લોક કલ્યાણની યોજના થકી સૌરાષ્ટ્ર નંદનવન બનશે !!!
ભાવનગર, પોરબંદર, અમરેલી, જામનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિતના જિલ્લાઓને નર્મદા કરતા પણ વધુ પાણી મળશે : દરિયાકાંઠાના વિસ્તારો નંદવાન બનશે
સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરવા માટે પાયાનો પાણીનો પ્રશ્ન ઉકેલવો જરૂરી છે. આ પ્રશ્ન ઉકેલવા માટે કલ્પસર યોજના સાકાર થવી આવશ્યક છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીની સંવેદનશીલ સરકારે સૌરાષ્ટ્રને નંદનવન બનાવવા માટે કલ્પસર યોજનાને પરિપૂર્ણ કરવા તરફ પ્રથમ ડગલુ ઉઠાવ્યું છે. આ ડગલુ ભાડભૂત બેરેજ યોજનાના સ્વરૂપમાં છે. રૂા.૫૩૦૦ કરોડના ખર્ચે શરૂ થયેલી ભાડભૂત બેરેજ યોજનાનો આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈ-શુભારંભ કરાવ્યાની સાથે જ સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન ઝડપથી ઉકેલાશે તેવી આશા બંધાઈ છે. ૧૯૮૦ના દાયકામાં કલ્પસર સરોવર બનાવવાની યોજના તૈયાર થઈ હતી. ઘોઘા-દહેજ વચ્ચે આકાર પામનારી દુનિયાની સૌથી મોટા એવા મીઠા પાણીના સરોવરની આ યોજનાના અનેક લાભ સૌરાષ્ટ્રને થશે. અનેક કારણોસર આ યોજના દશકાઓથી વિલંબમાં મુકાઈ હતી. પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે યોજના સાકાર કરવા મક્કમ પગલા લીધા છે.
વર્તમાન સમયે સૌરાષ્ટ્ર-કચ્છનો મસમોટો ભાગ પીવા અને સિંચાઈ માટેના પાણી માટે નર્મદા નદી પર આધારીત છે. ભાવનગર, પોરબંદર, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા અને રાજકોટ સહિતના કેટલાક જિલ્લા એવા છે જ્યાં નર્મદાનું પાણી સંપૂર્ણપણે પહોંચતુ નથી. માટે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી થાય તેની તાતી જરૂર હતી. નર્મદાનો વિકલ્પ કલ્પસર બની શકે તેમ છે. રૂપાણી સરકાર દ્વારા લોક કલ્પનાની કલ્પસર યોજનાને સરકાર કરવાનું પ્રથમ ડગલુ મંડાઈ ચૂકયું છે. સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં કલ્પવૃક્ષ સમાન પરિકલ્પના આ યોજના સાકાર કરશે. જેના પ્રારંભે ભાડભૂત બેરેજ યોજનાનો શુભારંભ થયો છે.
સૌરાષ્ટ્રનો ભોગૌલીક આકાર રકાબી જેવો છે. કલ્પસર યોજના સાકાર થાય તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને કુદરતી રીતે પાણી પૂરું પાડી શકાય. આ યોજનાને સાકાર કરવા સરકારે ડઝનબદ્ધ સર્વે કરાવ્યા હતા. ત્યારબાદ આ યોજના સાકાર કરવાનું પ્રથમ ડગલુ લીધું છે. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત ૨૧૦૦૦ મીલીયન ઘનફૂટ મીઠા પાણીનો સંગ્રહ થશે. ૬ માર્ગીય પુલ પણ બનશે. જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટી જશે. સૌરાષ્ટ્ર માટે ખેતી, પીવા અને ઔદ્યોગીક વપરાશના પાણીની કાયમી સમસ્યાનો નિરાકરણ આવી જશે. ભાડભૂત બેરેજની લંબાઈ ૧૬૪૮ મીટરની છે. ૯૦ દરવાજા છે. કલ્પસર યોજના સૌરાષ્ટ્રની કાયાપલટ કરી શકે તેટલી સક્ષમ છે.
કલ્પસર યોજના સૌરાષ્ટ્ર માટે મીઠા પાણીનું સરોવર બની શકે છે. ૬ જિલ્લાઓની લાખો હેકટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડશે. વિશાળ જળ સંગ્રહ થશે. આ યોજના સાકાર કરવા માટે ૨૦૦૪માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રસ દાખવ્યો હતો. ત્યારબાદ સમયાંતરે અભ્યાસો થયા હતા અને હવે લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ભાડભૂત બેરેજ યોજના થકી કલ્પસર યોજના સાકાર થવા જઈ રહી છે.
નોંધનીય છે કે, આઝાદી પછીના તુરંતના સમયગાળામાં નર્મદા નદી પર બંધ બાંધવા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૯૭૯માં નર્મદા જળ વિવાદ પંચે ૪૫૫ ફૂટ જેટલા ઉંચા બાંધને મંજૂરી આપી હતી. ત્યારબાદ તબક્કાવાર બાંધકામ શરૂ થયું હતું. અલબત આ યોજના માટે વિશ્વ બેંકે લોન આપવા માટેની તૈયારી પણ કરી હતી. જો કે, ખુલ્લી કેનાલોના મામલે આ બાબત ઘોંચમાં મુકાઈ હતી. ગુજરાતમાં લાંબા સમયથી ફેલાતા આવેલા રાજકારણનો ભોગ થોડા વર્ષો પહેલા કલ્પસર પણ બની ચૂકી છે. જો કે હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં યોજના સાકાર થવા જઈ રહી છે. ભાડભૂત બેરેજ કેનાલના કારણે કલ્પસરને સાકાર કરવામાં સરળતા રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં આગળ વધતી ખારાશને ખટાડવામાં કલ્પસરનું મીઠાપાણીનું ઝરણું મહત્વનો ભાગ ભજવશે. આ યોજના સાકાર કરવા માટે ભૂતકાળમાં અનેક ખાનગી કંપનીઓ મેદાને આવી હતી. ખાનગી કંપનીઓ કલ્પસરને સાકાર કરાવે તો તેનો ખર્ચો ટૂંક સમયમાં નિકળી જાય તેવું પ્લાનીંગ પણ થયું હતું. ડેમ ઉપર ૬ લેન રોડ બાંધીને તેનો ખર્ચ કાઢી શકાય તેમ હતો. પરંતુ આ બાબત શકય બની શકી ન હતી.
૨૦૦૦ ચો. કિ.મી.નું મીઠા જળનું તળાવ બનશે
કલ્પસર યોજનાના કારણે ૨૦૦૦ સ્કવેર કિ.મી.નું મીઠા પાણીનું તળાવ બનશે. અત્યાર સુધી વિશ્ર્વમાં આવું મોટુ મીઠા પાણીનું ઝરણું ઉભુ થઈ શકયું નથી. આ ઝરણું સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા ઉકેલી શકે છે. કલ્પસર યોજના જેવી અનેક યોજનાઓ વિદેશમાં પણ સાકાર થઈ છે. નેધરલેન્ડ અને ફ્રાન્સમાં કલ્પસર જેવી જ યોજનાઓ અસ્તિત્વમાં છે. ૨૦૦૦ ચો. કિમીનું મીઠા જળનું તળાવ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના પીવા અને સિંચાઈના પાણીનો પ્રશ્ર્ન ઉકેલી દેશે.
જાફરાબાદથી લઈ બગોદરા વચ્ચેનો સૌરાષ્ટ્રનો વિસ્તાર બનશે ફળદ્રુપ
કલ્પસર યોજના સૌરાષ્ટ્રની જમીનની ફળદ્રુપતા માટે આશિર્વાદરૂપ સાબીત થવા જઈ રહી છે. જાફરાબાદથી બગોદરા વચ્ચેના વિસ્તારમાં નર્મદાના સિંચાઈના પાણી અન્ય વિસ્તારોની સરખામણીમાં ઓછા પ્રમાણમાં મળે છે. નર્મદાના વિકલ્પરૂપે કલ્પસરના પાણી આ પટ્ટામાં પહોંચે તો સૌરાષ્ટ્રનો વિસ્તાર ઝડપથી ફળદ્રુપ બની શકે છે. લાંબા દરિયાકાંઠાની ખારાશ રોકવા માટે પણ મીઠા જળની આ યોજના મહત્વની સાબીત થશે. જાફરાબાદથી લઈ બગોદરા વચ્ચેનો સૌરાષ્ટ્રનો પટ્ટો મીઠા પાણીના કારણે ફળદ્રુપ બનશે.
સૌરાષ્ટ્ર માટે ‘નમામી દેવી નર્મદે’ કરતા પણ વધુ આશીર્વાદરૂપ કલ્પસર સમાન ભાડભૂત બેરેજ યોજના
નર્મદાને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, અલબત સૌરાષ્ટ્ર માટે નમામી દેવી નર્મદે કરતા કલ્પસર વધુ મહત્વની છે. કલ્પસર યોજનામાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા નર્મદા કરતા પણ વધુ છે. નર્મદાથી બે થી અઢી ગણુ પાણી જો કલ્પસર સાકાર થાય તો સંગ્રહીત કરી શકાય તેમ છે. ખંભાતના અખાત પર ડેમ બાંધીને ખારા પાણીને મીઠુ પાણી બનાવવાની યોજનાનો વિચાર હવે હકીકતમાં બનવા જઈ રહ્યો છે. તેના પ્રારંભે ભાડભૂત બેરેજ યોજના શરૂ થઈ છે.
કલ્પસર યોજના સૌરાષ્ટ્ર માટે વરદાન સમાન: સમીરભાઈ શાહ
કલ્પસરને સૌરાષ્ટ્રના જળસંકટના કાયમી ઉકેલ તરીકે નેશનલ પ્રોજેક્ટ જાહેર કરવાની હાંકલ ‘અબતક’ના માધ્યમથી થઈ હતી સોમાનાં પ્રમુખ સમીરભાઈ શાહે ભાડભુત બેરેજ યોજનાના શુભારંભ પ્રસંગે અબતક સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યોજના અમલી બનતાની સાથે જ કલ્પસર યોજના બીજા તબકકામાં શરૂ હશે. કલ્પસર યોજના અમલી બનતાની સાથે જ સૌરાષ્ટ્રનાં કાયાપલટ થઈ જશે. તેમના જણાવ્યા મુજબ નર્મદામાં જે પાણીનો સંગ્રહ જોવા મળે છે તેનાથી પણ વધુ પાણીનો સંગ્રહ કલ્પસર યોજનામાં થશે. બીજી તરફ યોજના અમલી બનતાની સાથે જ ઓખાથી દ્વારકા કેનાલનું પણ નિર્માણ થશે. આ યોજના થકી ખેત ઉત્પાદન અને ખેતીને પણ ખુબ સારો વેગ મળી રહેશે. સોમાનાં પ્રમુખ સમીરભાઈ શાહનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં જે ખારાશનો પટ જોવા મળી રહ્યો છે તેમાં પણ અનેકઅંશે ઘટાડો થશે અને સૌરાષ્ટ્ર કલ્પસર યોજના થકી નંદનવન પણ બની જશે. આગામી ૭ વર્ષમાં કલ્પસર યોજના જયારે પુરી થશે ત્યારે સૌરાષ્ટ્ર એક અલગ જ અને આગવું સ્થાન ધરાવશે. કલ્પસર યોજના માત્ર દક્ષિણ ગુજરાત માટે જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર માટે વરદાન સમાન સાબિત થયું છે. આ યોજના થકી દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચે જે રોડ ડિસ્ટન્સ છે તેમાં પણ અનેકગણો ઘટાડો થતા પરીવહન સુદ્રઢ થશે અને ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે. અંતમાં તેઓએ વ્યકિતગત લાગણી દર્શાવતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખુબ જ સરાહનીય પગલુ લેવામાં આવ્યું છે અને આ યોજના થકી ખેત ઉત્પાદનમાં વધારો થશે અને ખેડુતોનાં હાથમાં ખુબ મોટી આવક પણ જોવા મળશે.
હજારો હેકટર ખારી પટ જમીન હવે નંદનવન બની જશે
વિશાળ દરિયાકાંઠો ધરાવતા સૌરાષ્ટ્રમાં આગળ વધતી દરિયાઈ ખારાશ પણ ચિંતાનો વિષય છે. કલ્પસર યોજનાના કારણે હજ્જારો હેકટર ખારો પટ મીઠા પાણીના કારણે ફળદ્રુપ બની જશે. ભૂગર્ભ જળ પણ મીઠા બનશે. જેના કારણે ખેતી પણ સરળતાથી થઈ શકશે. પોરબંદર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વધી રહેલી ખારાશ મુદ્દે મીઠા પાણીનું ઝરણું અગત્યનું સાબીત થશે. કલ્પસર યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં નંદનવનની શક્યતાઓથી ખેડૂતોને ચાંદી ચાંદી થશે.
કલ્પસર સાકાર થવા તરફ ભાડભૂત બેરેજ યોજના પ્રથમ ડગલુ: ડો.અનિલ કાણે
મુખ્યમંત્રી રૂપાણીની સંવેદનશીલ સરકારના પ્રયાસોના કારણે આજે ભાડભૂત બેરેજ યોજનાના બાંધકામનો ઈ-શુભારંભ થયો હતો. નર્મદામાંથી હજારો ક્યુસેક પાણી દરિયામાં વહી જતુ અટકશે. આજે ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન કલ્પસર પ્રોજેકટના વિચારના પાયામાં રહેલા ડો.અનિલ કાણેએ કહ્યું હતું કે, ભાડભૂત બેરેજ યોજનાથી કલ્પસર યોજના સાકાર થવા તરફનું પ્રથમ ડગલું મંડાયું છે. આ યોજના રાજ્ય માટે મહત્વની સાબીત થશે. નોંધનીય છે કે, અગાઉ પણ ડો.અનિલ કાણેએ ‘અબતક’ સાથેની વિશેષ કાર્યક્રમ દરમિયાન કલ્પસરની વિગતવાર માહિતી આપી હતી અને કલ્પસર શુંકામ, કેવી રીતે સાકાર થઈ શકે તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કલ્પસર યોજના સાકાર થવાથી સૌરાષ્ટ્રને થનારા ફાયદાની રજે રજની માહિતી આપી હતી. આ ઉપરાંત કલ્પસર પાછળ થનારા ખર્ચ ઉપાડવા ખાનગી કંપનીઓ પણ આગળ આવી હોવાનું કહ્યું હતું.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું પરિવહન ઝડપી અને સરળ બનશે
સૌરાષ્ટ્રના વિકાસ માટે સીમાચિન્હરૂપ સાબીત થઈ શકે તેવા કલ્પસર પ્રોજેકટના કારણે દક્ષિણ ગુજરાત સાથેનું પરિવહન ઝડપી બની શકે છે. આ યોજના સાકાર થશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર પણ ઘટશે. ૬ માર્ગીય રસ્તો રાજ્યના મહત્વના ભાગને જોડી દેશે. અંતરમાં ઘટાડો થશે તો પરિવહન પાછળ થતો ખર્ચ પણ ઘટશે અને એકંદરે ટ્રાન્સપોર્ટેશનને પણ ફાયદો થશે.
ધોલેરા સહિતના ગોલ્ડન કોરીડોર વિસ્તારની કાયાપલટ થશે
ધોલેરાના ગોલ્ડન કોરીડોરના કારણે ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીનું સ્વપ્ન પણ સરકાર થયું છે. ૯૨૦ વર્ગ કિલોમીટરના આ સ્માર્ટ સિટીના કારણે અનેક લોકોને રોજગારી મળી છે. આ ઉપરાંત ગોલ્ડન કોરીડોરથી મેન્યુફેકચરીંગ, એન્જીનીયરીંગ, ફાર્મા અને ફૂડ પ્રોસેસીંગ જેવા સેકટરને પણ ફાયદો થશે. ઝડપી અને સરળ પરિવહનના કારણે ઉદ્યોગો માટે અનુકુળ વાતાવરણ સર્જાયું છે. હવે પાણીનો મુખ્ય પ્રશ્ન છે તે પણ ઉકેલાય જશે. આ ઉપરાંત પરિવહન પાછળ લાગતો સમય પણ ઘટશે.
નર્મદાના પ્રમાણમાં ઓછા ખર્ચે સૌરાષ્ટ્રની સ્વતંત્ર પરિયોજના એટલે ભાડભૂત બેરેજ યોજના
કલ્પસર યોજના પાછળ નર્મદા કરતા ઓછા નાણાનો વ્યય થશે. નર્મદા ડેમ પાછળ ૭૦ થી ૭૫ હજાર કરોડ જેટલો ખર્ચ થયો હતો. અલબત કલ્પસર પાછળ આટલો ખર્ચ થશે નહીં. છતાં આ યોજના સૌરાષ્ટ્ર માટે પાણીની સમસ્યાનું નિવારણ કરશે. દશકાઓથી ઘડાઈ રહેલું આયોજન હવે સાકાર થશે. અત્યાર સુધીમાં કલ્પસર માટે અનેક અભ્યાસો થઈ ચૂકયા છે. જેના પાછળ ખર્ચ વધ્યો છે પરંતુ આ નર્મદા કરતા ઓછો ખર્ચ છે. અત્યારે ભાડભૂત બેરેજ યોજનાના પ્રથમ ચરણમાં ૫૩૦૦ કરોડનો ખર્ચ થયો છે.