30 સપ્ટેમ્બર સુધીનું પાણી અનામત રાખી ડેમ અને જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાશે: રૂપાણી સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદ ખેંચાવાના કારણે હવે ખેતરોમાં ઉભા પાક સુકાવા લાગ્યા છે. હજી પાંચેક દિવસે સાર્વત્રિક અને સંતોષકારક વરસાદ પડે તેવી કોઇ જ સિસ્ટમ હાલ સક્રિય નથી આવામાં મૂરજાતી મોલાતને બચાવવા માટે રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મોલાતને બચાવવા માટે ડેમ, તળાવ અને જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે.
ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષ નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થયું હતું. ચોમાસા પૂર્વ તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં સાર્વત્રિક સંતોષકારક વરસાદ વરસી ગયો છે જેથી ખેડૂતોએ આગોતરી વાવણી કરી દીધી હતી. જો કે પાછળથી વરસાદ ખેંચાવાના કારણે વાવણી નિષ્ફળ જવાની ભીતી ઉભી થઇ હતી. એક પખવાડીયા 5ૂર્વ વરસાદનો બીજો રાઉન્ડમાં મોલાતને નવજીવન પ્રાપ્ત થયું હતું. જો ફરી મેઘરાજાએ મોં ફેરવી લેતા હવે પાકા નિષ્ફળ જવાની દહેશત ઉભી થવા પામી છે.
અપુરતા વરસાદના કારણે કુવાના તળ પણ સાજા થયા નથી. આવામાં પાકને બચાવો ખેડૂતો માટે એક પડકાર બન્યો છે. ત્યારે રૂપાણી સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેતરોમાં ઉભા પાકને બચાવવા રાજ્યના ડેમ અને જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. આગામી 30મી સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો જથ્થો અનામત રાખી બાકીનું પાણી સિંચાઇ માટે તાત્કાલીક છોડવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખેડૂતોને સિંચાઇ માટે જળાશયોમાંથી પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પૂર્વ પણે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઇ માટે 8 ના બદલે 10 કલાક વિજળી આપવાનો નિર્ણય લીધો હતો. હવે ખેડૂતોને દિવસે પણ વિજળી આપવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ સારો વરસાદ આવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી ત્યારે મુરજાતી મોલાતને બચાવવા માટે રાજ્ય સરકારે જળાશયોમાંથી પાણી છોડવાનો જે નિર્ણય લીધો છે. તેવી પ્રશંસા થઇ રહી છે.