એસસી, એસટી અને ઓબીસી આગેવાનોની સતત રજૂઆતો બાદ સંવેદનશીલ વિજયભાઇ રૂપાણી સરકારે અન્યાય દૂર કરવા આ પરિપત્રમાં સુધારાની જાહેરાત કરી
રાજ્ય પોલીસ વિભાગની લોક રક્ષક દળ એટલે કે એલઆરડી પરીક્ષામાં અનામત વર્ગના સ્ત્રી ઉમેદવારો ઉંચુ મેરીટ લાવે તો પણ તેમને સામાન્ય વર્ગમાં ગણવાના બદલે અનામત વર્ગમાં જ ગણવાનો રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે તાજેતરમાં પરિપત્ર કર્યો હતો. જે સામે અનામત વર્ગના સ્ત્રી ઉમેદવારો આ પરિપત્રને અન્યાયકારી ગણાવીને છેલ્લા થોડા સમયથી ગાંધીનગર સહિત રાજ્યભરમાં આંદોલનો ચલાવી રહ્યાં હતા. આગામી ૨૪મીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે આ આંદોલનોની સ્થિતિ કડે નહીં તે માટે રાજ્યની રૂપાણી સરકારે આ પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ પરિપત્રમાં ફેરફાર કરતા અનામત વર્ગના સ્ત્રી ઉમેદવારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
રાજ્યમાં ઘણા સમયથી એલઆરડી અનામતને લઈને આંદોલન ચાલી રહ્યા છે. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો વડે ભરવાના ૧ ઓગસ્ટ ૨૦૧૮ના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ પરિપત્રને લીધે એલઆરડી ભરતી પ્રક્રિયાથી વિવાદનો મધપૂડો છેડાયો હતો. આ પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, ઓબીસી, એસસી અને એસટી સમાજના ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે ઓબીસી, એસટી, એસસીના આગેવાનો સાથે મળીને મુલાકાત કરી હતી. તમામ આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સરકારે એલઆરડી અનામતના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.
ઓબીસી, એસસી અને એસટી સમાજના ઉમેદવારોની માગણી છે કે, મહિલાઓ માટે અનામત રખાયામાંથી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી જ ભરવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યો આંદોલન કરે તે પહેલા જ રાજ્ય સરકારે એલઆરડી અનામતના પરિપત્રમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કોંગ્રેસનો શાસક પક્ષને ઘેરવાનો આગામી પ્લાન નિષ્ફળ થઈ ગયો છે. કોંગ્રેસે આ નિર્ણય પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિનઅનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય કરવાનું કાવતરું ગણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરવા જીએડી દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. ૧૨ અને ૧૩ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે.
રૂપાણી સરકારે એલઆરડી અનામતના પરિપત્રને લઈને મોટો નિર્ણય લીધો છે. એલઆરડી અનામતના ૦૧-૦૮-૨૦૧૮ના પરિપત્ર કેન્સલ કરીને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. બીજી બાજુ ગાંધીનગરમાં છેલ્લા ૬૪ દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં ઓબીસી સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને ૧-૮-૨૦૧૮ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે.
આ સમગ્ર મુદ્દે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં પ્રદિપસિંહે જણાવ્યું કે, લોકરક્ષક દળની ભરતીના કારણે કેટલીક સમસ્યા હતી. જેને લઈને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો થઈ હતી. ચાર દિવસ આગાઉ જ આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી. એલઆરડીના સંદર્ભમાં જે ૧-૮-૨૦૧૮નો પરિપત્રનો ઠરાવ મામલે કોઇ વિવાદ હશે તો દૂર કરશે. તેમણે દેશમાં જુદા જુદા રાજ્યોમાં આનો કેવો અમલ થાય છે તેનો અભ્યાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી એડવોકેટ જનરલ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરાય હતી. આ પરિપત્રના કારણે વિવાદ ઉભો થયો હતો. જેના કારણે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે અમે ૧-૦૮-૨૦૧૮ના પરિપત્રમાં સુધારો કરીશું. બંધારણના જે હક્કો છે તે મળવા જોઈએ. બધાંરણની જોગવાઈ અનુસાર કોઈ પણ ઘટ હશે તો અમે ચલાવી લેવા માંગતા નથી. આગામી થોડા દિવસોમાં આ નિર્ણયનો અમે અમલીકરણ કરીશું.