એસ.ટી.માં ૨૬૨૦ નવા ડ્રાઈવરો અને ૫૫૬ વહિવટી સ્ટાફને નિમણૂંક પત્રો અપાયા: આગામી વર્ષોમાં વધુ નવી ૩૬૦૦ બસો દોડાવવાની નેમ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયનો કાર્યભાર સંભાળ્યા બાદ એક જ વર્ષમાં ૮૦ હજાર યુવાનોને રોજગારી પૂરી પાડી રેકોર્ડ આપ્યો છે. સત્તા ઉપર આવ્યાના તુરંત બાદ જ રૂપાણી સરકાર રોજગારીના પ્રશ્ર્ને ગંભીર રહી છે. અનેક યુવાનોને રોજગારી અર્થે તાલીમ અપાઈ છે.
અમદાવાદ ખાતે ગઈકાલે એસ.ટી.ના સ્ટાફને નિમણૂંક પત્ર ફાળવવાના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નફો કમાવવાનું માધ્યમ નથી પરંતુ ગરીબો અને કોમનમેનની સેવાનું માધ્યમ છે. નુકશાન સહન કરીને પણ સરકાર ગરીબોની સેવા માટે બંધાયેલી છે. કાર્યક્રમમાં એસ.ટી.ના ૨૬૨૦ નવા ડ્રાઈવરો તેમજ ૫૫૬ વહીવટી સ્ટાફને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉની સરકારની લાપરવાહીના કારણે બેરોજગારી વધી હતી. પરંતુ હાલની સરકાર યુવાનોને રોજગારી આપી રહી છે. રોજગારી માટે સરકારે ભરતીનું કેલેન્ડર તૈયાર કર્યું છે.
આ તકે રાજય પરિવહન મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ કહ્યું હતું કે, એસ.ટી. કોર્પોરેશન પાસે ૭૦૦૦ બસો અને ૪૫૦૦૦ કર્મચારીઓની તાકાત છે. આ તમામ લોકોની સેવા માટે છે. તેમણે મેર્યું હતું કે, ગત વર્ષમાં એસ.ટી.માં ૧૬૦૦ નવી બસો મુકવામાં આવી હતી. આગામી વર્ષમાં વધુ ૩૨૦૦ નવી બસો દોડાવવામાં આવશે.