર્ણય પાસા બોર્ડ દ્વારા કરવામાં આવતો ત્યાર બાદ હાઇકોર્ટમાં રીટ કરવાની જોગવાય લાગુ કરવામાં આવી હતી. પાસાનો કાયદો દારૂના ધંધાર્થી, ભૂ માફિયા અને ધરફોડની ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. અન્ય રાજયની સરખામણીમાં ગુજરાત રાજયની શાંતિ અને સલામતિ માટે આગવી ઓળખ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અન્ય રાજયની સરખામણીમાં અગ્રેસર છે. તેમ છતાં કેટલાક શખ્સો પોતાના આર્થિક ફાયદા માટે છાને ખૂણે અનઅધિકૃત રીતે વ્યાજનો ધંધો કરી ગરીબ અને જરૂરીયાત મંદ પાસેથી તગડુ વ્યાજ વસુલ કરતા હોય છે. લાચાર મહિલાની મજબુરીનો લાભ લઇ દેહના સોદા કરાવી કુટણખાનું ચલાવી પોતાની આજીવિકા ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ડીઝીટલ યુગમાં ડેટા ચોરી કરી સાયબર ક્રાઇમના ગુના આચરનાર શખ્સો સામે કડક રીતે કાર્યવાહી કરવા, યુવતી અને મહિલાઓ પર દુષ્કર્મ આચતા અને જાતિય સતામણી કરતા શખ્સો, ધાક ધમકી દઇ મિલકત હડપ કરવાના અને ખૂની હુમલો સહિતની ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાય કરવામાં આવી છે.

પાસા એકટમાં કરવામાં આવનાર ફેરફાર અને તેની અસર અંગે ચર્ચા કરવા રાજકોટ જિલ્લા અદાલતના મદદનીશ સરકારી વકીલ સમીરભાઈ ખીરાએ ’અબતક’ ની વિશેષ રજુઆત ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લઈને વિગતવાર ચર્ચા કરી હતી.

પ્રશ્ર્ન: પાસા એકટની પરિભાષા શું આપી શકાય?

જવાબ: ધ ગુજરાત પ્રીવેંશન ઓફ એન્ટી સોશ્યલ એક્ટિવિટીઝ એકટ વર્ષ ૧૯૮૫ માં અમલી બનાવવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૯ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રકારના ગુન્હાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ગુન્હાહિત મનોવૃત્તિ ધરાવતા ઈસમો કાયદાની આંટી ઘૂંટીનો લાભ લઈને છટકી શકે નહિ તે હેતુસર આ એકટ અમલી બનાવવામાં આવ્યો હતો.

પ્રશ્ર્ન: પાસા કેવી વ્યક્તિને થઈ શકે છે?

જવાબ: દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરનાર(બુટલેગર), અસામાજિક પ્રવૃત્તિ કરતો વ્યક્તિ, ખૂંખાર ગુન્હેગાર, ડ્રગ્સનું વેચાણ, ભૂ માફિયા, જમીન – મકાનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર, જુગારધામ ચલાવનાર, વ્યાજંકવાદ,  જાતીય સતામણી, સાઇબર ક્રાઇમ, આંતકવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને ગુન્હાની ગંભીરતા અને ગુન્હાહિત ઇતિહાસને આધારે પાસા હેઠળ ધકેલી શકાય.

પ્રશ્ર્ન: પાસા કોણ કરી શકે?

જવાબ: એક થી વધુ ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા ઇસમને પાસા કરી શકાય છે. પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા અને  જિલ્લા કલેકટરને પાસા કરવાની સતા હોય છે. તપાસનીશ અધિકારી ઉપરોક્ત વ્યક્તિઓને પાસાની ભલામણ કરી શકે છે જેને ધ્યાને રાખીને તમામ મુદાની ચકાસણી કરીને પાસા કરી શકાય છે.

પ્રશ્ર્ન: પાસા કરવાનો મૂળભૂત હેતું શું?

જવાબ: સમાજમાં જે દુષણો રહેલા છે. અમુક વ્યક્તિઓ કે જે પોતાના વ્યક્તિગત હિત માટે અસામાજિક પ્રવૃત્તિ કરે જે સમાજને હાનિ પહોંચાડે અથવા તો કોઈ નિર્દોષ વ્યક્તિને હાનિ પહોંચાડતી હોય તો આ પ્રકારની પ્રવૃતિઓ અટકે તેના માટે સરકારે આ શસ્ત્ર અમલમાં મુક્યો હતો જેને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે.

પ્રશ્ર્ન: પાસા એકટ અમલમાં હતો જ તો રાજ્ય સરકારે આ એક્ટને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત શા માટે પડી?

જવાબ: સમાજમાં વધતા જતા દુષણ, ગુન્હાહિત પ્રવૃત્તિઓ ને ડામવા માટે પાસાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પડી છે. વર્ષ ૧૯૮૫માં આ એકટ લાગુ કરવામાં આવેલ પરંતુ હાલની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર કેબિનેટમાં આ પ્રસ્તાવ રજૂ કરી રહી છે જેથી ગુન્હાઓનું પ્રમાણ ઘટે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે.

પ્રશ્ર્ન: પાસાના ક્યાં ક્યાં નિયમો – જોગવાઈઓમાં ફેરફાર આવવાની શક્યતાઓ?

જવાબ: ઉદાહરણરૂપ કે હાલ સુધી જ્યારે પોલીસ જુગારધામ પકડે તો આરોપી એક કે બે દિવસમાં જામીન મુક્ત થઈ જતો હતો. સામે એવા પણ બનાવ બનતા હતા કે આરોપી મુક્ત થઈ જાય અને પોલીસ અધિકારી – કર્મચારી સસ્પેન્ડ થતા હતા જેની સામે હવે જુગારધામ ચલાવતા હોય અને અગાઉ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવા ઇસ્મોને પણ પાસા હેઠળ ધકેલી શકાશે જે પોલીસ તંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ નિર્ણયથી મારા મત મુજબ જુગારધામ સદંતર બંધ થશે. જુગારધામ ચલાવનાર અને રમનાર બંને ઉપર કાર્યવાહી થઈ શકે છે.

પ્રશ્ર્ન: વ્યાજંકવાદ સામે પાસા કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે?

જવાબ: ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ – ૨૦૧૧ માં કુલ ૫૮ સેક્શન છે. ગુજરાત સરકાર આ અંતર્ગત ખૂબ ચિંતિત છે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં આ પ્રકારના ગુન્હાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. કોઈ ગરીબ વર્ગનો વ્યક્તિ આર્થિક સંકળામણ અનુભવે ત્યારે અંતે વ્યાજ પર પૈસા લેતો હોય છે પરંતુ વ્યાજંકવાદ બેફામ બનીને પૈસાની ઉઘરાણી કરતા હોય છે. એવા પણ કિસ્સા બનતા હોય છે કે જે કામ અર્થે પૈસા લીધા હોય તે તો વ્યાજખોરો હડપ કરે જ તેની સાથે વડીલોપારજિત સંપત્તિ પણ પચાવી લેતા હોય છે જેના કારણે લોકો આપઘાત સહિતના પગલાં લેવા મજબૂર બનતા હોય છે તો હવે આ પ્રકારના ગુન્હેગારોની પણ ખેર નથી. જો કોઈ આવા ગુન્હામાં સંડોવાયેલો હશે તો તેને પણ પાસા થઈ શકે છે.

પ્રશ્ર્ન: જાતીય સતામણીના અને બાળકોને રક્ષણ આપતા કાયદાના(પોકસો) કેસમાં પાસાની મહત્વતા આવશે?

જવાબ: સ્ત્રીઓ પ્રત્યેની સંવેદનશીલતા હરહંમેશથી રાજ્ય સરકારે રાખી છે. સ્ત્રીઓની જાતીય સતામણી થાય નહિ તે માટે સતત પ્રયત્નશીલ સરકારે આ પ્રકારના ગુન્હામાં પણ પાસા થાય તે પ્રકારની તૈયારી બતાવી છે. સાથે સાથે નાના – નાના સગીરવયના બાળકોની પણ જાતીય સતામણી થાય છે. તેમનું યૌન શોષણ કરવામાં આવતું હોય છે જેનજ સામે વર્ષ ૨૦૧૫માં પોકસો એકટ અમલમાં મુકવામાં આવ્યો હતો. પોકસો અંતર્ગત સ્પેશ્યલ કોર્ટમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક થાય છે અને ઝડપી કેસ ચલાવવામાં આવે છે. રાજકોટ શહેરની જ વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં અનેકવિધ આરોપીઓને ખૂબ લાંબી અને આકરી સજાઓ ફટકારવામાં આવી છે. હવે આ બન્ને પ્રકારના ગુન્હામાં પાસા હેઠળ ધકેલવામાં આવે તો નવાઈ નહિ. ટૂંક સમયમાં આ પ્રસ્તાવ મંજુર થશે અને જાતીય સતામણીના કેસ પર ચોક્કસ લગામ આવશે.

પ્રશ્ર્ન: સાઇબર ક્રાઇમના ગુન્હામાં પાસા હેઠળ સજા કરી શકાશે?

જવાબ: હાલના સમયમાં ડિજિટલ મીડિયાનો ઉપયોગ ખૂબી મોટી સંખ્યામાં થાય છે. સિક્કાની બે બાજુની જેમ સોશ્યલ મીડિયાના ફાયદા તો છે જ પરંતુ ગેરફાયદાઓ પણ છે. અમુક અસામાજિક તત્વો સોશ્યલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલિંગ, નાણાંકીય છેતરપીંડી સહિતના ગુન્હાઓ આચરતા હોય છે. સાઇબર ક્રાઇમ હેઠળ નોંધાતાં ગુન્હાઓને ડામવા આઇટી એકટ – ૨૦૦૨ અમલમાં મુકવામાં આવી છે. હાલ સુધી સાઇબર ક્રાઇમ હેઠળ આવતા ગુન્હેગારોને લાંબી સજા થવાનો ભય ન હતો પરંતુ જ્યારે રાજ્ય સરકારે સાઇબર ક્રાઇમમાં પણ પાસા થઈ શકે તેવો પ્રસ્તાવ મુક્યો છે તો ચોક્કસ ગુન્હેગારોના આલમમાં ભયનું મોજું ફરી વળશે અને ગુન્હાખોરી ઘટશે.

પ્રશ્ર્ન: પાસારૂપી શસ્ત્ર ભૂ માફિયાઓને બેફામ બનતા અટકાવી શકશે?

જવાબ: વ્યક્તિગત હિતને ધ્યાને રાખીને છેતરપિંડી કરીને કોઈની જમીન કે મકાન હડપ કરવા, સરકારી જમીન પર કબજો જમાવવાના અનેકવિધ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે પરંતુ હવે આ કેસમાં પાસાની અમલવારી થતા ભૂ માફિયાઓ ભોંય તળિયા ભેગા થશે તેવી મને ખાતરી છે.

પ્રશ્ર્ન: નારકોટિક્સ સહિતના ગુન્હામાં પાસા અસરકારક નીવડશે?

જવાબ:ભારતના યુવાધનને નશાના અંધકારમાં ધકેલનાર ઈસમોનું ભાવિ અંધકારમાં વીતશે તે પ્રકારે હવે નારકોટિક્સના ગુન્હામાં પણ પાસા થાય તેવું લાગી રહ્યું છે. જેથી આ પ્રકારના ગુન્હેગારોએ પણ સાવચેત થવાની જરૂરિયાત છે. ટૂંકમાં કહી શકાય કે ગુન્હો છોડો અથવા ગુજરાત છોડો જેવી સ્થિતિ ગુન્હેગારોની આગામી સમયમાં થવા જી રહી છે.

પ્રશ્ર્ન: છેલ્લા પાંચ વર્ષમાં કેટલા આરોપીઓને પાસા હેઠળ ધકેલાયા?

જવાબ: વર્ષ ૨૦૧૫માં ૯૯, વર્ષ ૨૦૧૬માં ૧૦૦, વર્ષ ૨૦૧૭ માં ૧૦૪, વર્ષ ૨૦૧૮માં ૮૩, વર્ષ ૨૦૧૯માં ૧૬૦ એમ મળીને કુલ પાંચ વર્ષમાં ૫૬૮ આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે અને હવે જે પાસાને નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે તે જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે જે પાંચ વર્ષમાં ૫૬૮ પાસા અટકાયતી આરોપી છે તેટલી સંખ્યામાં ફક્ત એક વર્ષમાં જ સજા કરવામાં આવશે.

પ્રશ્ર્ન: પાસા બોર્ડની ભૂમિકા કેવી રહેશે?

જવાબ: પાસા અટકાયતી આરોપીના પરિજનો ભલામણ સ્વરૂપે પાસા બોર્ડમાં અરજી કરતા હોય છે. પાસા બોર્ડ તમામ પુરાવાઓ ધ્યાને રાખીને નિર્ણય કરતી હોય છે. પાસા બોર્ડ પ્રથમથી જ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. બોર્ડમાં ચોક્કસ અરજી સ્વરૂપે ભલામણો આવતી હોય છે પરંતુ બોર્ડ ચાર્જશીટ, પુરાવાઓ, તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરતું હોય છે અને મને ખાતરી છે કે ગામી સમયમાં પણ બોર્ડની ભૂમિકા મહત્વપૂર્ણ અને યોગ્ય જ રહેશે. અગાઉ જે રીતે અમુક કેસોમાં ટૂંકા સમયમાં આરોપી જામીનમુક્ત થઈ જતા હતા પરંતુ હવે દિવસો ભૂતકાળ બનશે અને આરોપીઓએ લાંબો કારાવાસ ભોગવવો પડશે.

પ્રશ્ર્ન: લોકો એક અથવા બીજા કારણોસર આપઘાત કરી રહ્યા છે જેમાં આર્થિક સંકળામણ અને ધાક ધમકી હોય છે જેના કારણે આ પ્રકારના પગલાં લેવાતા હોય છે તો હવે પાસાની મજબૂતી લોકોની માનસિકતા મજબૂત બનાવી શકશે?

જવાબ: પોલીસ પ્રજાની પડખે છે ફે સૂત્રથી રાજ્ય સરકાર કાર્યરત છે. લોકો આર્થિક ભીંસથી સંકળાઈને આપઘાત કરતા હોય છે. આ પ્રકારના કેસમાં જ્યારે કોઈ ધાક ધમકીની ગંધ આવશે તો ચોક્કસ પોલીસ તટસ્થ તપાસ કરીને આરોપીને પાસા હેઠળ ધકેલીને સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ મુકશે.

પ્રશ્ર્ન: પાસાનો અતિરેક થાય નહિ તે જવાબદારી કોની?

જવાબ: તપાસનીશ અધિકારી યોગ્ય તપાસ કરશે. તમામ પુરાવાઓ ધ્યાને લઈને ગુન્હો નોંધી ચાર્જશીટ રજૂ કરશે. ત્યારબાદ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈને તે પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસવડાને પાસા કરવા અંગે ભલામણ કરશે અને ત્યારબાદ જવાબદાર અધિકારી તમામ મુદાઓ ધ્યાને રાખીને જે તે વ્યક્તિને પાસા કરવી કે નહિ તે અંગે નિર્ણય કરશે જેમાં અતિરેક થવાની સંભાવના ખૂબ ઓછી છે તેમ છતાં પોલીસ અધિકારીઓએ તટસ્થ રહીને તપાસ કરવી જરૂરી છે અને કોઈ પણ નિર્ણય કરતા પહેલા તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ભારતીય ન્યાય પ્રણાલી મુજબ સાથે ગુનેહગાર નિર્દોષ છૂટે તો વાંધો નહિ પરંતુ એક નિર્દોષને સજા ન મળે તેનું ધ્યાન રાખવું અતિ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.